યુરિક ઍસિડ વધુ હોય તો શું ખાવું?… શું ન ખાવું?

પ્રશ્ન: મારું યુરિક ઍસિડ વધારે આવી રહ્યું છે, એનું શું કારણ હોઈ શકે? આ પરિસ્થિતિમાં આહારમાં શું ધ્યાન રાખવું જોઈએ?

– કર્ણવ દોશી (કાંદિવલી)

ઉત્તર: યુરિક ઍસિડ વધે એને હાઈપર યુરેસેમિયા કહેવામાં આવે છે. શરીરમાં પ્યુરિનની માત્રા વધવાને કારણે યુરિક ઍસિડનું વધુ પ્રમાણ જોવા મળે છે. મોટા ભાગે પ્યુરિન કિડની દ્વારા શરીરની બહાર નીકળી જાય છે, પરંતુ કોઈ કારણસર એનું પ્રમાણ વધી જાય ત્યારે એ ક્રિસ્ટલ જેવા સ્વરૂપમાં પરિવર્તિત થઈને શરીરમાં જમા થાય છે, એના લીધે સાંધા જકડાઈ જાય, શરીર અક્કડ થઈ જાય, હલનચલનમાં મુશ્કેલી પડે, વગેરે સમસ્યા ઉદ્ભવે. યુરિક ઍસિડ વધવાનું મુખ્ય કારણ છે વધુ પ્યુરિન ધરાવતી ચીજ, જેમ કે રેડ મીટ, સી ફૂડ્સ, આલ્કોહોલ, વગેરે.

આ ઉપરાંત, કિડનીની કોઈ સમસ્યા હોય તો એ પ્યુરિનને બહાર કાઢી શકતી નથી, જેથી એ લોહીમાં જમા થાય છે. અમુક સ્થિતિમાં સ્થૂળતા પણ યુરિક ઍસિડ વધવાનું કારણ બને છે. ક્યારેક કોઈ પ્રકારની દવાને કારણે કે પછી પાણી ઓછું લેવાને કારણે અથવા વારસાગત રીતે પણ યુરિક ઍસિડનું પ્રમાણ વધારે હોય એવું બની શકે.

હાઈપર યુરેસેમિયાની સારવારમાં સૌપ્રથમ તો ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી દવા નિયમિત રીતે લેવી જરૂરી છે. આહારમાં ઓછા પ્યુરિનવાળા આહાર (ભાત, દહીં, દૂધ, અખરોટ, ઘઉંની બનેલી વાનગીઓ, મોટા ભાગનાં શાકભાજી તથા ફળ)નો ઉપયોગ કરી શકાય. એ સામે નૉન-વેજ ફૂડ્સ, આલ્કોહોલ, સોડા, બહારના પૅક્ડ જ્યુસ, મીઠાઈ, અડદની દાળ, રાજમા, વટાણા, વાલ, મશરૂમ, ફ્લાવર, પાલક, ડ્રાયફ્રૂટ્સ, વગેરેનો બહુ ઉપયોગ ન કરવો. પુષ્કળ માત્રામાં પાણી પીવું અને તમારું આદર્શ વજન જાળવી રાખવું.

પ્રશ્ન: હું 37 વર્ષની વર્કિંગ વુમન છું. હમણાં થોડા સમયથી મને મારાં નિયમિત કાર્યો કરવામાં નબળાઈ અને થાકનો અનુભવ થાય છે. રોજબરોજનાં કાર્યોમાં તરોતાજાં રહેવા માટે કેવા પ્રકારનો આહાર લઈ શકાય?

– ખ્યાતિ પટેલ (વડોદરા)

ઉત્તર: નબળાઈ તેમ જ થાક લાગવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. ઘણી વખતે અમુક પ્રકારનાં પોષક તત્ત્વોની ખામીને કારણે આપણે થાકનો અનુભવ કરીએ છીએ. વિટામિન ડીની ઊણપને કારણે મેદસ્વીપણું, હાડકાં તેમ જ સ્નાયુમાં દુખાવો થવો જેવી તકલીફ થાય છે, જેના લીધે આપણને નબળાઈ વર્તાય છે. એ નિવારવા માટે દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ નિયમિત કરી શકાય. સવારના સમયે સૂર્યનાં કિરણો ત્વચાને સ્પર્શે એ માટે સન બાથ લઈ શકાય. આ ઉપરાંત, વિટામિન ડી સપ્લિમેન્ટ્સનો ઉપયોગ પણ ડૉક્ટરની સલાહ મુજબ કરી શકાય.

શરીરમાં વિટામિન બી-12નું પ્રમાણ ઓછું હોય તો પણ નબળાઈ લાગે. હાથ-પગમાં ખાલી ચડી જવી, નસ ચડી જવી, ત્વચા ફીકી થવી, થોડી પણ વધુ પ્રવૃત્તિ કરવાથી શ્ર્વાસ ચઢી જવો, વગેરે તકલીફ વિટામિન બી-૧૨ની ખામી સૂચવે છે. કોઈ લાંબો સમય એનીમિક રહે ત્યારે સૌપ્રથમ વિટામિન બી-6ની ખામી ઉત્પ્ન્ન થાય છે, જે વિટામિન બી-12ની ઊણપમાં પરિણમે છે. ઈંડાં અને નૉન-વેજ ફૂડ વિટામિન બી-12નો સારો સ્રોત છે. તો દૂધ, દહીં, લીલાં શાકભાજી ઉપરાંત હવે ફોર્ટિફાઈડ અનાજ પણ બજારમાં ઉપલબ્ધ છે. સોયા મિલ્કમાં પણ હવે વિટામિન બી-૧૨ને ફોર્ટિફાઈડ કરીને ઉમેરવામાં આવે છે, જેથી એ વધુ ન્યુટ્રિશિયસ બની શકે.

તમને નબળાઈની સાથે ઉપરોક્ત લક્ષણો પણ વર્તાય છે તો પહેલાં તમારે વિટામિન ડી-3 તથા વિટામિન બી-12ના રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે. આ પોષક તત્ત્વોની ખામી હોય તો પહેલાં તમારા ડૉક્ટરની સલાહ મુજબ એને લગતાં સપ્લિમેન્ટ્સ શરૂ કરવાં જરૂરી છે, કારણ કે આ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સનું પ્રમાણ આપણા સામાન્ય આહારમાં ખૂબ ઓછું છે એટલે જો ડેફિસિયન્સી વધારે હોય એવી પરિસ્થિતિમાં સપ્લિમેન્ટ્સ લેવાય એ જ એનો ઉપાય છે.

 

પ્રશ્ન: મારું કૉલેસ્ટરોલ તેમ જ ટ્રાયગ્લિસરાઈડ વધારે આવ્યું છે તો કઈ રીતનો આહાર હું લઈ શકું? તેલ-ઘી અને ચરબીયુક્ત ખોરાક સદંતર બંધ કરવો જોઈએ?

– રમેશભાઈ શાહ (ભરૂચ)

ઉત્તર: કૉલેસ્ટરોલ તેમ જ ટ્રાયગ્લિસરાઈડ વધારે આવે છે તો તમારે ચોક્કસપણે વધુપડતો ચરબીયુક્ત આહાર ટાળવો જોઈએ. અલબત્ત, એનો મતલબ એવો નથી કે તમે તેલ-ઘી સદંતર બંધ કરો, પરંતુ તળેલો અને વધુપડતો નમકયુક્ત આહાર ન લેવાય એનું ધ્યાન રાખવું. બહારના (તૈયાર) નાસ્તા-નમકીન ના લેવા. જેને ગુડ ફૅટ કહેવાય છે એવા હેલ્ધી ફૅટનો ઉપયોગ હૃદયને સારી સ્થિતિમાં જાળવવા માટે કરી શકાય. આ પ્રકારનાં અનસૅચ્યુરેટેડ ફૅટ્સ ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, સીડ્સ, એવોકાડો, કોકોનટ, શીંગદાણા અને અમુક પ્રકારનાં વેજિટેબલ ઑઈલ દ્વારા આપણને મળી રહે છે.

એના ઉપયોગ દ્વારા હાર્ટ ડિસીઝ કે હાર્ટ અટેકને નિવારી શકાય છે તેમ જ કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ એ મદદરૂપ છે. અનસૅચ્યુરેટેડ ફૅટ્સના ઉપયોગની સાથે સાથે તમારી દિનચર્યા પણ નિયમિત હોવી જરૂરી છે. સમયસર ઊઠવું તેમ જ ટાઈમ પર આહાર લેવો એ હેલ્ધી લાઈફસ્ટાઈલની નિશાની છે. ઓછામાં ઓછી દિવસમાં અડધો કલાક નિયમિત હળવી એક્સરસાઈઝ થાય એવો નિયમ બનાવવો, જેમાં યોગનો સમાવેશ કરી શકાય.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)