લીવરને સાજુંનરવું રાખવા શું કરવું?

પ્રશ્ન: મારા રિપોર્ટ્સમાં મને ફૅટી લીવર હોવાનું ડિટેક્ટ થયું છે, તો શું એ ચિંતાજનક કહેવાય? આ સ્થિતિમાં મારે ડાયેટમાં શું ધ્યાન રાખવું જોઈએ?

– અવનિ ફીચડિયા (રાજકોટ)

ઉત્તર: ફૅટી લીવરનો અગર પ્રારંભિક તબક્કો છે તો એ મોટા ભાગે ચિંતાજનક ના કહી શકાય, પરંતુ એ વખતે ધ્યાન આપવામાં ન આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે અને એ લીવરને નુકસાન પહોંચાડી શકે છે. તમારા લીવરમાં ચરબીનું વધુ પ્રમાણ પણ તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા કિડનીને લગતા ડિસીઝને આમંત્રણ આપી શકે છે. આવા સમયે ડૉક્ટરે સૂચવેલી દવા ઉપરાંત આહારનિયંત્રણ પણ જરૂરી છે.

 

આ સમયે એવો ડાયેટ જરૂરી છે કે જેમાં ફ્રૂટ-શાકભાજી સારા પ્રમાણમાં હોય અને આખાં અનાજનો ઉપયોગ હેલ્ધી ફૅટની સાથે થયો હોય. ખોરાકનું પ્રમાણ તમે કેટલું જાળવો છો એ પણ મહત્ત્વનું છે. આ ગાળામાં શુદ્ધ શર્કરા (સિમ્પલ સુગર) ધરાવતા આહારને ટાળવો. નિયમિત એક્સરસાઈઝ પણ થવી જોઈએ. સીઝનમાં તાજાં મળતાં અલગ અલગ પ્રકારનાં નૉન સ્ટાર્ચી શાક, લીલોતરીવાળી ભાજી અને ફ્રૂટ્સનો ઉપયોગ કરવો. ઓટ્સ, ઘઉંના ફાડા, બ્રાઉન રાઈસ, વગેરેનો ઉપયોગ પણ કરી શકાય. સાથે સારા પ્રકારનાં પ્રોટીન અને ફાઈબર માટે બદામ, અખરોટ, શીંગ, પમ્પકીન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ લઈ શકાય.

ઓલિવ ઑઈલ, બદામ, બધા પ્રકારનાં સીડ્સ, એવોકાડો, કોકોનટ ઑઈલ, વગેરે ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી પ્રૉપર્ટી ધરાવતાં હેલ્ધી ફૅટ્સ છે, જેનો ઉપયોગ આ સમયે કરી શકશો.

ન લઈ શકાય એવા ખાદ્યોમાં વધુપડતી સાકર ધરાવતાં સ્પોર્ટ્સ ડ્રિન્ક, ઠંડાં પીણાં, જ્યૂસ, વગેરે ટાળવાં. મીઠાઈ, કેક, પેસ્ટ્રી જેવાં પ્રોસેસ્ડ ફૂડ બને ત્યાં સુધી ન લેવાં. વધુપડતી ચરબીવાળો આહાર તથા બટર, ચીઝ, વગેરે પણ ઓછી માત્રામાં લેવાં. મેંદામાંથી બનતી વાનગી, ભાત, બટેટાનો ઉપયોગ ઘટાડવો. આલ્કોહોલની ટેવ હોય તો એવા લોકોએ અતિ અલ્પ માત્રામાં સેવન કરવું. અગર તમે ઓવરવેઈટ કે મેદસ્વી છો તો વજન ઉતારવાનો પ્રયત્ન કરવો, જેના માટે ઓછામાં ઓછી 45 મિનિટ કસરત કરવી.

પ્રશ્ન: સવારના નરણા કોઠે લીંબુપાણી પીવાથી વજન ઉતારવામાં મદદ મળે છે એ વાતમાં તથ્ય છે?

– વિવેક ઠક્કર (અમદાવાદ)

ઉત્તર: લીંબુપાણી એ ગરમીમાં પીવા માટેનું આદર્શ પ્રવાહી છે. લીંબુમાં વિટામિન સી ભારોભાર હોય છે, જે આપણને સ્ફૂર્તિ અપાવે છે, હાઈડ્રેટ રાખે છે તથા પાચન સુધારવામાં મદદ કરે છે. અલબત્ત, આડકતરી રીતે એ વજન ઉતારવામાં મદદ કરી શકે, પરંતુ એની સાથે લો કૅલરી ઈન્ટેક, બૅલેન્સ ડાયેટ અને રેગ્યુલર એક્સરસાઈઝ કરવી પણ જરૂરી છે. બીજા કોઈ પ્રયત્ન વગર અગર ફક્ત લીંબુપાણીનો ઉપયોગ જ કરવામાં આવે તો ચોક્કસપણે વજન ન ઊતરી શકે. શરીરમાં રહેલી ચરબીને બાળવા માટે ઉપયુક્ત પ્રયત્નો પણ એટલા જ જરૂરી છે. બાકી, બજારમાં મળતાં તૈયાર એનર્જી ડ્રિન્ક્સ કે ઠંડાં પીણાંની સરખામણીએ લીંબુપાણીમાં કૅલરી પણ ઓછી હોય છે અને ઍન્ટિઑક્સિડન્ટ હોવાથી નિ:શંકપણે એ ફાયદેમંદ છે.

પ્રશ્ન:: હું 24 વર્ષનો છું. મારે શરીરમાં ચરબીનું લેવલ, પાણીનું લેવલ તથા પ્રોટીન સ્ટ્રેન્થ અને મસલ વેઈટ ચકાસવાં હોય તો એ માટે કયા પ્રકારની ટેસ્ટ કરાવી શકાય? અગર એ ખયાલ આવે તો એ મુજબ હું મારો ડાયેટ સેટ કરી શકું. હું નિયમિત વર્કઆઉટ કરું છું, પણ મારે સિક્સ પૅક ઍબ્સ બનાવવી છે તો હું કયાં પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈ શકું?

– આદિત્ય વોરા (ભૂજ)

ઉત્તર: ચરબીનું લેવલ, પાણીનું લેવલ, પ્રોટીન સ્ટ્રેન્થ તથા મસલ વેઈટ ચકાસવા માટે બીસીએ  (બૉડી કમ્પોઝિશન ઍનાલિસિસ) કરાવી શકાય. એ કરાવ્યા પછી તમે વર્કઆઉટ સાથે સિક્સ પૅક ઍબ્સ બનાવવા માગતા હો તો તમારી જાતે નક્કી કરવાની બદલે કોઈ સારા આહારશાસ્ત્રીને મળી તમારી જરૂરત મુજબ પ્લાન કરાવી શકો. સામાન્ય રીતે મસલ્સ ડેવલપમેન્ટ માટે સારી ગુણવત્તાવાળું પ્રોટીન નિયમિત લેવું જરૂરી છે. બીજું, કાર્બોહાઈડ્રેટયુક્ત આહારની માત્રા ખૂબ ઓછી રાખવી. શરીરની પ્રોટીનની જરૂરત તમારા વજન જેટલી જ એટલે કે અગર તમે ૬૫ કિલો વજન ધરાવતા હો તો તમારી પ્રોટીનની જરૂરત 65 ગ્રામ છે. જો તમે વર્કઆઉટ કરો છો તો એના પ્રકારને અનુરૂપ પ્રોટીનની જરૂરતમાં વધારો થઈ શકે છે, કારણ કે પ્રોટીન મસલ ડેવલપ માટે જવાબદાર છે. મારી સલાહ એ છે કે જિમમાં સૂચવવામાં આવતાં પ્રોટીન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કેટલી માત્રામાં કરવો એ પ્રમાણ અને એની આડઅસરો વિશે જાણવું જરૂરી છે. ઘણી વખત અતિશયોક્તિ નુકસાનકર્તા નીવડે છે આથી કુદરતી આહાર સિવાયની પ્રોડક્ટ્સ લેતાં પહેલાં એના વિશે પૂરતી માહિતી મેળવવી.

ચિત્રલેખાના આ વિભાગના નિષ્ણાત પાસેથી તમારે કોઈ સમસ્યાનો ઈલાજ જાણવો હોય તો 72087 23543 એ નંબર પર વ્હૉટ્સઍપ કરો અથવા ઈ-મેલ કરો: editorial@chitralekha.com