મોંઘી ખરી, પરંતુ મહાગુણકારી છે આ બદામ

પ્રશ્ન: બદામને શા માટે આખી રાત પલાળીને સવારે લેવી જોઈએ? ક્યારેક પલાળવાનું રહી જાય તો એ કાચી ઉપયોગમાં લઈ શકાય?

– નેહલ શાહ (અમદાવાદ)

ઉત્તર: બદામને પાણીમાં પલાળી રાખવાથી એનું ડાઈજેશન (પાચન) અને એબ્ઝોર્પ્શન (અવશોષણ) વધુ સારી રીતે થઈ શકે છે. આ ઉપરાંત, બદામને પાણીમાં છથી સાત કલાક પલાળી રાખવાથી એમાં રહેલા એન્ઝાઈમના શરીરમાં થતા ઉપયોગને અવરોધનારાં પરિબળોનો નાશ થાય છે અને ન્યુટ્રિયન્ટ્સનો ઉપયોગ વધુ સારી રીતે થઈ શકે છે. બદામની છાલને કાઢીને ઉપયોગમાં લેવી જોઈએ, જેથી એમાંથી હાનિકારક તત્ત્વોનો નિકાલ થઈ શકે. પલાળેલી બદામની છાલ આસાનીથી કાઢી શકાય છે આથી પણ બદામને પલાળીને ઉપયોગમાં લેવાનું સૂચવવામાં આવે છે.

જો કે એનો અર્થ એવો નથી કે તમે ફક્ત પલાળેલી બદામ જ લઈ શકો. અગર કોઈ કારણસર એને પલાળી ના શકાય તો કાચી બદામ પણ ગુણકારી તો છે જ. એની પોષણકીય વૅલ્યૂ થોડી ઘટે છે, પરંતુ એ ચોક્કસપણે લઈ શકાશે. બદામ એ પ્રોટીન, ફાઈબર્સ તેમ જ હેલ્ધી ફૅટ ધરાવે છે. એ ઉપરાંત, એમાં વિટામિન ઈ, કૅલ્શિયમ અને સારા પ્રમાણમાં મિનરલ્સ છે આથી એનો નિયમિત ઉપયોગ કરી શકાય. રોજની ૨૦થી ૨૮ ગ્રામ જેટલી બદામ લેવાનું સૂચવવામાં આવે છે. થાઈરોઈડ ધરાવતી વ્યક્તિ બદામનો ઉપયોગ ન કરે એ હિતાવહ છે.

પ્રશ્ન: મારી દીકરીને ટાઈફોઈડ થયો છે અને તબીબે એને અનાજ ન આપવાનું સૂચવ્યું છે. આ પરિસ્થિતિમાં એને કયા પ્રકારનો આહાર આપી શકાય?

– રીટા કોટક (રાજકોટ)

ઉત્તર: ટાઈફોઈડ દરમિયાન દરદીને હળવો એટલે કે પચવામાં સહેલો હોય એવો આહાર આપવો જોઈએ, કારણ કે આ બીમારી લીવર, પેન્ક્રિયાઝ તેમ જ આંતરડાંને અસર કરે છે, જેના દ્વારા પાચન શક્ય બને છે. શરીરના આ ભાગોને રાહત આપવા માટે હળવો ખોરાક લેવો જોઈએ, જેમ કે ભાત, ખીચડી, બાફેલાં બટેટાં જેવો કાર્બોહાઈડ્રેટયુક્ત  આહાર. આ સાથે સારી ગુણવત્તાવાળું પ્રોટીન મળે એ પણ જરૂરી છે. એ માટે સારી રીતે બફાયેલા મગ તેમ જ મગનું પાણી, ટોફુ, રોસ્ટેડ પનીર, વગેરેનો ઉપયોગ કરી શકાય. ઈંડાનો સફેદ ભાગ (એગ વ્હાઈટ) પણ આપી શકાય. ડિહાઈડ્રેશન ન થાય એ માટે પૂરતા પ્રમાણમાં પાણી, તાજાં ફળોનો જ્યુસ, નાળિયેરપાણી, હર્બલ ટી, બ્લૅક કૉફી, સૂપ, વગેરે લેતાં રહેવું.

વધુપડતો તીખો, તળેલો તથા કાચો આહાર પાચનશક્તિને અવરોધે છે આથી આવા પ્રકારના ખોરાકનો ઉપયોગ ટાળવો. સારી રીતે બફાયેલાં શાકભાજી જેવાં કે બટેટાં, ગાજર, ફણસી, મશરૂમ, વગેરેનો ઉપયોગ કરી શકાય. પાકેલાં કેળાં, સક્કરટેટી, તરબૂચ, સફરજન જેવાં ફ્રૂટ્સ પણ લઈ શકાય. તેલ, ઘી, બટર, ચીઝનો ઉપયોગ ટાળવો. રસોઈમાં પણ બને એટલો તેલ-ઘીનો ઉપયોગ ઓછો કરવો, જેથી ખોરાક પચવામાં આસાન રહે.

પ્રશ્ન: મને ખૂબ પાણી પીવાની આદત છે. મારો પ્રશ્ન એ છે કે દિવસ દરમિયાન કેટલું પાણી લેવું જોઈએ? અગર એનું પ્રમાણ વધુ કે ઓછું હોય તો એની આડઅસર થઈ શકે?

– સેજલ દલાલ (મુંબઈ)

ઉત્તર: નૉર્મલ વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણથી ચાર લિટર એટલે કે બારથી ૧૪ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી એ આપણી પ્રાથમિક જરૂરત છે, જેના દ્વારા આપણે રિહાઈડ્રેટ થઈ શકીએ છીએ.

પાણી આપણા શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે, બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે અને કિડનીને સાફ રાખવામાં મદદ કરે છે. આમ, પાણી દ્વારા આપણે શરીરને હેલ્ધી રાખી શકીએ છીએ. આથી જ એનું પ્રમાણ અગર ઓછું હોય તો આ ફાયદામાં વિપરીત અસર થઈ શકે છે. શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે.

બીજી બાજુ, પાણીનું પ્રમાણ વધુ થાય ત્યારે એ વધારાના પ્રવાહી રૂપે યુરિન દ્વારા નિકાલ પામે છે. પાણી વધુ પીવાથી ચોક્કસપણે નૉર્મલ વ્યક્તિને એ નુકસાન નહીં કરે, પરંતુ અગર કોઈ વ્યક્તિને કિડનીની અથવા તો લીવરને લગતી કે પછી હૃદયની અમુક પ્રકારની બીમારી હોય તો એ સ્થિતિમાં પ્રવાહીનું નિયંત્રણ લાદવામાં આવે છે, કારણ કે આ પ્રકારની વ્યાધિમાં પાણીનું વધુપડતું પ્રમાણ શરીરને નુકસાન કરી શકે છે.

હેલ્થ ટિપ્સ:

દેશના અનેક વિસ્તારોમાં મેઘરાજાની વિધિવત્ પધરામણી થઈ ગઈ છે તેમ છતાં વચ્ચે વચ્ચે ઉનાળા જેવો આકરો તડકો પણ પડે છે. આવી વિચિત્ર ઋતુ આરોગ્ય માટે બહુ સારી નહીં. પાંચ-સાત દિવસ પથારીભેગા કરી રાખે એવા તાવના વાયરા ઉપરાંત હવે અમુક પાણીજન્ય રોગ પણ દેખા દેવા લાગ્યા છે. બહેતર છે કે બહારનું ખાવાનું ટાળો અને પાણી ઉકાળીને પીવો.

ચોમાસામાં માપસર ભજિયાં-પકોડા ખાવ એનો વાંધો નહીં, પણ સાથે આ સીઝનમાં મળતાં શાકભાજી અને ફ્રૂટ્સ પણ ખાવાનું રાખજો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)