ચોમાસું બરાબર જામી ગયું છે. વરસતા વરસાદમાં પાચન મંદ પડે છે એવું માનવામાં આવે છે. જો કે એ વાત પણ ચોક્કસ છે કે વરસાદ વરસતો હોય ત્યારે ભૂખ પણ એવી જ ઊઘડે છે. જેવો વરસાદ ચાલુ થાય એની સાથે જ ગરમાગરમ ભજિયાં, સમોસાં, દાળવડાં, મેથીના ગોટા, બાફેલી મકાઈ જેવી મોનસૂન સ્પેશિયલ વરાઈટીની દુકાનો-હાથલારીઓમાં નાસ્તો કરવા માટે લોકોની લાઈન લાગે છે.
જીભના ચટકા તો કંઈ પણ કહે, ચોમાસામાં પાચનશક્તિ મંદ પડતી હોય તો ભજિયાં જેવી પેટ માટે સામાન્ય રીતે ભારે ગણાતી ચીજ આ સીઝનમાં ખાવી જોઈએ?
ગુજરાતમાં ખાસ કરીને ચોમાસામાં આવા પ્રકારની વાનગીની માગ બહુ વધે છે. તો પ્રશ્ર્ન એ છે કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આવાં તળેલાં ખાદ્યો લેવાં કેટલાં હિતાવહ છે? અને અગર આપણે તળેલા ખાદ્ય પદાર્થો કે બીજી વાનગી લઈ રહ્યાં છીએ તો એને લીધે સ્વાસ્થ્યને નુકસાન ન થાય એનું કઈ રીતે ધ્યાન રાખી શકાય? કઈ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ ચોમાસામાં ન કરવો જોઈએ? અથવા તો નિયંત્રિત માત્રામાં કરવો જોઈએ?
આપણે ત્યાં મેથી, બટેટા, ડુંગળી (કાંદા), મરચાં એમ અલગ અલગ પ્રકારનાં ભજિયાં બનાવવામાં આવે છે. ઘણાં ઘરોમાં તો ટમેટા, કેળાનાં તેમ જ અજમાના પાનનાં પણ ભજિયાં બને છે. આ ઉપરાંત, દાળવડાં કે ઘારવડાંને તો કઈ રીતે ભૂલી શકાય? તરેહ તરેહનાં પકોડાં, ભજિયાં કે સમોસાં એ હાઈ કૅલરી-હાઈ પ્રોટીન-હાઈ ફૅટ ખાદ્ય છે. આથી જ વજન ઘટાડવાની સલાહ આપતા નિષ્ણાતો અને તબીબો પણ તમને આ પ્રકારની વાનગી ન લેવાની સૂચના આપે છે અથવા તો હવે ઍર ફ્રાઈ જેવી નવા પ્રકારની રસોઈની પદ્ધતિથી તળેલાં ખાદ્યોનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
જો કે સવાલ એ છે કે અગર આ સીઝનમાં ભજિયાં-પકોડાં ન ખાઈએ તો ક્યારે ખાઈશું? બજારમાં મળતાં આ પ્રકારનાં તળેલાં ખાદ્યોનો ઉપયોગ ટાળવાનું આહારશાસ્ત્રીઓ દ્વારા તેમ જ ડૉક્ટર્સ દ્વારા સૂચવવામાં આવે છે. એની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે અગર આવાં ખાદ્યોની બનાવટમાં સ્વચ્છતા ન જળવાઈ હોય તો એ પાચનમાં તકલીફ કરી શકે છે.
આ ઉપરાંત, બહારની મોટા ભાગની વાનગી એક જ તેલમાં તળીને બનાવવામાં આવે એટલે કે એકના એક તેલનો વારંવાર તળવામાં ઉપયોગ કરવામાં આવે તો એ ખાદ્ય તેલની રચના બદલાઈ જાય છે, જેને કારણે એ તેલમાં હાનિકારક તત્ત્વો ઉત્પ્ન્ન થાય છે, જેનો વધુપડતો ઉપયોગ હૃદય માટે જોખમ ઊભાં કરે છે. આ ઉપરાંત, વારંવાર ઉપયોગમાં લેવાયેલા ખાદ્ય તેલમાંથી એક્રોલિન નામનું ઝેરી તત્ત્વ ઉત્પ્ન્ન થાય છે, જે સંભવત: કૅન્સર ઉદ્ભવી શકે એવાં કાર્સિનોજેનિક કેમિકલ ઉત્પ્ન્ન કરે છે.
આથી જ શક્ય હોય ત્યાં સુધી એવી જગ્યાએથી તળેલાં ખાદ્યો કે ફરસાણ ખરીદવાં, જ્યાં નિયમિત એક વખત તળાયા બાદ તેલ બદલાવી નાખવામાં આવતું હોય. આનો સારામાં સારો વિકલ્પ એ છે કે તળેલા ખાદ્ય પદાર્થ ઘરે જ બનાવવાનો આગ્રહ રાખવો અને એ પણ અવારનવાર નહીં. અતિરેક ભલેને બહુ ભાવતાં ભજિયાંનો હોય, એ નડે જ છે.
હવે ભજિયાં-પકોડાં ખાવાની વાત આવે ત્યારે એ અગર ઘરે બનાવવાનાં હોય તો લોકોને એ પણ પ્રશ્ર્ન હોય છે કે ભજિયાં તળવા માટે કયા પ્રકારનું તેલ વાપરી શકાય? એનો સરળ ઉપાય છે કે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં જે તેલીબિયાં વધુ ઉપલબ્ધ થાય છે એ તેલનો ઉપયોગ તમે કરી શકો, જેમ કે ભારતના પશ્ર્ચિમ વિસ્તારમાં રહો છો તો સીંગતેલ, દક્ષિણ તરફના એટલે કેરળ, કર્ણાટક કે તામિલનાડુમાં છો તો કોકોનટનું તેલ અને ઉત્તર ભારતમાં કે પૂર્વીય વિસ્તારમાં છો તો રાઈના તેલ (મસ્ટર્ડ ઑઈલ)નો વપરાશ કરી શકાય, કારણ કે વિસ્તાર બદલાતાં ત્યાંનાં ખાદ્યોનો મૂળ સ્વાદ એના તેલના લીધે જળવાઈ રહે છે.
અત્યારની ફાસ્ટ લાઈફમાં રેડી ટુ ઈટ ખાદ્ય પદાર્થોનો વપરાશ વધવા લાગ્યો છે. ઘણી વાનગી હાફ કૂક્ડ પ્રકારે બજારમાં ઉપલબ્ધ છે. એવી જ રીતે અલગ અલગ પ્રકારની વાનગી માટે તૈયાર ખીરાં પણ બજારમાં સહેલાઈથી મળી રહે છે. ઢોસા, ઈડલી, ઢોકળાં, દાળવડાં, મેંદુવડાં, વગેરેનાં તૈયાર ખીરાં દ્વારા તમે આવી ચીજ પણ સહેલાઈથી બનાવી શકો છો. ચોમાસામાં તો દાળવડાંના ખીરાની ખરીદી માટે પણ લાંબી લાઈન લાગે છે. આ ખીરા દ્વારા તળેલી વાનગી ઘરે બનાવી લો તો તમે વારંવાર ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલનાં જોખમોથી બચી શકો છો.
ચોમાસામાં સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા આહાર કઈ રીતે અને કેટલા પ્રમાણમાં લેવો એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ જ સીઝન એવી છે કે જ્યારે ફરવાની પણ ખૂબ મજા આવે અને ભૂખ પણ વધુ લાગે. જો કે એય હકીકત છે કે સાથે સાથે બીમારી પણ આખા વર્ષમાં સૌથી વધુ આ સીઝનમાં ફેલાય છે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
