સંભાળજો, આ એક અકસીર ઈલાજ છે, પરંતુ…

આ એક પ્રકારની હોર્મોનલ મેડિસિન છે, જેનું ચલણ હમણાં બહુ વધી રહ્યું છે. એનું મુખ્ય કારણ છે, એના દ્વારા મળતું પરિણામ. આ એક એવી મેડિસિન અથવા તો હોર્મોન છે, જેના ઉપયોગથી ન કેવળ વજન ઉતારવામાં મદદ મળે છે, પરંતુ સાથે સાથે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં પણ એ કારગત નીવડી શકે છે. આ દવા છે: GLP-1.

GLP-1 એટલે ગ્લુકાગોન-લાઈક પેપ્ટાઈડ-1. આ એક પ્રકારનું આંતરડાંનું હોર્મોન છે, જેના દ્વારા ઇન્સ્યુલિનનો સ્રાવ વધે છે અથવા એની કાર્યક્ષમતાને ઉત્તેજન મળે છે. આથી શરીરમાં બનતી શર્કરાનું પાચન યોગ્ય રીતે થઈ શકે છે અને બ્લડ શુગર વધતું નથી.

આ ઉપરાંત, એ પાચનક્રિયાને ધીમી કરે છે. ખાસ કરીને કાર્બોહાઈડ્રેટના પાચનને ધીમું કરે છે અને મગજને ભૂખની જગ્યાએ તૃપ્તિના સંકેત આપે છે, જેથી વ્યક્તિને ઓછી ભૂખ લાગે. આહાર ઓછો લેવાવાને કારણે વજન ઉતારવામાં મદદ મળે છે. આમ, આ પ્રકારના હોર્મોનનો ઉપયોગ ટાઈપ-2 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા અને નોંધપાત્ર વજન ઘટાડવા માટે દવા તરીકે વ્યાપક પ્રમાણમાં ડૉક્ટરો દ્વારા સૂચવવામાં આવે છે.

આ દવાનો મહત્ત્વનો ઉપયોગ ગ્લુકોઝનું નિયમન કરવાનો છે. લોહીમાં શુગરનું પ્રમાણ વધારે હોય ત્યારે આ પ્રકારનું હોર્મોન સ્વાદુપિંડને ઇન્સ્યુલિન છોડવા (રિલીઝ કરવા) માટે પ્રેરે છે અને લીવરમાં ગ્લુકોઝનું ઉત્પાદન ઘટાડે છે. એની બીજી અસર ભૂખ પરનું નિયંત્રણ છે. એની મદદથી પેટ ખાલી થવાની પ્રક્રિયા ધીમી પડે છે અને મગજના અમુક વિસ્તારને ભૂખને નિયંત્રિત કરવા માટે પ્રેરિત કરે છે, જેથી વ્યક્તિને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવી લાગણી થાય. વજન અને બ્લડ શુગર ઉપરાંત સ્ટ્રોક અથવા હાર્ટ ફેઇલ્યૉર જેવી કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓનું જોખમ ઘટાડવામાં પણ આ દવા ઉપયોગી સાબિત થઈ છે.

સામાન્ય રીતે GLP-1 પ્રકારની દવા ઇન્જેક્ટેબલ હોય છે, જેને ચામડીની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જોકે, અમુક પ્રકારની દવા મૌખિક રીતે પણ લેવામાં આવે છે. એના અલગ-અલગ પ્રકારોમાં સેમાગ્લુટાઈડ, ટિર્ઝેપેટાઈડ (મોનજારો), લિરાગ્લુટાઈડ તથા ડુલાગ્લુટાઈડ વગેરેનો સમાવેશ થાય છે. આ દવાઓ મુખ્યત્વે વધુ પડતી ચરબી ધરાવતી વ્યક્તિઓ અથવા ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવે છે. એક રીતે જોઈએ તો, આવી તબીબી સ્થિતિ ધરાવતા લોકો માટે GLP-1 આશીર્વાદ સમાન છે.

આ પ્રકારની દવા મોટા ભાગે લાંબા ગાળા માટે અથવા અનિશ્ચિત સમય સુધી લેવાય છે, જેની શરૂઆત ડૉક્ટરની સલાહ મુજબ તેમની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. એનાં અસરકારક પરિણામો સામાન્ય રીતે 12થી 16 અઠવાડિયા બાદ અનુભવાય છે. દવાની અવધિ જે-તે વ્યક્તિની શારીરિક પરિસ્થિતિ મુજબ નિષ્ણાતો નક્કી કરે છે. મોટાભાગે એન્ડોક્રાઇનોલોજિસ્ટ, ડાયાબેટોલોજિસ્ટ અથવા બેરિયાટ્રિક સર્જન આ પ્રકારની મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે છે.

આ પ્રકારની સારવારને કારણે વજનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. જોકે, વજન ઘટવાના કારણે અમુક પ્રકારનાં પોષક તત્ત્વોની ઊણપ પણ સર્જાઈ શકે છે. જેમ કે, ફૅટની સાથે વિટામિન અને મિનરલ્સની ઘટ વર્તાઈ શકે છે. પ્રોટીનની અછત થાય તો સ્નાયુઓ નબળા પડી શકે છે. આથી જ આ પ્રકારની મેડિસિનની સાથે મેડિકલ ન્યુટ્રિશન થેરાપી પણ એટલી જ જરૂરી બને છે.

ડાયેટિશિયનની મદદથી દર્દીના આહારનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. તેમાં સારી ગુણવત્તાવાળા પ્રોટીન, હેલ્ધી ફૅટ, ઓમેગા-3 અને વિટામિનયુક્ત આહારનો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું અને રેસાયુક્ત આહારનું પ્રમાણ વધુ રાખવામાં આવે છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછા ત્રણ લિટર પાણી તથા અન્ય પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવે છે. ઘણી વખત મીલ રિપ્લેસમેન્ટ્સ, પ્રોટીન સપ્લિમેન્ટ્સ તેમજ વિટામિન અને મિનરલ્સના સપ્લિમેન્ટ્સ પણ આપવામાં આવે છે, જેથી પોષણની ખામી ન સર્જાય.

આ પ્રકારનાં ઇન્જેક્શન લેવાથી ઘણા લોકોમાં આડઅસર પણ જોવા મળે છે. શરૂઆતના સમયમાં ઊબકા, ઊલટી, ઝાડા, કબજિયાત અથવા પેટમાં દુખાવો થઈ શકે છે. જો થોડો સમય ઉપયોગ કર્યા પછી કોઈ કારણસર આ દવા બંધ કરવામાં આવે તો ઘણી વખત ઘટેલું વજન ફરી વધી શકે છે.

નિષ્ણાતોએ નક્કી કરેલી માત્રા મુજબ જ આ દવાનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. દવા વધુ કે ઓછી માત્રામાં સ્વેચ્છાએ લેવામાં આવે તો સ્વાસ્થ્યને લગતી ગંભીર પ્રતિકૂળ અસરો થઈ શકે છે. આ દવા શરૂ કરતાં પહેલાં અને ઉપયોગ દરમિયાન ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

તંત્રી નોંધ: આ લેખનો હેતુ અત્યારે ખૂબ પ્રચલિત બનેલી આ દવા વિશે લોકોને સાચી માહિતી આપવાનો છે. આ દવાની આડઅસર થઈ શકે છે અને તે દરેક વ્યક્તિ માટે યોગ્ય પણ નથી. તેથી નિષ્ણાત તબીબની સલાહ મુજબ જ આ દવાનો ઉપયોગ કરવો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)