પ્રશ્ન: મારી ઉંમર ૬૫ વર્ષની છે. કેટલાક મહિનાથી મને રોજ રાત્રે ઍસિડિટી થાય છે. એ નિવારવાનો ઉપાય જણાવશો?
– પૂર્ણિમા ઉપાધ્યાય (વડોદરા)
ઉત્તર: ઘણી વખત આહારનો અનિયમિત સમય પણ ઍસિડિટી થવાનું કારણ હોઈ શકે છે. પાચનતંત્ર નબળું હોવાને કારણે ઍસિડિટીની તકલીફ વધારે થતી હોય છે. એ નિવારવા માટે સવારે જીરાવાળું પાણી લઈ શકાય. રાત્રે બને એટલું વહેલું જમી લેવું અને તીખો કે તળેલો આહાર ટાળવો. એના બદલે સારી રીતે ચડેલો (ઓવર કૂક્ડ) આહાર લેવો. કાચાં સૅલડ ન લેવાં. જમતી વખતે બરાબર ચાવીને આહાર લેવો તેમ જ ભોજનની સાથે પાણી ક્યારેય ન પીવું. એની વચ્ચે ૧૦થી ૧૫ મિનિટનો ગેપ રાખવો.

ઍસિડિટીની તકલીફ યથાવત્ રહે તો વરિયાળીનું શરબત કે પછી રાત્રે ઠંડું દૂધ (ખાંડ વગરનું) લઈ શકાય. રોજ નાનો ગ્લાસ છાશ ચપટી સિંધવ મીઠું નાખીને પીવાથી પણ ઍસિડિટીમાં રાહત મળે છે. આદું પણ પાચનમાં મદદ કરવા અને પેટની બળતરા ઘટાડવા માટે ઉપયોગી છે. એનો ઉપયોગ ચા કે અન્ય વાનગી બનાવવામાં કરી શકાય.
પ્રશ્ન: ફ્લેવર્ડ વૉટર શું છે? એનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરી શકાય?
– પૂજા પાઠક (અમદાવાદ)
ઉત્તર: ફ્લેવર્ડ વૉટરનો ઉપયોગ શરીરને ડિટોક્સિફાય કરવા માટે થાય છે. ડિટોક્સિફિકેશનનો અર્થ થાય છે કે શરીરમાંની અશુદ્ધિ દૂર કરવી. જે મુખ્યત્વે આહાર, પાણી કે પછી ડિટોક્સ લૅબ દ્વારા દૂર કરી શકાય. ડિટોક્સ વૉટર કે ફ્લેવર્ડ વૉટર એટલે એક પ્રકારનું પ્રવાહી, જે તમને ડિહાઈડ્રેટ તો રાખે જ, સાથે સાથે એના ઉપયોગથી તમારું પેટ ભરેલું લાગે, જેથી ખોરાક ઓછો લેવાય. આમ એ વજન ઉતારવામાં મદદરૂપ થઈ શકે. જો કે એનો મુખ્ય ઉપયોગ તો શરીરને હાઈડ્રેટ રાખવાનો જ છે.
ભાદરવા મહિનામાં ગરમી વધુ પડે છે આથી આ સમયે હેલ્ધી પ્રવાહીનો ઉપયોગ કરી શકાય. આ પ્રકારનું પાણી બજારમાં તૈયાર પણ મળે છે. તમે ઘરે પણ અલગ અલગ પ્રકારનાં ખટાશવાળાં ફ્રૂટ્સ પાણીમાં ઉમેરીને એ તૈયાર કરી શકો છો.
પ્રશ્ન: શું સૂકો મેવો સવારે જ ખાઈ શકાય? મને કૉલેસ્ટરોલ વધારે છે તો હું ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકું?
– હર્ષદ ગઢવી (ભાવનગર)
ઉત્તર: મોટા ભાગના સૂકા મેવામાં સારા પ્રકારનાં પ્રોટીન ઉપરાંત કૅલરી, મિનરલ્સ, ઓમેગા-થ્રી, ફાઈબર, વગેરે રહેલાં છે આથી સ્વાદની સાથે પોષણની દૃષ્ટિએ પણ સૂકા મેવાનો ઉપયોગ સારો. મુખ્યત્વે સવારના સમયે ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ વધુ હિતકારક છે, કારણ કે સવારે સારા પ્રમાણમાં પ્રોટીન-એનર્જી મળી રહે તો દિવસ સ્ફૂર્તિદાયક જાય. બાકી, સૂકો મેવો ખાવા માટે કોઈ સમય નક્કી કરવાની જરૂર નથી. એ ગમે ત્યારે ખાઈ શકાય. અલબત્ત, એમાં કૅલરી વધુ હોવાને કારણે એકસાથે બહુ ન ખાવા સારા.

દરેક પ્રકારના સૂકા મેવાના ગુણધર્મ અલગ અલગ છે. તમને કૉલેસ્ટરોલ કે હૃદયને લગતી તકલીફ હોય તો કાજુનો ઉપયોગ ઓછો કરવો અથવા તો એ લેવાનું ટાળવું. કાજુમાં વિટામિન-ઈ અને બી-૬ સારા પ્રમાણમાં રહેલા છે, પરંતુ એમાં કૉલેસ્ટરોલ પણ વધુ હોવાથી કૉલેસ્ટરોલ ધરાવતી વ્યક્તિ એ બહુ ન ખાય એ હિતાવહ છે. પિસ્તાં હાર્ટ માટે સારાં છે. એ ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડવાનું કાર્ય કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિએ કિસમિસ, અંજીર, ખજૂર, વગેરે ન ખાવાં. એનાથી શુગર વધવાના ચાન્સ રહેશે. શરીરની જરૂરત સમજીને સૂકા મેવાનો ઉપયોગ તમારા માટે અનુકૂળ રહેશે.
પ્રશ્ન: મારી ટીનએજ દીકરી સ્કૂલ ઉપરાંત એક્સ્ટ્રા ક્લાસ તથા ઈતર પ્રવૃત્તિના લીધે ઘણી તણાવયુક્ત રહે છે. શું દિવસભર એને એનર્જેટિક રાખવા માટે મલ્ટિ-વિટામિનની દવા આપી શકાય? બીજું મારે એ જાણવું છે કે એના માટે દિવસમાં થોડું થોડું ખાવું સારું કે પછી ત્રણ વાર પેટ ભરીને ખાવું સારું?
– સેજલ ઠક્કર (મુંબઈ)

ઉત્તર: આ ઉંમરે દવા રૂપે વિટામિન્સ લેવાની જરૂર નથી, સિવાય કે એને કોઈ વિટામિનની ઊણપ જણાય. સમતોલ આહારની મદદથી જ એની હેલ્થ જાળવી શકાય. અત્યારની તણાવયુક્ત અભ્યાસની પદ્ધતિને કારણે ટીનએજમાં ઘણી વખત વજન વધવું, સ્ટ્રેસમાં રહેવું, અપૂરતી ઊંઘ થવી, પૂરતા ન્યુટ્રિશનનો અભાવ જેવી તકલીફ જોવા મળે છે. અભ્યાસમાંથી થોડો સમય કાઢીને ૨૦ મિનિટ મોર્નિંગ વૉક કે શારીરિક કસરત અથવા યોગ એને માનસિક શાંતિ તેમ જ સારી હેલ્થ બક્ષશે. દિવસ દરમિયાન એક ભાગ પ્રોટીન અને એક ભાગ ફ્રૂટનો જાય એ ધ્યાન રાખવું. ત્રણ ટાઈમ પેટ ભરીને જમવા કરતાં થોડું થોડું દિવસ દરમિયાન લેવાય એ ઉત્તમ રહેશે, જેનાથી એને સ્ફૂર્તિ પણ રહેશે અને અભ્યાસમાં મન લાગી શકશે. બદામ, ડાર્ક ચૉકલેટ, નાળિયેરપાણી કે ફ્રૂટ જ્યુસ જેવાં ખાદ્યો તેમ જ પીણાં પણ સ્ફૂર્તિ અપાવવાનું કાર્ય કરે છે તો એનો ઉપયોગ પણ કરી શકાય.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)




