પ્રશ્ન: મારે ઘી-તેલનો ઉપયોગ બિલકુલ જ ઓછો કરવો હોય તો ઍર ફ્રાયરનો ઉપયોગ કરી શકાય?
– દિપાલી ગોહિલ (મુંબઈ)
ઉત્તર: ઍર ફ્રાયર એ પારંપરિક તળેલાં ખાદ્યોની સરખામણીમાં એક પ્રકારનું હેલ્ધી ઑપ્શન છે, જેના દ્વારા ફૅટ તેમ જ કૅલરીના પ્રમાણને ઘટાડી શકાય છે. તળેલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તળાયેલા આહારમાં અમુક પ્રકારના નુકસાનકર્તા પદાર્થો ઉત્પ્ન્ન થાય છે. આ તેલનો ઉપયોગ એકથી વધુ વખત થાય તો એ વધુ બિનઆરોગ્યપ્રદ બની જાય છે. આવો આહાર લેવાથી કૅલરી, ફૅટ વધવા ઉપરાંત હૃદયને લગતી તકલીફ વધી શકે છે.
એ સામે ઍર ફ્રાયરની વાત આવે છે તો આ કૂકિંગ મેથડમાં ઑઈલનો ઉપયોગ નહીં જેટલો હોવાથી વજનને અંકુશમાં રાખવા તેમ જ હૃદયને લગતા રોગોથી બચાવવા માટે એ સારો વિકલ્પ છે. જો કે આ પદ્ધતિ પણ સંપૂર્ણ રીતે જોખમ વગરની નથી. ઍર ફ્રાયરમાં ચરબીયુક્ત પદાર્થોને ફ્રાઈ કરવામાં આવે છે ત્યારે એ ખૂબ હાઈ ટેમ્પરેચર પર રંધાય છે. એ હાઈ ટેમ્પરેચર પણ અમુક પ્રકારનાં હાનિકારક તત્ત્વો ઉત્પ્ન્ન કરે છે. આ સિવાય વધુ પડતી હીટને કારણે એમાં બનેલા ખોરાકમાં અમુક પ્રકારનાં ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ તેમ જ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનો પણ ઘટાડો થઈ જાય છે. ટૂંકમાં, ઍર ફ્રાયર એક પ્રકારનું સાધન છે, જે તમને ફાયદાકીય સ્વાસ્થ્ય તો બક્ષે છે, પરંતુ એનો આધાર તમે કયા પ્રકારના આહાર માટે એ વાપરો છો એના પર છે. નિયમિત રીતે ઍર ફ્રાયરનો ઉપયોગ ન થાય એ સલાહભર્યું છે. રહી વાત ફ્રાઈડ ફૂડની, તો તમે આવાં ખાદ્યોનો ઉપયોગ વાર-તહેવારે કરી શકો કે જે સંપૂર્ણપણે ઘરમાં બનેલાં હોય, જેથી રિયુઝ્ડ ઑઈલમાં બનેલી વાનગીથી થતાં નુકસાનથી બચી શકાય.
પ્રશ્ન: વરસાદની સીઝનમાં સ્વાસ્થ્ય જાળવવા માટે શું લેવું અને શું ન લેવું?
– કીર્તિ પંડ્યા (વાપી)
ઉત્તર: ચોમાસાની સીઝન એ ખાસ પ્રકારની હેલ્થને લગતી સમસ્યા લાવે છે. આ દિવસોમાં ભેજ વધે છે, પાણી દૂષિત આવવાથી ઘણાને પાચનમાં મુશ્કેલી થાય છે તો રોગપ્રતિકારક શક્તિ પણ આ સમયે નબળી પડતી હોવાને કારણે ઈન્ફેક્શન થવાના ચાન્સ વધે છે. આવા સમયે સારી હેલ્થ જાળવી રાખવા સૌપ્રથમ તો ગરમ, સારી રીતે રાંધેલો, પચવામાં હલકો તેમ જ ઈમ્યુનિટી વધારે એવો આહાર લેવો જોઈએ. આ સીઝનમાં કાચા તેમ જ ઠંડા ખોરાકનો ઉપયોગ પાચનક્રિયાને ખરાબ કરે છે, જેના લીધે પેટમાં દુખાવો થવો, અપચો તેમ જ ઈન્ફેક્શન થવું એ સામાન્ય છે. આથી જ આ સમયે મુખ્યત્વે સહેલાઈથી પચે એવાં શાકભાજીના સૂપ, સૂંઠવાળી રાબ, ગરમ ખીર, ખીચડી, વગેરે લઈ શકાય. કાચાં સૅલડ કે બહારનાં સુધારીને રાખેલાં ફ્રૂટ્સનો ઉપયોગ ટાળવો. ફ્રિજમાં મૂકેલી વાનગીનો ઉપયોગ ન્યુનતમ કરવો તેમ જ ઠંડાં પીણાં પણ બને ત્યાં સુધી ન લેવાં.
હળદર, આદું, એલચી, મરી, તજ, વગેરેમાં ઍન્ટિ-વાઈરલ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી જેવા ગુણધર્મો રહેલા છે એટલે એનો ભરપૂર ઉપયોગ કરી શકાય. ઈન્ફેક્શનથી બચવા માટે હાઈડ્રેટ રહેવું જરૂરી છે. આ દિવસોમાં ઉકાળેલું પાણી પીવું હિતકારક ગણાશે.
તમારા પાણીની બૉટલ હંમેશાં તમારી સાથે રાખવી. અજાણી જગ્યાનું પાણી ન પીવું. ફ્રૂટ્સમાં કેળાં, જાંબુ, લીચી, ચેરી, પ્લમ, દાડમ, વગેરે લઈ શકાય તો શાકભાજીમાં દૂધી, ગલકાં, તૂરિયાં, કારેલાં, ટામેટાં, કાકડી, વગેરે તમને હાઈડ્રેટ રહેવામાં મદદ કરશે. આ શાકભાજીમાં પોટેશિયમ તેમ જ મૅગ્નેશિયમનું પ્રમાણ સારું છે, જે પેટ તથા કિડનીનાં કાર્યને જાળવી રાખશે.
દહીં-છાશ જેવાં પ્રોબાયોટિક્સનો ઉપયોગ આ સમયે જરૂરથી કરવો. અજમો, જીરું, તુલસી તથા લીંબુ અને મધનું મિશ્રણ ચોમાસામાં થતા પેટના દુખાવા કે ગૅસને દૂર કરશે. વધુપડતો નમકયુક્ત આહાર ન લેવો. આ સિવાય વધુ તીખો અથવા તળેલો ખોરાક પણ ન લેવાય એનું ધ્યાન રાખવું. બહારનાં, ખુલ્લામાં હોય એવાં ખાદ્યોનો ઉપયોગ તો ટાળવો.
પ્રશ્ન: કામમાં વ્યસ્ત હોવાને કારણે મને વધુ પાણી પીવાનું યાદ આવતું નથી અને હું વધારે પાણી લઈ પણ શકતો નથી તો એનું પ્રમાણ કઈ રીતે વધારી શકાય?
– કશ્યપ પટેલ (નડિયાદ)
ઉત્તર: હેલ્થી રહેવા માટે જેમ અન્ય પોષક તત્ત્વોની જરૂર છે એમ પાણી પણ અગત્યનું છે. શરીરનું તાપમાન જાળવી રાખવા ઉપરાંત પાણી આપણા બૉડીની અંદર જમા થતાં નુકસાનકારક તત્ત્વોનો નિકાલ કરે છે, બૉડી ડિટોક્સિફાય કરે છે, સાંધા માટે લ્યુબ્રિકન્ટ જેવું કાર્ય કરે છે. શરીરને ઈન્ફેક્શનથી બચાવવા પણ પાણીનો મહત્તમ ઉપયોગ થાય એ જરૂરી છે. ડાઈજેશન પ્રોસેસમાં પાણી અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત, કિડનીને સાફ રાખે છે.
આટલા બધા ફાયદા અગર ફક્ત પાણી લેવાથી થતા હોય તો એ નિયમિત લેવામાં ચૂક ન થવી જોઈએ. રોજનું ત્રણ લિટર પાણી તમે લઈ શકો. પાણીમાં લીંબુ, ફુદીનો, જીરું કે પછી કોઈ ફ્રૂટની સ્લાઈસ ઉમેરીને પણ રાખી શકાય. આ પ્રકારનું ફ્લેવર્ડ વૉટર શરીરને ડિટોક્સિફાય પણ કરશે અને પાણી પીવાની ઈચ્છા પણ થશે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
