આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે. ચોમાસા દરમિયાન ગરમ ગરમ ચા સાથે ભજિયાં ઉપરાંત કોઈ એક ચીજની બહુ ડિમાન્ડ રહેતી હોય તો એ છે મકાઈનું ડૂંડું કે ભૂટ્ટા. રિમઝિમ વરસાદ પડતો હોય ત્યારે બાફેલી કે સગડી પર શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક ઔર છે. એમાંય દરિયાકિનારે કે ગાર્ડન બહાર ઊભા રહીને, મીઠું-મરચું અને લીંબુ ચોપડીને એ ખાવાનો જલસો જીભથી લઈને પેટ સુધી પહોંચી જાય છે. બાળકો તો ઠીક, વૃદ્ધો પણ આખી સીઝનમાં ચાર-પાંચ વાર તો મકાઈ ખાઈ જ લે છે. આમ તો હવે અમુક પ્રકારની મકાઈ લગભગ આખું વરસ મળી રહે છે, પણ ચોમાસા સાથે મકાઈનો સંબંધ અલગ જ છે.
એમાં પણ હવે ઘણા લોકો બાફેલી મકાઈમાં લીંબુ-મસાલા સાથે બટર અથવા ચીઝ પણ ઉમેરે છે. બાળકોને એવા અખતરા કરવા ગમે છે. આ ઉપરાંત, મકાઈમાંથી બનતી વાનગી (લીલી મકાઈનો હાંડવો, મકાઈનાં વડાં, મકાઈના રોટલા, વગેરે) ગરમ ગરમ ખાવાનો આનંદ અનેરો હોય છે. આ તો થઈ પરંપરાગત વાનગી, પરંતુ મકાઈ તો મેક્સિકન, ઈટાલિયન જેવી વિદેશી વાનગીમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે હવે આપણા દેશમાં પણ લોકપ્રિય થઈ રહી છે.
આ જ મકાઈને સૂકવીને, એના દાણાને ફોડીને એમાંથી પોપકૉર્ન બનાવવામાં આવે છે, જેની સુગંધ તો ઘણે દૂર સુધી ફેલાઈ જાય છે. સિનેમાઘર કહો કે પછી કોઈ મનોરંજન પાર્ક, પોપકૉર્ન વગર આ બધી જગ્યા અધૂરી ગણાય. એવી જ રીતે નદીકિનારે અથવા કોઈ હિલસ્ટેશને ફરવા જાવ ત્યાં પણ કોઈ ને કોઈ તો મકાઈ કે પોપકૉર્નની લહેજત માણતું જોવા મળે જ.
આવી સહજ રીતે મેળવી શકાય એવી મકાઈના પોષણકીય ફાયદા વિશે તમને ક્યારેય વિચાર આવ્યો છે?
આજે આપણે એના થોડા ફાયદા વિશે જાણીએ, જેથી સમજી શકાય કે મકાઈની આ સીઝનમાં આપણે એ ખાવાનો અવસર શા માટે ચૂકવો ના જોઈએ.
મકાઈ વિટામિન-એ તેમ જ વિટામિન-સીનો સમૃદ્ધ સ્રોત છે. એ રીતે મકાઈ એક પ્રકારના ઍન્ટિ-ઑક્સિડન્ટની ગરજ સારે છે, જેના દ્વારા શરીરના કોષોને નુકસાન થતું અટકે છે તેમ જ મકાઈ તમારી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિન-સી અને વિટામિન-એ ત્વચા તથા આંખ સારાં રાખવાનું કાર્ય કરશે.
આ ઉપરાંત, મકાઈ ઍન્ટિ-કાર્સિનોજેનિક એજન્ટ તરીકે કાર્ય કરી શકે છે એટલે કે કૅન્સર જેવા રોગો સામે રક્ષણ મળી શકે છે. મકાઈમાં રહેલ રેસાયુક્ત ભાગ (ફાઈબર)ને કારણે એનો ઉપયોગ પાચન સુધારે છે અને કબજિયાત ઘટાડે છે. હૃદયને લગતા રોગોમાં પણ મકાઈ ફાયદાકારક છે, કારણ કે મકાઈ એ કુદરતી રીતે ઓછી ચરબીયુક્ત વનસ્પતિ છે. મકાઈમાં રહેલું મોટા ભાગનું તેલ એ મોનોસૅચ્યુરેટેડ અથવા પોલિઅનસૅચ્યુરેટેડ છે, જે હૃદય માટે હેલ્ધી છે. મકાઈમાંથી બનતા કૉર્નફ્લેક્સનો દૂધની સાથેનો ઉપયોગ આદર્શ રીતે સવારના નાસ્તામાં કરી શકાય છે, જે પ્રોટીન તેમ જ વિટામિનથી ભરપૂર હોવાની સાથે ફાઈબરયુક્ત છે. એ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
મકાઈ વિટામિન-બી-૬થી પણ સમૃદ્ધ છે, જેનાથી શરીરમાં રહેલા પિરિડોક્સિનનું લેવલ જાળવવામાં મદદ મળે છે, જેનાથી એનિમિયા (લોહતત્ત્વની ખામી) દૂર થાય છે. પિરિડોક્સિન એ ડિપ્રેશન તેમ જ પ્રિ-મેન્સ્ટ્રુએશન જેવી તકલીફોથી થતાં નુકસાનમાં રાહત અપાવે છે.
મકાઈ એ આયર્નનો પણ સમૃદ્ધ સ્રોત છે. એનિમિયા સામે રક્ષણ અપાવે એવા લોહીના નવા કોષો માટે આયર્ન જરૂરી છે. મકાઈમાં આપણે લીંબુનો રસ ઉમેરીએ તો એ શરીરમાં આયર્નને ભળી જવામાં મદદ કરે છે. (મકાઈના ડૂંડા પર લીંબુ કેમ લગાડવામાં આવે છે, એ હવે સમજાયું ને?)
પીળા રંગની મકાઈ અને મીઠાશયુક્ત સફેદ મકાઈમાં કૅલરી વૅલ્યૂ ૧૦૦ ગ્રામ પર ૯૬ કિલો કૅલરી જેટલી હોય છે આથી એનો નિયમિત ઉપયોગ વજન વધારી શકે છે.
અલબત્ત, વધુપડતી સ્ટાર્ચયુક્ત હોવાને કારણે મકાઈ ડાયાબિટિક વ્યક્તિ માટે લેવાનું સલાહભર્યું નથી. તમે ડાયાબિટિક છો તો મકાઈનો ઉપયોગ તમારી બ્લડ સુગર વધારી શકે છે. આવા લોકોએ મકાઈ ખાવી જ હોય તો એકદમ નિયંત્રિત માત્રામાં.
મકાઈમાં ઍન્ટિ-ન્યુટ્રિયન્ટ્સ પણ આવેલાં હોય છે, જે તમારા શરીરમાં પોષક તત્ત્વોનો યોગ્ય રીતે ઉપયોગ થતો અટકાવી શકે છે. એવી શક્યતા નિવારવા માટે મકાઈ પરનાં છોતરાં કાઢીને થોડી વાર પાણીમાં પલાળ્યા પછી ઉપયોગમાં લેવી. ક્યારેક મકાઈમાં ફંગસ પણ જોવા મળે છે, જેને માઈકોટોક્સિન તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારની ફંગસવાળી મકાઈના ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આવી વધુપડતી ટોક્સિક મકાઈ કૅન્સર જેવા રોગોને પણ નોતરી શકે છે આથી મકાઈની ક્વૉલિટી સારી હોય એ બહુ જરૂરી છે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
