ડીસામાં HDFC બેંકના સ્ટાફે ડિજિટલ એરેસ્ટ ફ્રોડની ઘટના અટકાવી

અમદાવાદઃ રાજ્યના ડીસામાં HDFC બેંકના સજાગ સ્ટાફે છેતરપિંડી કરનારાઓ દ્વારા ડિજિટલ એરેસ્ટ સ્કેમ મારફતે થવા જઈ રહેલી છેતરપિંડીને અટકાવીને ગ્રાહકના 59.67 લાખ રૂપિયાને બચાવી લીધા હતા. HDFC બેંકની ડીસામાં આવેલી શાખાના સજાગ સ્ટાફને એક્ટિવ ના હોય તેવા એક ખાતામાં અસામાન્ય રીતે નાણાં જમા થયાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સ્ટાફે ટ્રાન્ઝેક્શનની પેટર્નમાં વિસંગતતાને ઓળખી તરત જ તપાસ શરૂ કરી હતી.

શ્રેણીબદ્ધ ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી કરીને બેંક આ ખાતું ફ્રીઝ કરી શકી હતી અને છેતરપિંડી દ્વારા નાણાં ઉપડતા અટકાવી શકી હતી. વધુ તપાસ માટે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે છેતરપિંડી અટકાવવાના અને પીડિતનાં નાણાંને સુરક્ષિત રાખવાના HDFC બેંકની બ્રાન્ચના સ્ટાફના પ્રયાસોને બિરદાવ્યા હતા.

ડિજિટલ એરેસ્ટ એટલે શું?

ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં છેતરપિંડી કરનારાઓ કાયદાનું અમલ કરનારી એજન્સી કે સરકારી અધિકારીના સ્વાંગમાં લોકો અને બિઝનેસને ટાર્ગેટ કરે છે. પીડિતોને કથિત કરચોરી, નિયમોના ઉલ્લંઘન કે નાણાકીય ગેરરીતિ માટે ડિજિટલ એરેસ્ટ વૉરન્ટથી ડરાવવામાં આવે છે. આ ડિજિટલ એરેસ્ટ વોરન્ટને પાછો ખેંચવા માટે છેતરપિંડી કરનારાઓ ‘સેટલમેન્ટ ફી’ કે ‘દંડ’ના સ્વરૂપમાં ચુકવણી માંગે છે. એક વાર ચુકવણી થઈ જાય તે પછી છેતરપિંડી કરનારો ગાયબ થઈ જાય છે અને તેમની ઓળખના કોઈ પુરાવા છોડતાં નથી.

ડિજિટલ એરેસ્ટ ફ્રોડથી બચવાના સૂચનો

  • જેઓ વાસ્તવમાં સરકારી અધિકારીઓ કે કાયદાનું અમલ કરનારી એજન્સી હોય છે, તે ક્યારેય પેમેન્ટ કે બેંકિંગ વિગતો માગતા નથી.
  • છેતરપિંડી કરનારાઓ ઘણી વાર તમે વગર વિચારે ઝડપથી તેમનું કહેલું કરો તે માટે તાકીદની સ્થિતિ પેદા કરતા હોય છે.
  • KYCની વિગતો, બેંકની વિગતો જેમ કે – યુઝર ID પાસવર્ડ, કાર્ડની વિગતો, CVV, OTP કે પિન નંબર વગેરે જેવી સંવેદનશીલ માહિતી કોઈની પણ સાથે શેર કરશો નહીં.
  • હંમેશાં સરકારી અધિકારી કે કાયદાનું અમલ કરનારી એજન્સીનો સ્વતંત્ર રીતે સંપર્ક કરીને અધિકારીની ઓળખની ખરાઈ કરો.
  • દસ્તાવેજોમાં ત્રુટિઓ છે કે નહીં તપાસો અને શંકાસ્પદ લિંકો પર ક્લિક કરવાનું ટાળો.
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશનના ચક્ષુ પોર્ટલ – www.sancharsaathi.gov.in પર તાત્કાલિક આવા કોઈ શંકાસ્પદ છેતરપિંડીભર્યા સંદેશવ્યવહારની જાણ કરો.

જો કોઈ વ્યક્તિ કોઈ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને તેવી ઘટનામાં તેમણે બેંકને તાત્કાલિક ધોરણે આ પ્રકારના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનની જાણ કરવી જોઇએ, જેથી કરીને પેમેન્ટ ચેનલને બ્લોક કરી શકાય, એટલે કે કાર્ડ્સ/UPI/નેટ બેંકિંગ અને ભવિષ્યમાં વધુ નુકસાન થતું અટકાવી શકાય. ગ્રાહકોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને ફરિયાદ પણ દાખલ કરવી જોઇએ તેમજ નેશનલ સાઇબરક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ https://www.cybercrime.gov.in પર ફરિયાદ સોંપવી જોઇએ.