રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે પ્રી-સ્કૂલની નોંધણીને લઈને કેટલાંક નવા નિયમો બનાવ્યા છે. જો કે એ નિયમોને લઈને પ્રી-સ્કૂલ માલિકો અને સંચાલકોને કેટલીકી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ નિયમોને લઈને પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા અધિકારીઓ અને સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી. તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યા નથી. જેના કારણે પ્રી-સ્કૂલ સંચાલકોને નવા શૈક્ષણિક ક્ષત્રમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી સમગ્ર ગુજરાતમાં રહેલી પ્રી-સ્કૂલ એસોસિયેશન દ્વારા અલગ-અલગ શહેરોમાં ક્લેટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. જો આગળ સરકાર ઝડપથી કોઈ નિર્ણય ન કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ જ મુદ્દે અમે અમારા છોટી સી મુલાકાત વિભાગમાં આજે ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિએશનના સભ્ય હસમુખભાઈ પરમાર સાથે વાતચીત કરીને સમગ્ર મુદ્દાને જાણવાનો પ્રયત્ન કર્યો છે.
હસમુખ પરમાર: ગુજરાત સરકાર દ્વારા પ્રી-સ્કૂલ નોંધણીને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાં કેટલીક વિસંગતતાઓ હોવાનું અમને લાગે છે. જેમ કે,
- જે જગ્યા પર પ્રી-સ્કૂલ ચાલુ કરવાની હોય એ જગ્યાની બીયુ પરમિશન ફરજિયાત કરવામાં આવી છે.
- જે જગ્યા પર પ્રી-સ્કૂલ ચાલતી હોય તેનો 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત કરવામાં આવ્યો છે.
- ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.
પ્રી-સ્કૂલ એસોસિએશનને જિલ્લા કલેક્ટર તેમજ શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપીને તેમાં રજૂઆત કરી છે કે,
- બિલ્ડિંગ યુઝ (BU) પરમિશનની જગ્યા પર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટના આધારે પ્રી-સ્કૂલની માન્યતા આપવામાં આવે.
- 15 વર્ષના રજિસ્ટર ભાડા કરારના બદલે 11 મહિનાના ભાડા કરારથી પ્રી-સ્કૂલને મંજૂરી આપવામાં આવે તો સંચાલકોને મુશ્કેલી ન પડે.
- ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની કે, પછી સહકારી મંડળીની સાથે-સાથે પ્રોપરાઈટરથી ભાગીદારીનો વિકલ્પ પણ પ્રી-સ્કૂલની નોંધણી માટે આપવામાં આવે.
અત્યાર સુધી રાજ્યની તમામ પ્રી-પ્રાઇમરી સ્કૂલો સ્વતંત્ર રીતે ચાલતી હતી. સરકારના કોઈપણ વિભાગની હેઠળ પ્રી-પ્રાઇમરી સ્કૂલો આવતી ન હતી. પરંતુ નવી શિક્ષણ નીતિ મુજબ સરકાર દ્વારા પ્રી-પ્રાઈમરી સ્કૂલોનું નિયમન કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રી-પ્રાઇમરી સ્કૂલો માટે પોલિસી પણ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ પોલિસી ન હતી. જેથી નાના ઘરથી લઈને મોટા કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચાલી રહી હતી. પરંતુ હવે નવી પોલિસી મુજબ પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચલાવવી અઘરી બની રહી છે.
નવા નિયમો માટે 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર, બિલ્ડિંગ યુઝ પરમિશન માગી છે. પ્રી-પ્રાઇમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ. પ્રી-પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષ એક વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ મેળવવી પડશે. પ્રી-પ્રાઇમરીની માન્યતા ના હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના સંચાલકોનું કહેવું છે કે ત્યાં BU પરમિશન મળતી નથી. પ્રી-પ્રાઇમરી સ્કૂલ એસોસિયેશન મુજબ પ્રી-સ્કૂલ એજ્યુકેશન પોલિસી છે એમાં સ્પષ્ટતા થઈ નથી. અમારી પાસે BU માગવામાં આવી છે, જેમાં ચોખવટ કરવામાં આવી નથી કે કયા પ્રકારનું BU લેવાનું. પરંતુ રાજકોટની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા એજ્યુકેશન BU માગવામાં આવી રહ્યું છે. કોઈ ગ્રામ્ય વિસ્તારમાં BU પરમિશન મળતું નથી. સ્પષ્ટતા નથી એટલે રજિસ્ટ્રેશન નથી થતા. ત્યારે બીજી તરફ કોઈ સંચાલક ભાડાના મકાનમાં પ્રી-સ્કૂલ ચલાવે છો તો અત્યારે મોટાભાગના મકાન માલિકો 11 મહિનાથી વધારેના ભાડા કરાર કરવા માટે પણ તૈયાર થતા નથી. એવામાં 15 વર્ષનો ભાડા કરાર ક્યાંથી લાવવો તેવાં પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે અમારું એવું કહેવું છે કે સરકાર દ્વારા આ પ્રકારના મામલાઓમાં વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ.
હાલમાં રાજ્યમાંલ ચાલતી મોટાં ભાગની પ્રી-સ્કૂલો સાથે મોટી સંખ્યામાં સ્ત્રીઓ જોડાયેલી છે. જો સરાકર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો તેમના રોજગારીના પ્રશ્ન ઊભો થશે. નિયમોના કારણે જો પ્રી-સ્કૂલો બંધ થઈ જાય તો સ્ત્રી સશક્તીકરણનો સળગતો પ્રશ્ન ઊભો થશે. જો આ નિયમો હળવા નહીં કરવામાં આવે તો ગુજરાતની પ્રી-સ્કૂલો સાથે સંકળાયેલા તમામ લોકોના જીવનમાં અનેક પ્રશ્નો ઉભા થઈ જશે. મારી એક જ પ્રી-સ્કૂલની વાત કરવામાં આવે તો 42 જેટલી મહિલાઓ મારી પ્રિ-સ્કૂલથી રોજગારી મેળવી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો પ્રી-સ્કૂલ સાથે 5 લાખ જેટલી મહિલાઓ સંકળાયેલી છે. સરકારના આકરા નિયમોના કારણે જો આ પ્રી-સ્કૂલો બંધ થાય તો આ તમામ મહિલાઓની રોજગારીને અસર પહોંચશે. પ્રી-સ્કૂલના રોજગારમાં બહેનો પોતાની જાતને વધારે સુરક્ષિત સમજે છે. વધારેમાં તેઓ બાળકો અને પરિવારને સાચવીને સાથે-સાથે નોકરી કરી શકતી હોય છે. તેવામાં તેઓ માટે રોજગારનો બીજો ઓપ્શન શોધવો પણ અઘરો બને છે. એવી અનેક સિંગલ મધર્સ છે, વિધવા બહેનો છે જેઓના ઘર પ્રી-સ્કૂલથી ચાલતા હોય છે. ત્યારે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આ બધી જ સ્વનિર્ભર બનેલી બહેનોને આર્થિક તકલીફો પડવાની છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)