ગાંધીનગર: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યો છે. જેમાં હવે ધોરણ 10 અને 12ની જેમ 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. ઉપરાંત તમામ પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ આપવામાં આવશે. ધોરણ 9 અને 11માં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે, ત્યારે આ નવી પરીક્ષા પદ્ધતિથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ નવી પદ્ધતિ ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ પડશે.શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે ત્યારે બોર્ડ દ્વારા મોડે મોડે પણ અંતે ધોરણ9-11ની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. સરકારની મંજૂરી મળતા બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં પ્રશ્નપત્ર-પરીક્ષા પદ્ધતિના ફેરફારને લઈને તમામ ડી.ઈ.ઓ.ને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.