નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા એટલું બધું શક્તિશાળી બની ગયું છે કે એ સરકારોને ઉથલાવી પણ શકે છે, એને પગલે અંધાધૂંધી પણ ફેલાવી શકે છે અને લોકશાહીને નબળી પણ પાડી શકે છે. તેથી આ સમસ્યાનો સામનો કરવા માટે બંધારણીય માળખાને અંતર્ગત રહીને ઉપાયો શોધવાની જરૂર છે. આ માટે કેન્દ્ર સરકાર એક કાયદો ઘડી રહી છે. આ જાણકારી ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે એમના નવા પુસ્તક ‘બીકોઝ ઈન્ડિયા કમ્સ ફર્સ્ટ’ના વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.
ભારત સરકાર અને રાષ્ટ્ર વિરુદ્ધ પ્રચાર કરતા ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાના મામલે હાલ કેન્દ્ર સરકાર અને અમેરિકાની સોશિયલ નેટવર્ક કંપની ટ્વિટર વચ્ચે વિખવાદ ચાલે છે તેવા સમયે રામ માધવે આમ કહ્યું છે. એમણે કહ્યું કે સોશિયલ મિડિયા ક્ષેત્ર એટલું બધું શક્તિશાળી બની ગયું છે કે એનું નિયમન કરવું અઘરું થઈ ગયું છે, કારણ કે આ મિડિયાને કોઈ સરહદ નડતી નથી. આવા પરિબળો અંધાધૂંધી ફેલાવી શકે છે. સરકાર આ સમસ્યાનો સામનો કરવા કાયદા ગડી રહી છે. સરકાર એ દિશામાં કામ કરી જ રહી છે.