આ સરકારી અધિકારી કરાવે છે વાંચન દ્વારા સંસ્કારોનું સિંચન…

પુસ્તક એ માણસના જીવનમાં સૌથી મોટું પરિવર્તનનું માધ્યમ બની શકે છે. આ વાત જન જન સુધી પહોંચાડવા અને આપણી અમૂલ્ય સંસ્કૃતિનું જતન કરવાનો અથાગ પ્રયાસ એક વ્યક્તિ છેલ્લા 23 વર્ષથી કરી રહી છે. આ વ્યક્તિએ અત્યાર સુધીમાં સો-બસો-પાંચસો નહીં, પણ 15 હજાર જેટલા પુસ્તકો લોકોને વિનામૂલ્યે આપીને લોકોમાં વાંચનની ટેવ પ્રસારવાનો અને એ રીતે સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ વ્યક્તિ એટલે મૂળ સૌરાષ્ટ્રના અને હાલ આણંદ શહેરમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત સરકારી અધિકારી ચૈતન્ય સંઘાણી. ચૈતન્યભાઇ પોતે તો સારા લેખક અને એનાથી ય વધારે સારા વાચક છે જ, પણ પુસ્તકોના વિતરણ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા એમણે સારા વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાનો એક અનોખો યજ્ઞ શરૂ કર્યો છે. અને એ પણ, કોઇ સંસ્થાના બેનર વિના, કોઇ પ્રકારના સંસ્થાકીય દાન વિના. ફક્ત ને ફક્ત વ્યક્તિગત નિસબતથી.

એક પુસ્તકથી જીવન બદલાયું

ચૈતન્ય સંઘાણીએ નવમાં ધોરણમાં એક સંતનું જીવન ચરિત્ર વાંચતા જ વિચાર્યું કે પુસ્તકમાં એવી શક્તિ છે, જે જીવનનું ધોરણ ઊંચું લાવી શકે છે. એ જીવનચરિત્રના વાંચનથી પ્રભાવિત થઈને એમની વાંચનયાત્રાની શરૂઆત થઈ, અને આ યાત્રા સતત આગળ વધતી રહી. કોઈપણ ધર્મ કે મહાન પુરુષોના જીવનમાંથી જે કંઈ શીખવા મળી શકે છે, એ જ્ઞાન દરેકને મળવું જોઈએ, આ જ એમની મૌલિક વિચારધારા બની.

પુસ્તક વિતરણ એ જ સામાજિક પરિવર્તનનું સાધન

આ અનુભવથી પ્રેરાઇને એમણે શરૂઆતમાં પોતાના પોકેટમનીમાંથી પુસ્તકો ખરીદીને લોકોમાં વિતરણ કરવાનું નક્કી કર્યું. જ્યારે કોઈને પુસ્તકોની જરૂર હોય તો પોતાની પાસે જે પુસ્તક હોય એ આપી દેતા. ‘પુસ્તક પરત નહીં લેવું’ એ એમના કાર્યનો મંત્ર હતો, કારણ કે જ્ઞાન તો જેટલું વહેંચો એટલું વધે એમ એ માને છે.

લોકોને વાંચનની પ્રતિજ્ઞા લેવડાવી

કોઈને માત્ર પુસ્તક આપવું એ અડધું કામ છે, પરંતુ એ પુસ્તકને જીવનમાં સ્થાન આપવું એ પૂરું કાર્ય છે. ચૈતન્યભાઇએ હજારો લોકોને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ પુસ્તક વાંચવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી છે. એમના પ્રવચનમાં લોકો જોડાય છે અને પાઠ વિના જીવનની અધૂરી સમજણને પૂરી કરવાની તક મેળવે છે. પોતાના પ્રવચનો દ્વારા રાષ્ટ્રીય અને  આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિના તત્વોની સમજ સરળ રીતે આપતા રહે છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ચૈતન્ય સંઘાણી કહે છે કે, “જ્ઞાન જ એ રસ્તો છે, જે તમને ભગવાન તરફ લઈ જઈ શકે છે, આજના સમયમાં સંસ્કૃતિ, જે આપણું મૂળ છે એને જીવંત રાખવી એ એક મોટી જવાબદારી છે. આપણા જીવનમાં જ્યારે આધુનિકતા અને ટેક્નોલોજીનું જોર વધી રહ્યું છે ત્યારે ઘણી વાર પરંપરાગત જ્ઞાન, પૌરાણિક વારસો અને સાંસ્કૃતિક મૂલ્યો ગુમાવી બેસીએ છીએ. આવા સમયમાં પોતાની ધરોહર સાચવવી એ આપણી નૈતિક ફરજ છે. હું જે પુસ્તકો પાસેથી શીખ્યો એ અન્ય વ્યક્તિ પણ શીખે એવી મારી અપેક્ષા છે. એટલું જ નહીં મેં તમામ ધર્મો મોટા સંતો, ભારતીય ઈતિહાસ એના વિશે જે વાંચ્યુ એ પછી મનમાં થયું કે ખરેખર આ બધી વસ્તુઓનો સમાજમાં ફેલાવો કરવાની જરૂર છે. એના બે કારણ છે લોકોનું માનસિક જીવન ધોરણ ઉંચુ આવે. અને બીજુ કે આ અનેક સમસ્યાનો ઉકેલ છે આપણા દેશમાં રહેલા લોકો આપણી સંસ્કૃતિ વિશે જાણતાં નથી. એમના સુધી એ પહોંચે એ જરૂરી છે.”

અત્યાર સુધીમાં એમણે ચાર ગુજરાતી અને ચાર હિન્દી પુસ્તકો પણ લખ્યા છે. જેમાં શાશ્વત સુખની માસ્ટર-કી, સમાધાન સંભવ છે, સાચા સુખની સંજીવની અને આપણું ખોવાયેલું સુખ પુસ્તકોનો સમાવેશ થાય છે. આ ગુજરાતી પુસ્તકોનું એ જ નામ સાથે હિન્દીમાં પણ અનુવાદ કર્યો છે.

સેવાકીય પ્રવૃતિ

ચૈતન્ય સંઘાણી અને એમના સમવિચારી મિત્રો દર મહિને ગરીબ બાળકોને જરૂરિયાતની વસ્તુ પુરી પાડે છે. મહિના દરમિયાન ઓછામાં ઓછી આણંદમાં બે અને અમદાવાદમાં એક સેવાકીય પ્રવૃતિ તો કરવાની જ એવી એમના ગ્રુપ દ્વારા નેમ લેવામાં આવી છે. એટલું જ નહીં, વિદ્યાનગરમાં અભ્યાસ માટે આવતા હોંશિયાર વિદ્યાર્થીઓને જો રહેવાની વ્યવસ્થા ન હોય તો એ પણ એમના દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. શરત માત્ર એટલી કે યુવાનોએ વ્યસન નહીં કરવાનું, દર ગુરુવારે સામૂહિક પ્રાર્થનામાં સામેલ થવાનું, સંપૂર્ણ શિસ્તમાં રહેવાનું, મહિનામાં ઓછામાં ઓછી એક પુસ્તક તો વાંચવાની જ અને સેવાકીય પ્રવૃતિ કરતા રહેવાનું. ટૂંકમાં, ‘શીખો અને બીજાને મદદ કરો’ એ એને જીવનનો નિયમ બનાવવો.

વળી, પોતાની આ બધી પ્રવૃત્તિઓ માટે એ ક્યાંય પોતાની સરકારી અધિકારી તરીકેની વગ કે સત્તાનો ઉપયોગ નથી કરતા. ફરજ ઉપરાંતના સમયમાં એમની પાસે કરવા જેવું આ એક જ કામ છેઃ સમાજમાં વાંચનની ટેવ વિકસાવવી અને સારા વિચારો પ્રસરાવવા.

નોંધનીય છે કે સમાજમાં એમના ઉત્તમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રદાન માટે ઓક્ટોબર 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સરકારનો “ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર” આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાશ, દરેક વ્યક્તિ આ રીતે કાંઇક સારું કરવાનો વિચાર કરે તો?!

(હેતલ રાવ-અમદાવાદ)