ગાંધીનગર: ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે(GAHHDC) આ વર્ષે વેચાણનો છેલ્લા 50 વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. નિગમ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના સ્ટૉલ રાજ્યના અનેક સ્થળોએ અને દેશના ઘણા રાજ્યોમાં આવેલા છે. આ ગરવી-ગુર્જરીમાં હાથશાળ-હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. વર્ષ 2023-24 દરમિયાન છેલ્લાં 50 વર્ષનાં ઇતિહાસમાં નિગમે સૌથી વધુ 25 કરોડથી વધારેનું વેચાણ કર્યુ છે. આ વેચાણ ગત વર્ષ કરતાં બમણું છે.રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના સાહસ તરીકે છેલ્લાં 50 વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે. રાજ્યના ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશ પરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ કરવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે.
આ સફળતામાં ફાળો આપતા મુખ્ય પરિબળો વિશે વાત કરવામાં આવે તો,
સમૃદ્ધ પ્રદર્શન આયોજનઃ આ વર્ષે ગરવી ગુર્જરીએ અગાઉથી પ્રદર્શન માટે સારા સ્થળોની ઓળખ કરી હતી અને દેશભરના ખરીદદારો માટે અદ્ભુત ખરીદદારીનો અનુભવ પૂરો પાડ્યો હતો. આ વર્ષે ગુજરાતમાં તેમજ મુંબઈ, પુણે, દિલ્હી, કોલકાતા અને હૈદરાબાદ જેવા મહત્વના શહેરોમાં સૌથી વધુ પ્રદર્શનો જોવા મળ્યા હતા. માસ્ટર કારીગરો તેમજ પુરસ્કાર મેળવનાર કારીગરોની હાજરીએ એકંદર પ્રદર્શનના અનુભવમાં સુધારો કર્યો, જેના કારણે રેકોર્ડ વેચાણ થયું.
કારીગર કૌશલ્ય તાલીમઃ કારીગરોના સશક્તિકરણ અને ઉત્પાદનની ગુણવત્તા વધારવામાં કૌશલ્ય વિકાસના મહત્વને ઓળખીને, ગરવી ગુર્જરીએ ડિઝાઇન તાલીમ માટે NIFT સાથે MOU કર્યા છે. ઉપરાંત, NID તરફથી કૌશલ્ય તાલીમ વર્કશોપનું આયોજન, અને NIFT દ્વારા પ્રશિક્ષિત માસ્ટર કારીગરોએ તાલીમની ગુણવત્તામાં સુધારો કર્યો છે.