ઓસ્ટ્રેલિયાએ બીજી T20Iમાં શ્રીલંકાને 9-વિકેટથી હરાવ્યું…

ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનના ગબ્બા મેદાન પર 30 ઓક્ટોબર, બુધવારે રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 9-વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. લસિથ મલિંગાના નેતૃત્ત્વ હેઠળ શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી અને ટીમ 19 ઓવરમાં 117 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના 4 બોલર - બિલી સ્ટેનલેક, પેટ કમિન્સ, એશ્ટન એગર અને એડમ ઝમ્પાએ 2-2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ તેના જવાબમાં 13 ઓવરમાં માત્ર કેપ્ટન આરોન ફિન્ચ (0)ની વિકેટ ગુમાવીને 118 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓપનર ડેવિડ વોર્નર (60 નોટઆઉટ)ને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. એની સાથે સ્ટીવન સ્મિથ 53 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ સાથે સિરીઝ પોતાના કબજામાં કરી લીધી છે. 3-મેચોની સિરીઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાએ 134 રનથી જીતી હતી. ત્રીજી અને આખરી મેચ 1 નવેંબરે મેલબર્નમાં રમાશે.