પંત-પંડ્યાએ અસંભવને સંભવ કરી બતાવ્યું

ભારતે 17 જુલાઈ, રવિવારે માન્ચેસ્ટર શહેરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ઈંગ્લેન્ડને ત્રીજી અને શ્રેણીની આખરી, નિર્ણાયક વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં પાંચ-વિકેટથી હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

ભારતની ગઈ કાલની શાનદાર જીતનો મુખ્ય શ્રેય જાય છે વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતની ફાંકડી અણનમ સેન્ચુરી અને હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ દેખાવને, જેણે બોલિંગમાં 4 વિકેટ લીધા બાદ 71 રન ફટકાર્યા હતા.

ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ કેપ્ટન અને વિકેટકીપર જોસ બટલરના 60 રનના મુખ્ય યોગદાન સાથે 45.5 ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 24 રનમાં 4 વિકેટ લીધી હતી.

ભારતે તેના જવાબમાં 42.1 ઓવરમાં પાંચ વિકેટ ખોઈને 261 રન કરીને મેચ જીતી લીધી હતી. પંત 113 બોલમાં 125 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. વન-ડે કારકિર્દીમાં આ તેની પહેલી જ સદી છે. એણે કુલ 16 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રીસ ટોપ્લી (તસવીરમાં)એ ભારતના ટોચના ત્રણ બેટ્સમેનની વિકેટ ઝડપીને ભારતીય છાવણીમાં સનસનાટી ફેલાવી દીધી હતી.

ભારતે એક સમયે શિખર ધવન (1), કેપ્ટન રોહિત શર્મા (17), વિરાટ કોહલી (17) અને સૂર્યકુમાર યાદવ (16)ની વિકેટ 72 રનમાં જ ખોઈ દીધી હતી. ત્યારબાદ પંત અને પંડ્યાએ 128 રનની ભાગીદારી કરી હતી. પંડ્યાએ 55 બોલના દાવમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

મેચ બાદ વિજેતા ટ્રોફી સ્વીકારતી વખતે કેપ્ટન રોહિત શર્માએ સાથી ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું કે દાવ દરમિયાન પંત અને પંડ્યા ગભરાતા હોય એવું મને જરાય લાગ્યું નહોતું. પંતને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નું ઈનામ આપવામાં આવ્યું હતું.

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને શાબાશી આપતા સાથીઓ