કારમો ઉનાળોઃ તરસ્યા ગામવાસીઓની હાલાકી…

આ વર્ષે ઉનાળાની મોસમમાં ગરમીએ માઝા મૂકી છે. સૂર્યદેવ ખૂબ આકરા બન્યા હોવાથી અનેક નાના તળાવો, નદીઓ સૂકાઈ ગયા છે. પરિણામે ગામડાઓમાં રહેતાં લોકોની હાલત વધારે કફોડી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મુંબઈની પડોશના થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં ભાત્સા, તાનસા, વૈતરણા જેવા અનેક મોટા જળાશયો આવેલા છે, જે મુંબઈના સવા કરોડથી વધારે લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. તે છતાં આ તાલુકાના અનેક ગામોમાં તો વર્ષોથી પાણીની તંગી જ રહે છે. ગામવાસીઓને અમુક કૂવાઓના પાણી પર અને પાણીની ટેન્કરો મારફત પૂરા પાડવામાં આવતા પાણી નિર્ભર રહેવું પડે છે. 14 મે, રવિવારે એક ગામમાં તરસ્યા લોકો એક સૂકાઈ ગયેલા કૂવાની આસપાસ ભેગા થયા છે, જેમાં ટેન્કરનું પાણી ઠલવાયા બાદ ગામવાસીઓ વારાફરતી પોતપોતાના વાસણોમાં પાણી એકત્ર કરી રહ્યાં છે.

પાણી ભરવા માટે ગામવાસી મહિલાઓ કૂવાની આસપાસ એકઠી થઈ છે.

ટેન્કરમાંથી પીવાનું પાણી કૂવામાં ઠાલવવામાં આવી રહ્યું છે

શાહપુર તાલુકાના એક ગામની મહિલાઓ એક કૂવામાંથી પાણી ખેંચીને ઘડાઓમાં ભરીને પોતાનાં ઘર તરફ પાછી ફરી રહી છે.

ગામવાસીઓની તરસ છીપાવવા માટે પાણીની ટેન્કર આવી પહોંચી છે