ટાટા મુંબઈ મેરેથોન રેસ-2020; ઈથિયોપીયાનાં રનર્સનું વર્ચસ્વ…

19 જાન્યુઆરી, રવિવારે મુંબઈમાં યોજવામાં આવેલી વાર્ષિક મેરેથોન દોડ (ટાટા મુંબઈ મેરેથોન-2020)માં ઈથિયોપીયાનાં રનર્સનું વર્ચસ્વ રહ્યું હતું. પુરુષો અને મહિલાઓનાં વર્ગમાં ઈથિયોપીયાનાં રનર વિજેતા બન્યાં હતાં. ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિ.મી. મેરેથોન અને 5 કિ.મી. - એમ જુદા જુદા વર્ગમાં રેસ યોજવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની બહારથી લીલી ઝંડી બતાવીને મેરેથોન દોડનો શુભારંભ કરાવ્યો હતો. અન્ય દોડને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશિયારી અને મહારાષ્ટ્રના પ્રધાન આદિત્ય ઠાકરેએ શુભારંભ કરાવ્યો હતો.


આંતરરાષ્ટ્રીય એલિટ ફૂલ મેરેથોન દોડમાં પુરુષોના વર્ગમાં ઈથિયોપિયાનો ડેરારા હરિસા બે કલાક 8 મિનિટ 9 સેકંડના સમય સાથે વિજેતા બન્યો હતો. એણે આ પહેલી જ વાર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બીજા અને ત્રીજા ક્રમે પણ ઈથિયોપિયાના જ રનર આવ્યા હતા. બીજા ક્રમે આવ્યો હતો એયલ એબ્સેરો (2:08:20) અને ત્રીજા ક્રમે આવ્યો હતો બિરહાનૂ ટેશોમ (2:08:26). આ ત્રણેય દોડવીરોએ 2 કલાક અને 8 મિનિટ 35 સેકંડ સમયના જૂના વિક્રમને તોડી નાખ્યો છે.


આંતરરાષ્ટ્રીય એલિટ ફૂલ મેરેથોન દોડમાં મહિલાઓનાં વર્ગમાં વિજેતા બની હતી ઈથિયોપિયાની અમાને બેરિસો. એણે બે કલાક 24 મિનિટ 51 સેકંડનો સમય લીધો હતો. બીજા નંબરે કેન્યાની રોડા જેપકોરિર (2:27:14) આવી હતી અને ત્રીજા નંબર પર ઈથિયોપિયાની હેવન હાઈલૂ આવી હતી (2:28:55). આ વર્ગમાં ભારતની સુધા સિંહ 10મા ક્રમે આવી હતી.


આંતરરાષ્ટ્રીય એલિટ ફૂલ મેરેથોન દોડની ત્રણ મહિલા વિજેતા




ભારતીય પુરુષોનાં વર્ગમાં ચેમ્પિયન બન્યો છે ઈન્ડિયન આર્મીનો જવાન શ્રીનૂ બુગથા. આ આંધ્ર પ્રદેશના વતનીએ આજની રેસ બે કલાક, 18 મિનિટ 44 સેકંડના સમય સાથે જીતી હતી. બીજા નંબરે શેર સિંહ (02:24:00), ત્રીજા નંબરે દુર્ગાબહાદુર બુધા (02:24:03) ચોથા નંબરે રવિપ્રકાશ (02:24:32) અને પાંચમા નંબરે રાહુલ પાલ (02:26:56) આવ્યો હતો.


શ્રીનૂ બુગથા


ભારતીય મહિલાઓનાં વર્ગમાં ગયા વર્ષની ચેમ્પિયન અને અર્જુન એવોર્ડવિજેતા સુધા સિંહે આ વખતની રેસ બે કલાક, 45 મિનિટ 30 સેકંડના સમય સાથે જીતી હતી. સુધાએ 2018 અને 2019માં પણ આ રેસ જીતી હતી. આમ તેણે હેટ-ટ્રિક કરી છે. બીજા ક્રમે જ્યોતિ ગવાટે (02:49:14) અને ત્રીજા ક્રમે શ્યામલી સિંહ (02:58:44) આવી હતી. ચોથા ક્રમે રિતુ પાલ અને પાંચમા ક્રમે જિગ્મેત ડોલ્મા આવી હતી.


સુધા સિંહ - મેરેથોન જીતવામાં હેટ-ટ્રિક કરી


ભારતીય પુરુષ વિજેતાઓ