ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 11માં ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન કર્યું. મોદીએ કહ્યું- ભારત માત્ર એક બજાર નથી. ભારત સમગ્ર વિશ્વ માટે તક પણ છે. આ ડિફેન્સ એક્સપો વિશ્વનો ભારત પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે.
પીએમ મોદીના હસ્તે ઉદઘાટનની સાથે 11માં ડિફેન્સ એક્સપોની શરૂઆત થઈ ગઈ છે.. 5થી 9 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ મેળામાં 70 દેશોની વેપન્સ બનાવનારી 172 અને ભારતની 857 કંપનીઓ ભાગ લેશે.
એશિયાના આ સૌથી મોટા રક્ષા પ્રદર્શનમાં 40 દેશોના રક્ષામંત્રી ભાગ લેશે.
એક્સ્પોની થીમ ‘ભારત એક ઊભરતું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ’ રખાઈ છે. તેમાં અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને નોર્વે સહિત અનેક દેશોના સૈન્ય ઉપકરણો બનાવતી કંપનીઓ સામેલ છે.
એક્સપોમાં દસો એવિએશન પ્રથમ વખત તિરંગના નિશાન વાળું રાફેલ લડાકૂ વિમાન રજૂ કરશે.
અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન પણ એફ-35 લાઈટનિંગ સેકન્ડને પ્રથમ વખત વિશ્વને બતાવશે. અમેરિકા આ લડાકૂ વિમાન ભારતને વેચવા માંગે છે.
વૃંદાવન મેદાનમાં લાગ્યો હથિયારોનો મેળો
આવાસ વિકાસ વિભાગના વૃંદાવન મેદાનમાં એશિયાનો સૌથી મોટો વેપન્સ મેળો લાગ્યો છે.
ભૂમિદળના હથિયારોમાં પિનાક મલ્ટી બેરલ રોકેટ લોન્ચર અને ધનુષ તોપ સિવાય ઈન્ટીગ્રેટેડ મલ્ટીફંક્શન સાઈટ, સ્મોલ આર્મ્સ એડવાન્સ્ડ હોલોગ્રાફિક સાઈટ, આઈ સેફ લેઝર, નાઈટ વિઝન ડિવાઈસિસ, બોર્ડર સર્વેલાન્સ સિસ્ટમ, લેઝર આર્ડિનન્સ ડિસ્પોઝલ સિસ્ટમ, લેઝર ડેઝલર્સ, ઓપ્ટિકલ ટારગેટ લોકેટર અને એક્સપ્લોસિવ ડિટેક્ટરને બતાવવામાં આવશે.
ભારતમાં નાની ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓએ પણ નોંધણી કરાવી છે. આ એક્સ્પોમાં 54 દેશ સાથે એમઓયુ સાઈન થવાની આશા છે. ઈઝરાયેલે સૌથી મોટું 20 લોકોનું પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. આશરે રૂ. 20 હજાર કરોડનું રોકાણ થવાની આશા વ્યક્ત કરાઈ છે.
આ દરમિયાન ફાઈટર જેટ્સ-સુખોઈ 30 એમકેઆઈ, જગુઆર ફાઈટર પ્લેન,ચિનૂક અને ચીતા હેલીકોપ્ટર પણ લખનૌ એરપોર્ટ પરથી ઉડાન ભરશે.
એક્સપો 5થી 7 ફેબ્રુઆરી સુધી આમંત્રિત લોકો માટે ખુલ્લો રહેશે. જ્યારે અંતિમ 2 દિવસ 8 અને 9 ફેબ્રુઆરીએ તેને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
5થી 9 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ ડિફેન્સ એક્સપોમાં 19 ટેકનિકલ અને વ્યાવસાયિક સેમિનાર આયોજિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.