મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ અમરેલીના સાવરકુંડલા ખાતે વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે આયોજિત રામકથામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના પ૭ લાખ પરિવારોને મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં સરકારે આવરી લીધા છે. મુખ્યપ્રધાન આ આરોગ્ય મંદિરના વિવિધ વિભાગોની નીરિક્ષણ-મુલાકાત અને દર્દીઓની સારવાર-સુશ્રુષાની માહિતી મેળવ્યા બાદ પ્રખર કથાકાર પૂજ્ય મોરારીબાપૂની રામકથાનું શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ મોરારિ બાપુનું વંદન સહ અભિવાદન કર્યું હતું અને કથા શ્રવણ કર્યુ હતું.
મોરારિબાપુએ કહ્યું કે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી સ્વભાવે સાવ સરળ છે અને સતત પ્રજા વચ્ચે રહે છે. તે સારી બાબત છે. રાજનેતાઓએ સતત લોકો વચ્ચે રહેવું જોઇએ. તો જ લોકોની વાચાવેદના જાણવા મળે છે. તેમણે રૂપાણીના વડપણમાં રાજ્ય સરકાર જે પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે, તેની પ્રશંસા કરી હતી.