અમદાવાદના લો ગાર્ડન ખાતે ‘હેપ્પી સ્ટ્રીટ’ ખુલ્લી મુકવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બિજલ પટેલની હાજરીમાં ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદ્ઘાટન કર્યું હતું.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં લૉ ગાર્ડનની ફૂટપાથ પર વર્ષોથી લોકો સ્ટ્રીટ ફૂડ માણતા હતા. કોલેજ, ગાર્ડન, આર્ટ ગેલેરીઓ, મનોરંજન પૂરું પાડતા હોલની એકદમ વચ્ચે આવેલી ગલીનું જૂનું ખાણીપીણી બજાર તોડી પાડવામાં આવ્યું. થોડા સમય બાદ અમદાવાદ મહાનગરપાલિકાની મંજૂરી બાદ એકદમ અદ્યતન સુવિધાઓ સાથે ખાઉં ગલી હેપ્પી સ્ટ્રીટ ના નામે તૈયાર કરવામાં આવી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલી ‘હેપ્પી સ્ટ્રીટ’માં એક તરફ લો ગાર્ડન તરફથી શરૂ થતી 31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઊભી રહેશે. એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી જ જગ્યા રખવામાં આવી છે.
પાર્કિંગની સાઈડમાં એક સાયકલ ટ્રેક અને ફૂટપાથ પણ બનાવવામાં આવી છે. આખી સ્ટ્રીટને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે.
8 કરોડના ખર્ચે આ સ્ટ્રીટ બનાવવામાં આવી છે. નવેમ્બરમાં જ ‘હેપ્પી સ્ટ્રીટ’ના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી.
અમદાવાદમાં મનોરંજન અને ફૂડ બંને નો સમન્વય આ હેપ્પી સ્ટ્રીટમાં જોવા મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)