અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ યોજાતા ‘ફ્લાવર શો-૨૦૨૦’ને રિવરફ્રંટ ખાતે ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટર અને પાણીની વ્યવસ્થાની સાથે સાથે લોકોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલ, બુક ફેર, અને હવે ફ્લાવર-શો જેવા વિવિધ આયોજન કરે છે તે સર્વગ્રાહી નગર સુખકારીનું એક આવકારદાયક પગલું છે.
વિવિધ થીમ પર દેશ-વિદેશના લાખો ફૂલોનો આ ફ્લાવર શો આહલાદક ઠંડીમાં નગરજનોના મનોરંજનનું નવું સરનામું બની રહ્યો છે. પ્રતિ વર્ષ આ ફ્લાવર શો જોવા માટે નગરજનો ઉમટી પડે છે.
ફ્લાવર શોના મુખ્ય આકર્ષણોમાં આ વખતે ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ ઉજવણી અંતર્ગત ગાંધીજીના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. મેલેરિયા જાગૃતિ અભિયાન અંતર્ગત એડિસ મચ્છરની લાઇફ સાયકલ અને તેના ઉત્પત્તિ સ્થળોની પ્રતિકૃતિઓ, સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ તેમજ વિવિધ આયુર્વેદિક વનસ્પતિઓની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે.
૪ જાન્યુઆરી થી ૧૯ જાન્યુઆરી સુધી ફ્લાવર ગાર્ડન, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
ફ્લાવર શોમાં ઓર્કિડ, રેનેક્યુલસ, લીલીયમ, પીટુનિયા, ડાયન્થસ જેવા જુદી-જુદી વેરાયટીના ૭૫૦ થી વધુ જાતોના ૧૦ લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફુલ-છોડની પ્રદર્શની, વિવિધ ફુલોમાંથી બનાવેલ મોરની પ્રતિકૃતિ સાથેનો આકર્ષક પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવ્યો છે.
ગ્રીન અમદાવાદની થીમને સાર્થક કરતી ૨૦૦ ફૂટ લાંબી ગ્રીન વોલ, સ્પોર્ટ્સ થીમ પર વિવિધ રમત-ગમતના સ્કલ્પચર તેમજ ફાયર વિભાગના જુદા-જુદા સાધનોને ફુલોથી શણગારી તેનું પ્રદર્શન પણ આ ફ્લોવાર શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સેવ વોટરના સંદેશ આપતા સ્કલ્પચર અને રી-યુઝ થીમ આધારિત જૂના ટાયરમાંથી બનાવેલ ફ્લાવર વોલ, અશોક સ્તંભની પ્રતિકૃતિ, બટર ફ્લાય ડિઝાઇન ઘરાવતી બેઠક વ્યવસ્થા, હિપ્પોપોટેમસ અને ડ્રેગન જેવા વિશાળકાય પ્રાણીઓના સ્કલ્પચર, મુલાકાતીઓમાં માટે વિવિધ થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ્સ અને વોલ પણ ફ્લાવર શોમાં મુકવામાં આવ્યા છે.
આ વખતે સૌ પ્રથમ વખત ફ્લવાર શો-૨૦૨૦માં શહેરીજનો માટે મોબાઇલ એપ્લિકેશન, ‘શો માય પાર્કિંગ’ આધારિત સ્માર્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તથા પાર્કિંગ સ્થળેથી ફ્લાવર શોના સ્થળ સુધી પહોંચવા માટે વિનામુલ્યે ઇલેક્ટ્રીક બસની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મોબાઇલ એપ્લિકેશનથી મુલાકાતીઓ ફ્લાવર શોના સ્થળે જુદી-જુદી જગ્યાએ આવેલ પાર્કિંગ સ્થળોની વિગત તથા તે સ્થળોએ ચોક્કસ સમયે ૨ વ્હિલર, ૩ વ્હિલર તેમજ ૪ વ્હિલર માટે પાર્કિંગની કુલ કેટલી જગ્યા બાકી છે તે જાણી શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક સિટી સિવીક સેન્ટરો પરથી ફ્લવાર શોની પ્રવેશ ટિકિટી મેળવી શકાશે. અમદાવાદ ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે ૧૨ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી રૂ. ૨૦ રહેશે. જ્યારે સિનિયર સિટીઝનને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. તેમજ શનિવાર અને રવિવારના રોજ તમામ વ્યક્તિઓ માટે પ્રવેશ ફી રૂ.૫૦ રાખવામાં આવી છે.