જ્હાન્વીએ નાનકડી ‘રાજકુમારીઓ’ સાથે ઉજવી ‘ધ લિટલ મર્મેડ’ ફિલ્મની થીમ-પાર્ટી

આગામી અંગ્રેજી ફિલ્મ ‘ધ લિટલ મર્મેડ’નાં નિર્માતાઓએ ફિલ્મના પ્રચારના ભાગરૂપે મુંબઈમાં એક થીમ-પાર્ટીનું આયોજન કર્યું હતું. યુવા બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂર પણ એ પાર્ટીમાં સહભાગી થઈ હતી અને કેટલીક નાનકડી છોકરીઓ સાથે પાર્ટીનો આનંદ માણ્યો હતો. સહુએ એ પ્રસંગ માટે ખાસ બનાવેલી કેક ખાધી હતી.

આ પ્રસંગે જ્હાન્વીએ કહ્યું કે, ‘હું અને મારી નાની બહેન ખુશી નાનપણમાં સાહસિક એવી ડિઝની પ્રિન્સેસીસ અને પ્રિન્સેસ એરિયલ (જલપરી કે મત્સ્યકન્યા)ની વાર્તાઓ વાંચીને અને તેની ફિલ્મો જોઈને મોટી થઈ છીએ. આ મારી ફેવરિટ પાત્ર રહી છે. જલપરી પોતાનાં સપનાં કેવી રીતે સાકાર કરે છે એ જોવાની મને બહુ જ મજા આવતી. હું ‘ધ લિટલ મર્મેડ’ ફિલ્મ જોવા અને મારી નાનપણની યાદ ફરી તાજી કરવા માટે બહુ જ ઉત્સૂક છું.’

વોલ્ટ ડિઝની પિક્ચર્સ દ્વારા નિર્મિત અને રોબ માર્શલ દ્વારા દિગ્દર્શિત 135 મિનિટની અંગ્રેજી ફિલ્મ ‘ધ લિટલ મર્મેડ’ને આવતી 26 મેથી દુનિયાભરમાં થિયેટરોમાં રિલીઝ કરવાની છે. ભારતમાં આ ફિલ્મને ડિઝની ઈન્ડિયા કંપની રિલીઝ કરવાની છે. આ ફિલ્મમાં પ્રિન્સેસ એરિયલનું પાત્ર 23 વર્ષીય ગાયિકા અને અભિનેત્રી હેલી બેલીએ ભજવ્યું છે. આ ફિલ્મ 1989માં આ જ શિર્ષક સાથે આવેલી એનિમેશન ફિલ્મની એક્શન રીમેક છે.