રણબીર-આલિયા એમની દીકરી રાહાને પહેલી જ વાર જાહેરમાં લાવ્યાં

બોલીવુડનાં સહ-કલાકાર અને વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની બનેલાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એમનાં પ્રશંસકો અને મીડિયા ફોટોગ્રાફરોને નાતાલ તહેવાર નિમિત્તે સાનંદાશ્ચર્ય આપ્યું. બંને જણ 25 ડિસેમ્બર, સોમવારે એમની દીકરી રાહા સાથે પહેલી જ વાર જાહેરમાં ઉપસ્થિત રહ્યાં હતાં. એમણે રાહાની સાથે મુંબઈના જુહૂ વિસ્તારની એક રેસ્ટોરન્ટની બહાર ઊભીને તસવીરકારોને પોઝ આપ્યાં હતાં. બંને જણ અત્યાર સુધી એમની પુત્રીને પાપારાઝી તસવીરકારોથી દૂર રાખતાં રહ્યાં હતાં.

રણબીરે એની નાનકડી રાજકુમારી રાહાને તેનાં હાથમાં તેડી હતી અને આલિયા બાજુમાં ઊભી હતી. રાહાને સફેદ રંગનું ફ્રોક પહેરાવ્યું હતું અને માથાં પર બે સુંદર નાનકડી પોનીટેલ્સ બાંધી હતી.

રણબીર અને આલિયાએ 2022ની 14 એપ્રિલે લગ્ન કર્યાં હતાં. તે જ વર્ષના જૂન મહિનામાં આલિયા ગર્ભવતી થઈ હોવાની જાહેરાત કરાઈ હતી. ગયા વર્ષની 6 નવેમ્બરે એમને ત્યાં એમનાં પ્રથમ સંતાન રૂપે દીકરીનો જન્મ થયો હતો જેનું નામ તેમણે રાહા રાખ્યું હતું.

આલિયાની ફિલ્મો આવી રહી છે ‘જિગરા’ અને ‘જી લે જરા’. રણબીરની ‘એનિમલ’ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ હતી. આ જ ફિલ્મની સિક્વલ ‘એનિમલ પાર્ક’માં પણ તે કામ કરવાનો છે.