સોમનાથ મંદિર સર્જનનું પ્રતિક છેઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 ઓગસ્ટ, શુક્રવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાસ્થિત આસ્થાના કેન્દ્રસમા સોમનાથ મંદિર ખાતે સમુદ્ર દર્શનપથ (પ્રોમિનેડ), જુના મંદિર પરિસરનું પુન:નિર્માણ તથા સોમનાથ પ્રદર્શન કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું હતું તથા સોમનાથ મંદિર પરિસરમાં શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ બધા પ્રકલ્પથી સોમનાથ મંદિર ખાતે માળખાકીય સુવિધાઓમાં વધારો થશે એવું તેમણે કહ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી.

મોદીએ એમના સંબોધનમાં કહ્યું કે, હું દેશના લોહપુરુષ સરદાર પટેલના ચરણોમાં પણ નમન કરું છું, જેમણે ભારતના પ્રાચીન ગૌરવને પુનર્જીવિત કરવાની ઈચ્છાશક્તિ દર્શાવી હતી. સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા.

પીએમ મોદીએ આ ઉપરાંત વિશ્વનાથથી સોમનાથ સુધી ઘણાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવનારાં લોકમાતા અહિલ્યાબાઈ હોલ્કરને પણ યાદ કર્યાં હતા.

દોઢ કિલોમીટર લાંબો સોમનાથ સમુદ્રપથ ‘પ્રસાદ’ યોજના (પિલ્ગ્રિમેજ રિજૂવેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, હૅરિટેજ ઑગ્મેન્ટેશન ડ્રાઇવ) હેઠળ રૂ. 47 કરોડથી વધુના કુલ ખર્ચે વિક્સાવવામાં આવ્યો છે. ‘ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર’ પરિસરમાં વિક્સાવાયેલા સોમનાથ એક્ઝિબિશન કેન્દ્રમાં જૂનાં સોમનાથ મંદિરના અલગ થઈ ગયેલાં ભાગોને અને જૂના સોમનાથની નગર શૈલીના મંદિર સ્થાપત્યના શિલ્પોને દર્શાવવામાં આવ્યા છે.

જૂના સોમનાથના પુન:નિર્મિત મંદિર પરિસરને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કુલ રૂ. 3.5 કરોડના ખર્ચે પૂર્ણ કરાયું છે. આ જૂનું મંદિર જર્જરિત અવસ્થામાં માલુમ પડતાં એ સમયે ઇન્દોરનાં મહારાણી અહિલ્યાબાઇએ બંધાવ્યું હોવાથી તે અહિલ્યાબાઇ મંદિર તરીકે પણ ઓળખાય છે. સમગ્ર જૂનું મંદિર પરિસર યાત્રાળુઓની સલામતી અને વિસ્તારિત ક્ષમતા માટે ફરી વિક્સાવાયું છે.

શ્રી પાર્વતી મંદિર કૂલ રૂ. 30 કરોડના ખર્ચે બાંધવાની દરખાસ્ત છે. એમાં સોમપુરા સલાટ પદ્ધતિએ મંદિર નિર્માણ, ગર્ભગૃહ અને નૃત્ય મંડપનો વિકાસ સામેલ છે. વડા પ્રધાને એમ પણ કહ્યું કે દેશમાં ધાર્મિક પર્યટનને મજબૂત કરવાની જરૂર છે, કારણ કે એનાથી રોજગારની નવી તકોનું નિર્માણ થઈ શકે છે. તેમજ ભાવિ પેઢીઓ દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓના મૂળ સાથે સંકળાયેલી રહી શકશે.

(તસવીરોઃ નરેન્દ્ર મોદી ટ્વિટર, પીઆઈબી)