“જે વિદ્વાન મનુષ્યો સર્વ રોગનાશક, આનંદ પ્રદાન કરનાર ઔષધિરસનું પાન કરીને પોતાના શરીર અને આત્માને પવિત્ર કરે છે તેઓ ધનવાન બને છે.” યજુર્વેદના 26મા સ્કંધની 25મી સંહિતાનો આ ભાવાર્થ છે.
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સુપ્રસિદ્ધ ફિલ્મ ’આનંદ’ અવિસ્મરણીય છે. તેમાં રમેશ દેવ ડૉ. પ્રકાશ કુલકર્ણીનું પાત્ર ભજવે છે. ફિલ્મમાં બે રસપ્રદ દૃશ્યો છે. એક દૃશ્યમાં ડૉ. કુલકર્ણી શ્રીમતી સંન્યાલનો રોલ કરનારાં લલિતાકુમારીને સલાહ આપે છે. અન્ય એક દૃશ્યમાં તેઓ શેઠ ચંદ્રનાથનો પાઠ ભજવી રહેલા આસિતકુમાર સેનને સલાહ આપતા નજરે પડે છે. આ બન્ને સીનમાં દરદીઓ પોતાની બીમારી વિશે ફરિયાદ કરે છે. આ બીમારીઓ સીધાસાદા વ્યાયામ કરીને તથા તંદુરસ્તીપૂર્ણ જીવનશૈલી અપનાવીને દૂર કરી શકાય છે. આમ છતાં બન્ને દરદીઓ દવા લેવા ઈચ્છતાં હોય છે. ડૉ. કુલકર્ણી તેમને પરીક્ષણો કરાવવાનું કહે છે અને તેમની માનસિક સ્થિતિના ઇલાજ માટેની દવાઓ આપે છે.
આવા જ પ્રકારની ઉદ્યોગપતિ ઈશ્વર વીરાણીની વાર્તા અગ્રણી ગુજરાતી સાપ્તાહિક ’ચિત્રલેખા’માં પ્રગટ થઈ હતી. હરકિશન મહેતાની ધારાવાહી નવલકથા ’મુક્તિ-બંધન’ની આ વાત છે. ઈશ્વર વીરાણીને ડાયાબિટીસ હતો. એક વખત લઘુશંકા કરવા માટે તેમણે ફાઇવસ્ટાર હોટેલમાં જવું પડે છે. તેઓ મોટા ઉદ્યોગપતિ હોવાના નાતે અન્ય કોઈ મહેમાન માટેનાં વૉશરૂમનો ઉપયોગ કરે એ યોગ્ય ગણાય નહીં. આથી તેઓ ફક્ત લઘુશંકા કરવા માટે ઓરડો ભાડે રાખીને હોટેલનું બિલ ભરે છે.
ભૌતિક સુખનો ઉપભોગ કરવા માટે શારીરિક અને માનસિક આરોગ્ય અત્યંત જરૂરી હોય છે. મસમોટી બૅન્ક બૅલેન્સ હોય, બ્લ્યુચિપ શેરોનો પોર્ટફોલિયો હોય એમ છતાં રોજિંદાં કાર્યો કરવામાં પણ જો વૉર્ડબોયની મદદ લેવી પડતી હોય તો એ સંપત્તિનો કોઈ અર્થ રહેતો નથી.
એક વખત દલાઈ લામાને પૂછવામાં આવ્યું હતું કે તમને મનુષ્યજાત વિશે સૌથી વધુ નવાઈ કઈ વાતની લાગે છે. તેના જવાબમાં તેમણે કહ્યું, “મનુષ્યની નવાઈ છે, કારણકે આ જીવ એવો છે જે પૈસા રળવા માટે પોતાના આરોગ્યનો ભોગ આપે છે અને પછી આરોગ્ય પાછું મેળવવા માટે પોતાના પૈસાનો ભોગ આપે છે. માણસ ભવિષ્ય માટે એટલે ચિંતાતુર હોય છે કે એ વર્તમાનનો આનંદ માણી શકતો નથી. પરિણામે, એ ભવિષ્ય જોવા જીવતો રહી શકતો નથી. એ એવી રીતે જીવે છે જાણે એને ક્યારેય મોત નથી આવવાનું અને પછી એવી રીતે મરી જાય છે જાણે એ ક્યારેય જીવ્યો જ ન હતો.”
બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબિટીસ, ડિપ્રેશન, વગેરેના દરદીઓ સતત વધી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં શ્રીમંતોના પરિવારજનો આ માંદગીઓમાં સપડાય છે. તેમણે રહેણીકરણી સંબંધિત બીમારીઓના ઇલાજ પાછળ ભરપૂર ખર્ચ કરવો પડે છે. બીમારીઓના ઇલાજ અને સારવાર પાછળ લાખોમાં ખર્ચ થઈ જાય છે. કૅન્સર જેવી બીમારી આવે ત્યારે તો હાલત ઘણી જ ખરાબ થઈ જાય છે. અમારા એક પરિચિતના ભત્રીજાને બ્લડ કૅન્સરની સારવાર માટે લંડન લઈ જવો પડ્યો હતો. ત્યાં તેની સારવારનો ખર્ચ 1.75 કરોડ રૂપિયા થયો. એ પરિવાર તો ખર્ચ કરી શક્યો, પરંતુ બીજાં એવાં કેટલાંય કુટુંબો હશે જેઓ આ માંદગીને લીધે સાવ ઘસાઈ જતા હશે.
ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મારી પાસે એવા પરિવારોના પણ ફોન આવે છે, જેમના ઘરમાં કોઈ વ્યક્તિ ગંભીર માંદગીથી પિડાતી હોય. તેમને પોતાની નાણાકીય સ્થિતિ સાચવી લેવા બાબતે સલાહની જરૂર હોય છે. ભગવાને ભલે તેમને પૂરતું ધન આપ્યું હોય, પણ એક સ્વજનની સારવાર પાછળ ધન ક્યારે ખૂંટી જાય એ કહી શકાતું નથી.
ઉક્ત સંહિતા ધનવાન બનવા અને ધન ટકાવી રાખવા માટે શારીરિક સ્વાસ્થ્ય પર ખાસ ભાર મૂકે છે. તમે જો ડૉક્ટરની ફી, દવાઓ, પરીક્ષણો, વગેરે ખર્ચની ગણતરી માંડો તો અમુક વર્ષોમાં અનેક લાખ રૂપિયા ખર્ચાઈ ગયાનું તમને ધ્યાનમાં આવશે. એ ધન તમારી તિજોરીમાંથી ઓછું થયું ગણાય અને નાણાકીય ક્ષેત્રની વ્યક્તિ તરીકે હું એમ પણ કહી શકું કે જો એટલાં જ નાણાંનું યોગ્ય રોકાણ થયું હોત તો તે અનેક ગણું વધી ગયું હોત.
ખોવાયેલું સ્વાસ્થ્ય પાછું મેળવવા માટે કરવામાં આવતો ખર્ચ ફક્ત નાણાંનો વ્યય નથી. એ વ્યય તો છે આપણા પરિશ્રમનો, જે આપણે ધન કમાવા માટે કર્યો હોય છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)