ભૂતકાળનો બોજ આપણને સંપત્તિના આનંદથી પણ વંચિત રાખે છે

થોડા દિવસો પહેલાંની વાત છે. હું સોશિયલ મીડિયા પર એક વિડિયો જોઈ રહ્યો હતો. તેમાં એક વૃદ્ધ બૌદ્ધ ભિખ્ખુ અને એમના શિષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલની મધ્યમાં નદી વહી રહી હતી. તેઓ નદીમાં પગ મૂકવાની તૈયારીમાં જ હતા ત્યાં એક યુવતીએ એમની પાસે મદદ માગી. એ યુવતી નદી પાર કરવા માગતી હતી. બન્ને ભિખ્ખુઓએ એકબીજા સામું જોયું. એ વૃદ્ધ ભિખ્ખુએ યુવતીને ખભે ઉપાડીને નદી પાર કરાવી દીધી. નદીના સામા કિનારે એને ઉતારીને તેઓ ચાલવા લાગ્યા. એકાદ કલાક થયો હશે ત્યાં યુવાન શિષ્યને બેચેની થવા લાગી. એ પોતાના ગુરુને કંઈક પૂછવા માગતા હતા, પરંતુ સંકોચ થતો હતો. આખરે એમનાથી રહેવાયું નહીં અને એમણે પૂછ્યું, “આપણને મહિલાઓ સાથે બોલવા-ચાલવાની મનાઈ છે, છતાં તમે એ યુવતીને ખભે ઉપાડીને નદી પાર કરાવી?” ગુરુએ જવાબ આપ્યો, “મેં તો એ ભાર ક્યારનો ઉતારી દીઘો, તું કેમ હજી તારા મનમાં એ ભાર લઈને ફરે છે?”

યુવાન ભિખ્ખુ આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવાને બદલે બીજું જ કંઈક વિચારી રહ્યા હતા. આથી કુદરતની મહેરથી વંચિત રહી ગયા.

આ યુવા ભિખ્ખુ જેવું જ આપણું પણ વર્તન હોય છે. આપણે હંમેશાં ભૂતકાળનો ઘણો મોટો બોજ લઈને ચાલતા હોઈએ છીએ અને તેને કારણે વર્તમાનની આનંદની ક્ષણોને માણવાનું ચૂકી જઈએ છીએ. ભૂતકાળનો બોજ એક સમયે એટલો બધો વધી જાય છે કે આપણે તેનાથી ગૂંગળાઈ જઈએ છીએ અને એ બોજ એક યા બીજા સ્વરૂપે શરીર અને મનની બીમારી બની જાય છે. જો આપણે એ બોજને માથા પરથી ઉતારી શકીએ તો જ વર્તમાનનો આનંદ માણી શકીએ છીએ.

“એણે મારી સાથે જે કર્યું એ હું ક્યારેય ભૂલી નહીં શકું”, એવું કોઈના મોંઢે તમે સાંભળો ત્યારે સમજી જવાનું કે એ લાગણી ભવિષ્યમાં એને કોઈક રીતે નુકસાન કર્યા વગર નહીં રહે. એ માણસ કોઈકના વર્તનથી એક વખત તો વ્યથિત થયો, પણ એ ઘટનાને યાદ રાખીને જીવનમાં વારંવાર વ્યથિત થયા કરશે.

મારા એક ક્લાયન્ટ – અશ્વિન કશ્યપે મને એક દિવસ કહ્યું હતું, “મારી કિશોરવસ્થામાં મારા પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ હતી. અમે રોજના ખર્ચ પૂરા કરી શકતા હતા, પરંતુ બચત કરવાનું અમારા માટે શક્ય ન હતું. મારા મિત્રો હંમેશાં મારી અવગણના કરતા. આજે હવે મારી પાસે પૈસા આવી ગયા છે તેથી હું એમને મારો રુબાબ બતાવવાનું ક્યારેય ચૂકીશ નહીં.” અશ્વિનના મિત્રોએ ખરેખર એની અવગણના કરી હતી કે નહીં એ તો આપણને ખબર નથી, પરંતુ એણે મિત્રોના વર્તનનું જે અર્થઘટન કર્યું તેના પરથી કહી શકાય કે આજે પણ એને મિત્રો સાથે ફાવતું નહીં હોય; કદાચ એને કોઈની સાથે ગાઢ મૈત્રી પણ નહીં હોય.

યોગિક સંપત્તિ બીજાને ‘દેખાડી દેવું‘, અન્યોના જીવનધોરણ સાથે સરખામણી કરવી, બીજાઓ પોતાના વિશે શું વિચારશે એવો વિચાર કરવો એ બધા બોજથી મુક્ત થવાનું શીખવે છે. જો સંપત્તિનો આનંદ માણવો હોય તો આ બધા બોજ દૂર કર્યે જ છૂટકો. બોજ હેઠળ દબાઈને સર્જાયેલી સંપત્તિ ક્યારેય સુખ આપી શકે નહીં. મહેનતથી રળેલી સંપત્તિનો પ્રસન્નતાપૂર્વક ઉપભોગ કરવા માટે બોજથી હળવા થવું જરૂરી છે. ભગવાને આપણને સંપત્તિ આપીને કરુણા દાખવી છે. આપણે જાતે ઊભા કરેલા બોજ હેઠળ દબાઈ જઈએ છીએ અને ઈશ્વરકૃપાની અવગણના કરીએ છીએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)