મહર્ષિપિતૃદેવાનાં ગત્વાનૃણ્યં યથાવિધિ ।
પુત્રે સર્વં સમાસજ્ય વસેન્માધ્યસ્થ્યં આશ્રિતઃ ।।4.257।।
મનુસ્મૃતિના શ્લોક 4.257માં વાનપ્રસ્થાશ્રમ વિશે અગત્યનો બોધ આપવામાં આવ્યો છે. વૃદ્ધાવસ્થાને માંદગી અને મૃત્યુ એ બન્ને અભિશાપ ઉપરાંતનો ત્રીજો અભિશાપ કહેવામાં આવે છે. આ શ્લોકમાં કહેવાયું છે કે મનુષ્યે બાહ્ય જગતનો ત્યાગ કરીને અંતરાત્માની ખોજ શરૂ કરવી જોઈએ.
અહીં આપણે ફરી એક વખત ધન-સંપત્તિની ચર્ચા સુધી જ મર્યાદિત રહીશું.
ઘણા વડીલો 65, 70 કે તેનાથી પણ મોટી ઉંમરે પોતાનાં કામ-ધંધો છોડતા નથી. તેમને આંતરિક જગતમાં ડોકિયું કરવા માટે ઘણી તકલીફ પડે છે. જો કે, તેમને કહેવાનું કે પોતાનાં કામ-ધંધામાંથી નિવૃત્ત થઈને અંતરમનની યાત્રા શરૂ કરવી જોઈએ.
નોકરિયાતો માટે તો નિવૃત્તિની ઉંમર પહેલેથી નક્કી હોય છે. એ દિવસે આપોઆપ તેમણે નિવૃત્ત થઈ જવું પડે છે. જો કે, પોતાનો વ્યવસાય કરતા વ્યાવસાયીઓ અને બિઝનેસમેનો માટે નિવૃત્તિની કોઈ મર્યાદા નથી હોતી. આથી તેમણે પોતે જ એના વિશે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જો તેઓ એ ના કરી શકે તો લાગણીના વમળમાં ફસાઈ જવાનું જોખમ હોય છે.
મારી જાણમાં મહેશભાઈ નામના એક વડીલ છે. તેઓ કેમિકલ માર્કેટમાં વેપારી છે. આખી જિંદગી તેમણે સંઘર્ષ કર્યો છે, પરંતુ છેલ્લાં પંદર વર્ષોથી તેમને ઘણી જ રાહત છે. તેમના બન્ને દીકરાઓ તેમના બિઝનેસમાં સારી રીતે ગોઠવાઈ ગયા છે. એટલું જ નહીં, તેમણે બિઝનેસનો વિસ્તાર પણ કર્યો છે. તેમની દીકરી લગ્ન કરીને આગ્રામાં સાસરે આનંદમંગલમાં છે. દીકરાઓએ અનેકવાર વિનંતી કરી હોવા છતાં મહેશભાઈ ઑફિસે જવાનું બંધ કરતા નથી. ક્યારેક તેમને તબિયત પણ સાથ આપતી નથી, પરંતુ તેમની મુખ્ય સમસ્યા એ છે કે ઘરે સમય કેવી રીતે કાઢવો એની એમને જરા પણ ખબર નથી પડતી. તેમને કોઈ શોખ-હૉબી નથી અને ક્યારેક તેઓ ઑફિસે જાય છે ત્યારે કોઈકનું પૅમેન્ટ મોડું પડ્યું હોય અથવા તો ડિલિવરી મોડી પડી હોય કે પછી કર્મચારીઓને લગતા પ્રશ્નો હોય તો તેઓ ઊંચા-નીચા થઈ જાય છે. તેમના દીકરાઓ આ બધી પરિસ્થિતિને સંભાળી લે એવા કાબેલ છે. તેમના પરિવાર પાસે સંપત્તિ પણ સારા એવા પ્રમાણમાં છે.
ફક્ત મહેશભાઈ નહીં, ઘણા વડીલો આવા જ પ્રકારની સમસ્યા ધરાવે છે. તેઓ મનમાં ડોકિયું કરવાની – અંતરાત્માની ખોજ કરવાની સ્થિતિ માટે તૈયાર હોતા નથી. જો બાહ્ય જગતમાંથી બહાર નીકળીને અંદર તરફની યાત્રા શરૂ ન થાય તો વૃદ્ધાવસ્થા અભિશાપ બની શકે એમ છે. બાહ્ય જગતને લીધે મોટી ઉંમરે તબિયતને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે, બીજી કોઈ તકલીફ આવી શકે છે.
વધુ ને વધુ વડીલો તબિયત સારી ન હોવા છતાં યુવાનોની જેમ બહાર ખાવું બહાર હરવું-ફરવું, લોકોની સાથે ટોળટપ્પાં કરવાં, એ બધી પ્રવૃત્તિઓમાં રુચિ લેતા હોય છે. આ બધું તો ગૃહસ્થાશ્રમમાં કરવાનું હોય છે, કારણ કે એ સમયે માણસ સશક્ત હોય છે, ભાવનાત્મક રીતે મજબૂત હોય છે અને પરિપક્વતા હોય છે. વૃદ્ધાવસ્થામાં પરિપક્વતા હોય છે, પરંતુ શારીરિક શક્તિ ક્ષીણ થતી જાય છે અને લાગણીઓમાં ઉતાર-ચડાવ આવવા લાગે છે અને બુદ્ધિ પણ ક્ષીણ થતી જાય છે. તેથી જ ઈશ્વરની સમીપ જઈને વૃદ્ધાવસ્થાનો આનંદ માણવો જોઈએ. મનની અંદર ઊંડા ઊતરવા માટે પુસ્તકો વાંચી શકાય, કોઈ સખાવતી સંસ્થાની સાથે સંકળાઈને કાર્ય કરી શકાય, તેને મદદ કરી શકાય, મેડિટેશન કરી શકાય, સંગીત સાંભળી શકાય, વગેરે અનેક પ્રવૃત્તિઓ કરી શકાય છે. તેનાથી વિપરીત, જો ટીવી, સ્માર્ટફોન, ટૅબ્લેટ, વગેરેની સાથે જોડાયેલા રહેવામાં આવે તો મગજ ચકરાવે ચડી જાય છે. તેનું કારણ એ છે કે બાહ્ય જગતના દેખાતી દરેક વસ્તુ નવા તરંગો લઈને આવે છે અને એ તરંગો માનસિક-ભાવનાત્મક સમતુલાને બગાડી નાખે છે.
મનુસ્મૃતિમાં એમ નથી કહેવાયું કે માણસે ઘરબાર છોડીને જંગલમાં રહેવા જવું જોઈએ. તેમાં તો એમ જ કહેવાયું છે કે કામ-ધંધાની ધુરા નવી પેઢીને સોંપીને જાત સાથેનો સંવાદ શરૂ કરવામાં આવવો જોઇએ. આપણા અંતરાત્માને સાથે વાત કરવાને બદલે બાહ્ય જગતની સાથે સંધાન સાધવાનું મોટી ઉંમરે ઓછું કરી દેવું જોઈએ. જ્યારે આવું થાય ત્યારે વૃદ્ધાવસ્થા અભિશાપ નહીં, પણ આનંદ બની રહે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)