સ્વામિનારાયણ સંપ્રદાયની સુપ્રસિદ્ધ શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 152માં કહેવાયું છેઃ પોતાના કામકાજ માટે મજૂર બોલાવ્યા હોય તો તેમને પહેલેથી નક્કી થયું હોય એટલું ધન કે ધાન્ય આપવું; તેનાથી ઓછું જરાય આપવું નહીં. કોઈને કરજ આપ્યું હોય તો એ વાત કોઈનાથી છાની રાખવી નહીં; પોતાનો વંશ કે કન્યાદાન પણ છાનું રાખવું નહીં. દુષ્ટ લોકો સાથે વ્યવહાર નહીં કરવો.
નાણાકીય વ્યવહારને લગતા ઘણા જ અગત્યના મુદ્દા આ શ્લોકમાં છે. એક, બોલેલું પાળવું. બે, કરજની ચૂકવણી કર્યાનો દસ્તાવેજ રાખવો અને ત્રણ, દુષ્ટ લોકો સાથે વ્યવહાર કરવો નહીં.
રોજબરોજના જીવનમાં આપણાં અનેક કામ કરી આપનારા લોકો સાથે કે સમાજ કે સમુદાય સાથે વ્યવહાર કરતી વખતે દરેકને યોગ્ય મોંબદલો આપવો જરૂરી છે. કામ માટે નક્કી કરાયેલા દામની ચૂકવણી કરી જ દેવી જોઈએ. કંપનીઓએ કર્મચારીઓને પગાર આપ્યો ન હોય એવા કિસ્સા યાદ કરો. એ કંપનીઓના માલિકો, તેમની કંપનીઓ તથા તેમના પરિવારોની શું હાલત થાય છે?
ઍરલાઇન્સના બિઝનેસમાં ઘૂસીને પાયમાલ થયેલા દારૂના ધંધાના એક અગ્રણી ઉદ્યોગપતિએ કર્મચારીઓને પગાર ચૂકવ્યો નહીં હોવાનું બહાર આવ્યું છે. આજે એ વ્યક્તિએ દેશની બહાર ભાગી જવું પડ્યું છે. અહીં કર્મચારીઓને ઉક્ત શ્લોકનો ત્રીજો મુદ્દો લાગુ પડે છે. તેમણે કૌભાંડી વ્યક્તિની કંપનીમાં કામ કર્યું અને તેથી તેમણે મહેનતાણું ગુમાવવાનો વખત આવ્યો.
મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે અનૈતિક લોકો સાથે કામ કરવાથી કે સંકળાવાથી આખરે માણસે પોતાના ભાગનું પણ ગુમાવવાનો વખત આવે છે. નઠારા માણસો પોતે તો ચૂકવણીમાં ધાંધિયા કરે ને કરે જ, પણ ક્યારેક બીજાઓને પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોટાં કામમાં ધકેલતા હોય છે. એવા માણસે પોતે કરેલા ગુનાઓની સજા બીજાઓએ ભોગવવી પડે એવા પણ દાખલા છે.
અહીં મને ઘણા ઓછા સમયમાં ઉંચા વળતરનું વચન આપતી એવી સ્કીમો યાદ આવે છે, જેમાં લોકો પોતાની મહેનતની કમાણી રોકે છે અને પછી મુદ્દલ પણ ગુમાવી બેસે છે. આવી સ્કીમો શરૂ કરનારા લોકો કપટી હોય છે અને પોતાનાં વચનો પાળતા નથી તથા પોતાની સાથે સંકળાયેલા લોકોની જીવનભરની કમાણીનું નુકસાન કરાવે છે.
તમે પોન્ઝી સ્કીમનું નામ તો સાંભળ્યું જ હશે. લુચ્ચા લોકો ઉંચા વળતરની લાલચ બતાવીને આવી સ્કીમો શરૂ કરે છે. પોન્ઝી સ્કીમ શરૂ કરનારા મોટાભાગના લોકો પોલીસના સકંજામાં આવી જતા હોય છે. તેને પગલે રોકાણકારોએ નાણાં ગુમાવવાનો વખત આવે છે. ટૂંકા ગાળામાં શ્રીમંત બનાવવાની લાલચ આપનારી આવી સ્કીમો વાસ્તવમાં માણસને ટૂંકા ગાળામાં ગરીબ બનાવી દે છે.
કરજની પરત ચૂકવણીનો મુદ્દો પણ ઉક્ત શ્લોકમાં છે. આ બાબતે મને મારા એક ક્લાયન્ટનો કિસ્સો યાદ આવે છે. તેઓ પોતાની કિશોરાવસ્થાની વાત મને કરી રહ્યા હતા. તેમના પિતા અચાનક હાર્ટ ઍટેકથી ગુજરી ગયા ત્યારે તેમની ઉંમર 19 વર્ષની હતી. તેમના પિતા મેટલ માર્કેટમાં વેપારી હતા. પિતાના મૃત્યુ બાદ અનેક લોકો તેમના પિતાએ લીધેલું કરજ પાછું મેળવવા આવવા લાગ્યા. તેમના પિતાજી નોંધ રાખવામાં કાચા હતા. તેને લીધે મારા ક્લાયન્ટે કરજ ચૂકવવા માટે પોતાની અનેક મિલકતો વેચી દેવી પડી. છેવટે, તેમના પિતાએ ખરેખર કરજ લીધાં હતાં કે કેમ એ સવાલ ઊભો ને ઊભો જ રહ્યો.
ઉપરોક્ત ત્રણે મુદ્દાઓના દાખલા આપણને વાસ્તવિક જીવનમાંથી મળી આવ્યા એ જ બાબત દર્શાવે છે કે તેમનું કેટલું મૂલ્ય છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)