લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું અનેરું માહાત્મ્ય છે. તેના શ્લોક ક્ર. 120માં કહેવાયું છેઃ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણે કામ દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્યને ધ્યાનમાં રાખીને કરવાં.

આ શ્લોક પરથી મને એક ગુજરાતી કહેવત યાદ આવે છેઃ “લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.” આ કહેવત મેં બાળપણમાં સાંભળી હતી, પરંતુ એ સમયે તેમાં કંઈ સમજાયું નહીં. તેનો અર્થ હું કૉલેજમાં આવ્યો એ સમયે સમજાયો. એક દિવસ મારા મિત્રે 200 રૂપિયા ઉછીના માગ્યા. 1988માં આ રકમ પણ ઘણી મોટી હતી. તેને બીજા અમુક મિત્રો જોડે પિકનિક પર જવું હતું તેથી તેણે પૈસા માગ્યા હતા. તેની સાથે વાત કરતાં કરતાં ખબર પડી કે તેને ફરવા જવાનું પરવડતું ન હતું, પરંતુ મિત્રોને ખૂલીને ના નહીં પાડી શકતો હોવાથી તેણે જવા માટે હા પાડી હતી.

ઘણી વાર આપણે લોકોને કહેતાં સાંભળીએ છીએ કે સમાજમાં રહેવું હોય તો આર્થિક દૃષ્ટિએ પરવડતું ન હોવા છતાં અમુક રીતિ-રિવાજોનું પાલન કરવું જરૂરી છે.

અહીં મારા પરિચિત સુરેશ ઐયરનો દાખલો લઈએ. અર્થતંત્રની પ્રગતિ ધીમી પડી તેની અસર ઐયર કંપની પર પણ પડી હતી. તેણે અનેક કર્મચારીઓની છટણી કરવી પડી હતી. સદનસીબે સુરેશે નોકરી ગુમાવવાનો વખત ન આવ્યો, પરંતુ તેમના પગારમાં 25 ટકાનો કાપ મુકાયો. તેમનું નાણાકીય આયોજન બરોબર હોવાથી તેઓ રાબેતા મુજબના ખર્ચમાં થોડા ફેરફાર કરીને પોતાની કાર લૉનની ઈએમઆઇની ચૂકવણી પૂરી કરી શક્યા. જોકે, તેમના મિત્રોએ વૅકેશનમાં યુરોપ જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ઐયર અને તેમનાં પત્ની પ્રિયા દ્વિધામાં સપડાઈ ગયા. પ્રિયા તો ચોખ્ખું કહી દેવા તૈયાર હતી કે તેમને યુરોપ જવાનું નહીં પરવડે, પરંતુ સુરેશને એમ કહેવામાં સંકોચ થતો હતો. આથી તેઓ બન્ને મારી સલાહ લેવા આવ્યાં. મેં પ્રિયાનું સમર્થન કર્યું અને સુરેશે કચવાતા મને માની લીધું.

થોડા મહિનાઓ પછી તેઓ મને કોઈ જગ્યાએ મળ્યાં ત્યારે બન્નેએ મારો આભાર માન્યો. તેમણે યુરોપ જવાનું માંડી વાળ્યું તેથી તેમની આર્થિક સ્થિતિમાં વાંધો નહીં આવ્યો. તેમનાથી વિપરીત, અન્ય એક યુગલ ગજા બહારનો ખર્ચ કરીને યુરોપ ગયું અને પછી તેમના પર કરજનો બોજ ઘણો વધી ગયો અને રોજિંદા ખર્ચ પૂરા કરવામાં પણ તકલીફ પડવા લાગી.

સરખે-સરખા લોકો જ્યારે કોઈ વાત માની લેવાનું કહે ત્યારે એક પ્રકારનું દબાણ અનુભવાતું હોય છે. તેને અંગ્રેજીમાં તેને પિઅર પ્રેસર કહેવાય છે. આવા દબાણને વશ થવાને બદલે પોતાની ચાદર હોય એટલી જ સોડ તાણવાની કહેવત અનુસાર વર્તવું.

સામાજિક પ્રથાઓને અનુસરવાની વાત ભારતમાં ફક્ત કોઈ એક સમાજને કે વર્ગને નહીં, દરેક સામાજિક વર્ગને લાગુ પડે છે. અમારા ઘર નોકરો દેશમાં કોઈ ગુજરી ગયું હોય તો તેમનું કારજ કરવા માટે અનેક વાર અમારી પાસે નાણાં ઉછીનાં લઈ જતાં હોય છે. તેમના વિશે સાંભળીને કેટલાક લોકો કહી દે છે કે અભણ હોવાથી તેઓ આવા નકામા ખર્ચ કરે છે, પરંતુ જ્યારે પોતાના ઘરમાં જન્મદિવસની ઊજવણી કરવાની વાત આવે ત્યારે એ જ ટીકાકાર લોકો પોતાના સામાજિક મોભા અનુસાર સ્થળની પસંદગી કરે છે. લગ્નપ્રસંગોમાં તો આવું ખાસ જોવા મળે છે. વેવાઈની સામે પોતાનું ખરાબ દેખાય નહીં એવું જ બધા વિચારતા હોય છે.

શિક્ષાપત્રીના ઉક્ત શ્લોકમાં સામર્થ્ય સહિતનાં અનેક પાસાં જણાવાયાં છે, પરંતુ આપણે ફક્ત સામર્થ્યના પાસા પર નજર કરીએ. આપણે સામાજિક દબાણ કે પિઅર પ્રેસરને તાબે થઈ જઈએ છીએ તેની પાછળ અટૂલા પડી જવાનો ડર જવાબદાર હોય છે. લોકો મારા વિશે શું કહેશે? શું તેઓ મારી હાંસી ઉડાવશે? શું હું બધા કરતાં અલગ પડી જઈશ? વગેરે પ્રશ્નો સતાવવા લાગે છે. આવા વખતે અસલામતી સતાવે છે અને અસલામતીની પાછળ આપણો અહમ્ કામ કરતો હોય છે. આપણો સ્વ સાથેનો સંપર્ક તૂટે ત્યારે મનમાં અસલામતી ઘર કરી જાય છે. સ્વત્વથી જેટલા દૂર થતાં જઈએ તેટલા આપણો અહમ્ અને અસલામતી વધતાં જાય છે. થોડા જ વખતમાં ઈર્ષ્યા તથા અન્ય ગ્રંથિઓ જન્મે છે. આવા સમયે ખરેખર તો આપણે ફરી સ્વની નજીક જવું જોઈએ, પરંતુ એમ કરવાને બદલે આપણે બાહ્ય જગત સાથે સંકળાવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. ખરું પૂછો તો, બાહ્ય જગત ક્ષણભંગુર અને સાપેક્ષ છે. આપણે તેને જેમ જેમ વધુ વળગી રહેવાનો પ્રયાસ કરીએ છીએ તેટલી જ વધુ ને વધુ અસલામતી વર્તાય છે. અસલામતી વધતાં આપણે તેની પકડ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને છેવટે એવો તબક્કો આવે છે જ્યારે આપણે ગમે તેટલો ખર્ચ કરી દઈએ તોપણ કોઈ બાબત આનંદ આપી શકતી નથી.

નવી દિલ્હીમાં રહેતા મારા ક્લાયન્ટ રાકેશ સોબતી ઘણી વાર કહે છે કે હું રીતિ-રિવાજોને લીધે ઘણો ઘસાઈ ગયા બાદ પણ મને લાગે છે કે હું એકલો રહી ગયો. આનું કારણ એ છે કે આ રીતે હું મારું સ્વત્વ છોડી દઉં છું. ખર્ચ કરવામાં કંઈ ખોટું નથી. પણ જો તેમાં આનંદ આવવાને બદલે ફક્ત સામાજિક દબાણને કારણે એમ કરવું પડતું હોય તો એ ખોટું છે એટલું તો ચોક્કસ કહી શકાય.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)