સ્ત્રીધનનો ઉપયોગ પુરુષ ઘર ચલાવવા માટે કરે એ પાપ છે

સ્ત્રીધનાનિ તુ યે મોહાદુપજીવન્તિ બાન્ધવાઃ ।

નારી યાનાનિ વસ્ત્રં વા તે પાપા યાન્ત્યધોગતિમ્ ।।3.52।।

જે પતિ, પિતા, વગેરે સંબંધીઓ ઘરની વહુ-દીકરીનાં ઘરેણાં, કપડાં, વાહનો, વગેરે વસ્તુઓ વેચી-સાટીને જીવનનિર્વાહ કરે છે તેઓ આખરે નરકમાં જાય છે.

અહીં મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 3.52માં લખાયેલી વાતનો ઉલ્લેખ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પુરુષે સ્ત્રીના ધનનો ઉપયોગ કરવો જોઇએ નહીં. અહીં આપણી ચર્ચા આગળ વધારતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં નોકરી કરતી કે વ્યવસાય કરતી મહિલાના પગારને આ ચર્ચા લાગુ પડતી નથી. ચર્ચાનો મુદ્દો સ્ત્રીધનને વટાવી ખાવાનો છે.

સ્ત્રીઓ અને પૈસાની વાત આવે ત્યારે બે મહત્ત્વપૂર્ણ ભારતીય તહેવારો યાદ આવે છે. એક છે ભાઈબીજ, જે દિવાળીના તહેવારની ઊજવણીનો હિસ્સો છે અને બેસતા વર્ષ પછી આવે છે. બીજો તહેવાર છે રક્ષાબંધન. આપણને પ્રાચીન કાળથી કહેવામાં આવ્યું છે કે પરિવારની પરિણીત પુત્રીઓનો પણ પરિવારના બિઝનેસમાં ભાગ હોય છે. ભલે તેઓ રોજિંદા બિઝનેસમાં સક્રિયપણે ભાગ લેતી ન હોય અને લગ્ન પછી કદાચ દૂરના સ્થળે રહેતી હોવાને લીધે નિર્ણય લેવામાં પણ દરમિયાનગીરી કરતી ન હોય, છતાં બિઝનેસમાં થતા નફામાં તેમનો હિસ્સો હોય છે.

ભાઈબીજના દિવસે ભાઈ બિઝનેસમાં થયેલા નફામાંથી બહેનના ભાગનો નફો લઈને તેના ઘરે જાય છે. આ નફાની ગણતરી લક્ષ્મીપૂજનના દિવસે એટલે કે દિવાળીના દિવસે તૈયાર થતાં સરવૈયા પરથી કાઢવામાં આવે છે. યુવાન વાચકોને અહીં ખાસ જણાવવાનું કે પહેલાંના વખતમાં અકાઉન્ટિંગ વર્ષ અને નાણાકીય વર્ષ દિવાળીથી દિવાળી સુધીનું જ હતું.

બીજો તહેવાર રક્ષાબંધન છે. વિવિધ પાક લણવાની મોસમના અંત ભાગમાં આ તહેવાર આવે છે. ભાઈઓ પોતાના પરિવારની ખેતીની પ્રવૃત્તિમાં થતા નફામાંથી બહેનનો હિસ્સો રક્ષાબંધનના દિવસે તેમને આપે છે. આ રીતે દીકરીઓ-બહેનોને તેમનો હિસ્સો મળતો રહે છે અને તેઓ આર્થિક દૃષ્ટિએ સ્વતંત્ર રહી શકે છે. અહીં ખાસ જણાવવાનું કે પરિવારના વ્યવસાયમાં દીકરીઓ-બહેનો માટેનો હિસ્સો દાનમાં નહીં, પરંતુ તેમના હક પેટે આપવામાં આવે છે.

હવે આપણે મનુસ્મૃતિના શ્લોક પર પાછા આવીએ. પરંપરાગત રીતે મહિલાઓની ભૂમિકા પરિવારની દેખરેખ રાખવાની છે. મહિલાઓ સ્વભાવગત જ કાળજી રાખનાર અને પ્રેમાળ હોય છે તથા સંબંધોને ટકાવી રાખવાની શક્તિ ધરાવે છે. અહીં ખાસ કહેવાનું કે તેઓ અભ્યાસ કરીને કારકિર્દી ઘડવાની પણ એટલી જ હકદાર છે. આપણે તો એવી મહિલાઓ પણ જોઈ છે કે જેઓ કારકિર્દી ઘડવાની સાથે-સાથે ઘર-પરિવારનો બોજ પણ વહન કરે છે. તેમને જોઈને વંદન કરવાનું મન થઈ જાય છે. આ મહિલાઓ અદ્ભુત ક્ષમતા ધરાવતી હોય છે.

પહેલાંના વખતમાં પુરુષનું કામ ઘરની બહાર નીકળીને શિકાર કરવાનું રહેતું. સમય જતાં તેમાં પરિવર્તન આવતું ગયું અને મનુષ્ય વધુ સુસંસ્કૃત બનતો ગયો. શિકાર કરવાનું બંધ કરીને ખેતી તથા અન્ય વ્યવસાય શરૂ થયા અને મહિલાઓ વધુ સમય ઘરમાં ગાળવા લાગી. સ્ત્રી પરિવારની દેખભાળ રાખે છે તેથી તેની આર્થિક જરૂરિયાત પૂરી કરવી જોઈએ એવા વિચારને પગલે તેમની આર્થિક સલામતી માટે તેમને નિયમિત રીતે કોઈક ને કોઈ સ્વરૂપે ભેટ આપવાની પ્રથા શરૂ થઈ. અહીં ખાસ કહેવાનું કે આ ભેટ તેમના અમૂલ્ય કામના મહેનતાણા સ્વરૂપે નથી હોતી. તેમને રોકડ અને ઘરેણાં આપવાનું વિવિધ પ્રસંગોએ કે તહેવારે બનતું હોય છે. મહિલાઓને આપવામાં વિવિધ ભેટો એમની જ મિલકત હોય છે. તેમની સલામતી માટે એ આવશ્યક હોય છે. તેનો ઉપયોગ તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે છે. વળી, તેમણે આર્થિક જરૂરિયાતો માટે કોઈના પર નિર્ભર રહેવું ન પડે કે કોઈની લાચારી કરવી ન પડે એ ઉદ્દેશ્ય હોય છે.

મહિલાઓની આર્થિક સુરક્ષાની જે વાત આપણે આજે કરી રહ્યા છીએ એની ચર્ચા મનુસ્મૃતિમાં સદીઓ પહેલાં થઈ ગઈ એ નોંધનીય બાબત છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)