ડર અને તાણ આપે એવી આવક અને સંપત્તિ નિરર્થક છે

ધર્મ મનમાં હોય છે કે આચરણમાં? સામાન્ય રીતે લોકો ધર્મ અને અધર્મને આચરણ સાથે સરખાવતા હોય છે. દા.ત. કોઈ વડીલ રોજ મંદિરે જાય, પૂજાપાઠ કરે, પવિત્ર દિવસોએ ઉપવાસ કરે અને અનુષ્ઠાનો માટે મોટી રકમ દાનમાં આપે તો એને ધાર્મિક વ્યક્તિ કહેવાય છે અને કોઈ યુવાન પબમાં જાય, ક્યારેક દારૂ પીએ, મંદિરે ન જાય અને ઉપવાસ ન કરે તો એને અધાર્મિક વ્યક્તિ કહેવાય છે.

આપણે આ બન્ને વ્યક્તિઓની માનસિકતા વિશે ઉંડા ઊતરીએ. મંદિરે જનાર વૃદ્ધ વ્યક્તિ રસ્તામાં હંમેશાં યુવતીઓને કુદૃષ્ટિએ જોયા કરતાં હોય છે અને જ્યારે પણ કોઈ દાન કરે ત્યારે પોતાનું નામ મોટા અક્ષરે લખાય કે છપાય એવો આગ્રહ રાખે છે. તેઓ દાનમાં મોટી રકમ ખર્ચી નાખે છે, પણ ફેરિયાઓ, દૂધવાળા, શાકવાળા, વગેરે સાથે નાની-નાની રકમ માટે ભાવતાલ કરતા હોય છે.

બીજી બાજુ, યુવાન જ્યારે પણ કોઈ યુવતીની સામે લાગણી પ્રદર્શિત કરવા માટે તેને ભેટે ત્યારે ઘણો સંયમ રાખે છે, ક્યારેક કોઈ સ્ત્રીમિત્ર નશામાં આવી જાય તો એને ઘરે મૂકીને આવે છે; ક્યારેય એ સ્થિતિનો ગેરલાભ ઉઠાવતો નથી, દર શનિવારે-રવિવારે સામાજિક સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા બજાવે છે અને ક્યારેય એ સંસ્થાઓ પાસેથી કોઈ લાભ મેળવવાની અપેક્ષા રાખતો નથી.

હવે તમે જ કહો, આમાં ધાર્મિક કોણ અને અધાર્મિક કોણ?

હાલમાં અમારા એક પરિચિતને મળવાનું થયું. તેઓ હાલ નિવૃત્ત જીવન જીવે છે. તેમણે કહ્યું કે હવે તેઓ વધુ ધાર્મિક બની ગયાં છે. હું ગૂંચવાઈ ગયો. મને પ્રશ્ન થયો કે ધાર્મિક બનવું એટલે શું? શું તેઓ અત્યાર સુધી ધાર્મિક ન હતાં કે ઓછાં ધાર્મિક હતાં? આ સવાલોના જવાબ મળે એ માટે મેં એમને ખુલાસો કરવા કહ્યું. તેમણે જવાબ આપ્યો, “હવેથી હું ધર્મગ્રંથો વાંચવા લાગી છું, ઉપવાસ પણ કરું છું અને રોજ મંદિરે જાઉં છું.” તેઓ જે પ્રવૃત્તિઓ કરે છે એ બધી જ સારી છે, પરંતુ શું એ એકમાત્ર કારણસર તેઓ ધાર્મિક બની જાય છે?

તમે અમુક પ્રકારનું ખાવાનું ખાઓ કે ન ખાઓ તેને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. અમુક ખોરાક તમારા સ્વાસ્થ્ય માટે હંમેશાં સારો હોય છે અને એનો ખોરાક લેવો જ જોઈએ, પરંતુ તેને બીજી કોઈ બાબત સાથે સાંકળી શકાય નહીં.

મારી દીકરીની મિત્રના પિતા દરરોજ અલગ અલગ મંદિરે જઈને પૂજા-અર્ચના કરે છે. એમના ઘરની પ્રથા મુજબ એમની દીકરી પણ સાત્ત્વિક ખોરાક ખાય છે અને વારે-તહેવારે ઉપવાસ કરે છે. એ ભાઈ એક દિવસ નાણાકીય આયોજન માટે મારી પાસે આવ્યા હતા. તેઓ ઘણા ખિન્ન હતા. એમની સાથે વાત કરવાથી ખબર પડી કે એમણે ભૂતકાળમાં ઘણી મોટી આવક સરકારથી છુપાવી હતી અને હવે એ બાબતે મુશ્કેલી વધી રહી છે. મેં કહ્યું, “તમે તો રોજ મંદિરે જાઓ છો, ઉપવાસ કરો છો અને સાત્ત્વિક ખોરાક લો છો, તમે આટલા બધા ધાર્મિક હોવા છતાં આવક કેમ છુપાવી?” તેમણે સામું પૂછ્યું, “આવક છુપાવવાની વાતનો ધાર્મિકતા સાથે શું સંબંધ?”

આના પરથી કહી શકાય કે ધર્મ મનની વાત છે, એને આચરણ સાથે કોઈ સંબંધ નથી.

યોગિક સંપત્તિ પણ મનની વાત છે, એને આચરણ સાથે કોઈ સંબંધ નથી. તમને શાંતિ અને પ્રસન્નતા મળે એવી સંપત્તિનું સર્જન કરો. આવક કરીને સરકારથી છુપાવવાનો કોઈ અર્થ નથી. ભગવાન સંપત્તિનું સર્જન કરવા માટે આવક આપે છે, પણ તમારે તેને સન્માર્ગે, મુખ્ય માર્ગે ઘરમાં આવવા દેવી, છુપાવીને નહીં. તમને તમારી આવકથી સંતોષ અને શાંતિ મળવાં જોઈએ તથા ગૌરવ અનુભવાવું જોઈએ. ડર અને માનસિક તાણ જેવી લાગણીઓ સર્જે એવી આવક અને સંપત્તિ કોઈ કામની નથી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)