દરેક ગૃહસ્થે એ જાણી લેવું કે તેમણે આવકની અંદર જ રહેવું. જો આવક કરતાં ખર્ચ વધી જશે તો તેમણે તકલીફ ભોગવવી પડશે. શિક્ષાપત્રીના શ્લોક 145માં આ બોધ આપવામાં આવ્યો છે. આપણે લોકબોલીમાં કહીએ તો ચાદર પ્રમાણે સોડ તાણવી.
અહીં આપણે એક રસપ્રદ ટીવી ઇન્ટરવ્યૂને યાદ કરી લઈએ. તેમાં એન્કરે એક રાક્ષસનો ઇન્ટરવ્યૂ લીધો હતો.
એન્કરઃ આ દુનિયામાં તમે જીવનમાં સૌથી વધારે ક્રૂર કાર્ય કયું કર્યું છે?
રાક્ષસઃ મેં ઘણાં ક્રૂર કાર્યો કર્યાં છે. મેં બાળકોને અનાથ કર્યાં છે, ગર્ભવતીઓને વિધવા કરી છે, લોકોનો સંહાર કરાવ્યો છે…. હું આવાં જ બધાં ક્રૂર કૃત્યો કર્યે રાખું છું.
એન્કરઃ એ તો અમે પણ સમજીએ છીએ, પરંતુ અમારા દર્શકોને એવો દાખલો આપો, જેનાથી તેઓ પણ ડરી જાય.
રાક્ષસઃ યુદ્ધ, ભૂખમરો, દુકાળ, અતિવૃષ્ટિ, આતંકવાદી હુમલા, પ્રલય, વગેરે પણ હું જ સર્જું છું અને તેમાં હજારો લોકો મરી જાય છે.
એન્કરઃ એ પણ ખબર છે. એનાથી વિશેષ કંઈ કરો છો?
રાક્ષસઃ (ઘણી વાર સુધી વિચાર કરે છે અને પછી અચાનક તેના મુખ પર સ્મિત સાથે એ બોલે છે) હા, હું ક્રેડિટ કાર્ડ અને લૉન પણ બનાવું છું.
પૅમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સમયસર આખેઆખું બિલ ભરી દો ત્યાં સુધી કંઈ વાંધો નથી, પણ જો આંશિક પૅમેન્ટ કરો અને બાકીનું પૅમેન્ટ હપ્તામાં કરવા જાઓ તો મોટી સમસ્યા ઊભી થાય. તેનો અર્થ એવો થયો કે ક્રેડિટ કાર્ડના ધારક પાસે આવક હોય એના કરતાં એ વધારે ખર્ચ કરે છે. આ સ્થિતિ ખરેખર ગંભીર કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના ઉક્ત શ્લોકમાં વધુપડતો ખર્ચ નહીં કરવાની વાત કરાઈ છે.
એમ તો ભારતમાં બાળપણથી જ બધાને કહેવામાં આવે છે કે ચાદર પ્રમાણે સોડ તાણજો. આમ છતાં લોકો એનું પાલન નથી કરતા અને કરજના બોજ હેઠળ દબાઈ જાય છે. ફક્ત ગરીબ પરિવારો કરજના ભાર તળે કચડાઈ જાય છે એવું નથી. શ્રીમંત પરિવારો અને બિઝનેસમેનો પણ આ સમસ્યાથી પિડાય છે. દારૂ અને ઍરલાઇન્સના ધંધામાં ડિફોલ્ટર બની ગયેલા એક જાણીતા બિઝનેસમેનનું ઉદાહરણ આપણી નજર સામે છે.
રોટી, કપડાં અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે નહીં, પણ દેખાડો કરવા માટે ઘણી વાર કરજ લેવામાં આવે છે. કોઈની દેખાદેખીમાં કે દેખાડો કરવા માટેની આ વૃત્તિ આત્મવિશ્વાસની કમી દર્શાવે છે.
‘આપણે જે છીએ’ તેના કરતાં ‘આપણી પાસે જે છે’નું મહત્ત્વ વધી જાય ત્યારે સમસ્યા સર્જાવાની જ છે. આદર્શ રસ્તો એ છે કે આપણે એવી સ્થિતિનું નિર્માણ કરીએ જેમાં આપણી વસ્તુઓને બદલે આપણા ચારિત્ર્યને કારણે લોકો આપણો આદર કરે.
આપણે કોઈને મોટો માણસ કહીને બોલાવીએ ત્યારે આપણા મનમાં શું વિચાર ચાલતો હોય છે? શું તેમનું શરીર મોટું છે, શું તેમનું શિક્ષણ વધારે છે, શું તેમણે સમાજમાં મોટાં મોટાં દાનધર્મ કર્યાં છે, શું તેઓ સંપત્તિને કારણે મોટા છે કે પછી મોટો ખર્ચ કરતા હોવાને કારણે મોટા છે? આપણા મનમાં જે અભિપ્રેત હોય એમાં જ આપણી માનસિકતા છતી થાય છે.
કોઈ વ્યક્તિ અત્યંત શ્રીમંત હોય, પણ જો સાદું જીવન જીવતી હોય તો તેના સિવાય કોઈને ખબર નહીં પડે કે તેની પાસે કેટલું ધન છે. તેનું ઘર, કાર, જીવનશૈલી એ બધામાંથી તેની ખરી સંપત્તિનો અંદાજ નહીં આવે. સાદું જીવન જીવવાને લીધે તેમનું ઘર નાનું હશે, કાર પણ નાની કે મધ્યમ હશે અને તેમના ઘરમાં પણ સાદગી દેખાશે. વળી, તેઓ સમાજને મોટું દાન પણ કરી લેશે તોય કોઈને ખબર પડવા નહીં દે. આવો માણસ મોટો માણસ કહેવાશે કે પછી જેની પાસે મોટી કાર છે, આલીશાન ઘર છે, જે લક્ઝુરિયસ વેકેશન માણે છે એ મોટો માણસ કહેવાશે?
તમે કોઈને મોટો માણસ કહેતી વખતે શું વિચાર્યું એ સવાલનો સાચો જવાબ બીજા કોઈને નહીં, પણ પોતાની જાતને આપો. તમારી માનસિકતા તમારા સિવાય બીજા કોઈને નહીં દેખાય. લોકોને કે પરિવારોને તેમની જીવનશૈલીના આધારે માપવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે એમ કરશું ત્યારે આપણે વધુપડતો ખર્ચ કરતાં અટકી જઈશું, આપણને આંતરિક સંતોષ અનુભવાશે. જો એમ નહીં કરીએ તો સતત પિડાતા રહીશું. શ્લોક ક્રમાંક 145માં જે તકલીફોની વાત કરવામાં આવી છે એ પહેલાં તો માનસિક સ્વરૂપની હશે અને પછી નાણાકીય સ્વરૂપની બની જશે. ધનનું સુખ માણવું હોય તો મનને કાબૂમાં લો. મન જાતે જ ખર્ચને કાબૂમાં લઈ આવશે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)