જો આનંદ બહારથી શોધશો તો ક્યારેય સુખી નહીં થાઓ!

“ગૌરવભાઈ, મારી કાર બહુ જૂની થઈ ગઈ છે. મને નવી કાર ખરીદવાની ઈચ્છા છે. મારો પગાર વધવાની શક્યતા છે અને હું ઇચ્છું છું કે મારી નવી જન્મેલી દીકરી નવી કારમાં મુસાફરી કરે. હું નથી ઇચ્છતો કે એણે જૂની કારમાં ફરવું પડે. વળી, અમે પતિ-પત્ની ફક્ત 28 વર્ષનાં છીએ, જીવનનો આનંદ માણવાનું ક્યારે શરૂ કરીશું?” મારો એક યુવાન ક્લાયન્ટ મને કહી રહ્યો હતો.

તેનું નામ છે કરણ. તેની પાસે પહેલેથી જ હોમ લોન છે. બીજું એ કે તેની પાસે નવી કાર ખરીદવા માટે પૂરતું ભંડોળ નથી. એને ગમતી કાર 17/18 લાખની આવે છે અને તેથી એ કાર લોન લેવા માગે છે.

સદનસીબે, કરણ અને એની પત્ની કિયારા બન્ને જણ મારી સલાહ સાંભળે છે. મેં એમને કહ્યું, “તમારી હોમ લોન ચાલી રહી છે. તેમ જ તમારી એક વર્ષની પુત્રીને ખબર નથી કે જૂની કાર શું અને નવી કાર શું! પગાર વધવાનો છે એ તો હજી શક્યતા છે. એ ક્યારે અને કેટલા પ્રમાણમાં મળશે એની હજી ખબર નથી. અત્યારે ધીરજ રાખો. તમારો પગારવધારો થયા બાદ આપણે નવી કાર અને એના બજેટ અંગે નિર્ણય કરીશું. છેલ્લે, એટલું કહેવાનું કે જીવનનો આનંદ માણવામાં હજી વિલંબ થશે એવો વિચાર મનમાં આવવા દો નહીં.”

મેં એને વધુમાં કહ્યું, “નવી કાર જરૂર ખરીદો, પણ તમારો આનંદ નવી કાર લેવા પર નિર્ભર ન હોવો જોઈએ. તમારી દીકરી જૂની કારમાં મુસાફરી કરે તેમાં ખોટું શું છે? ભવિષ્યમાં થનારી પગારની વૃદ્ધિની આશાએ અત્યારથી કાર લોનની ઈએમઆઇ ભરવાની વધારાની જવાબદારી પોતાના શિરે લેવી નહીં.”

આ ફક્ત યુવા પેઢીની સમસ્યા નથી. હકીકતમાં, યુવાનો તો વધારે ફ્લેક્સિબલ હોય છે. આધેડ, અને ક્યારેક વૃદ્ધ લોકો વધારે જક્કી હોય છે. “આખું જીવન અમે સંઘર્ષ કર્યો છે, હવે જીવનનો આનંદ ક્યારે માણીશું?” અથવા “મન મનાવીને આમ ને આમ ક્યાં સુધી રહીશું?” જેવી દલીલો લોકો કરતા હોય છે અને કહેતા હોય છે કે હવે તો છૂટથી ખર્ચ કરીને જીવનનો આનંદ માણવો છે.

અહીં ખાસ કહેવાનું કે મૂળ પ્રશ્ન ખર્ચ કરવા કે નહીં કરવાનો નથી. માત્ર એ પૂછવાનું છે કે શું તમારો આનંદ તમે કરેલા ખર્ચ પર આધારિત છે? શું જીવનમાં આનંદ મનમાંથી પ્રગટ થાય છે કે પછી બહારથી આવે છે? જો એ બહારથી આવવાનો હોય તો સમજી લો કે તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. “આપણે જીવનનો આનંદ ક્યારે શરૂ કરીશું?” એવો વિચાર વ્યક્તિની મનની એવી સ્થિતિને પ્રતિબિંબિત કરે છે કે પોતે ખર્ચ કર્યો નહીં હોવાથી આનંદ માણી શકાયો નથી અને જીવનમાં સુખ નથી.

આ કોલમમાં ક્યારેય એવી સલાહ આપવામાં નથી આવે કે તમારે ખર્ચ કરવો જોઈએ નહીં અથવા જીવનનો આનંદ માણવો જોઈએ નહીં. અહીં એટલું જ કહેવામાં આવ્યું છે કે આપણી ખુશી ખર્ચ પર નિર્ભર ન હોવી જોઈએ.

યોગિક વેલ્થ મનમાંથી પ્રગટ થતા આનંદની વાત છે. આનંદ બહારથી આવતો ન હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ અંદરથી ખુશ ન હોય તો બહારથી કોઈ વસ્તુ જીવનમાં આનંદ લાવી શકતી નથી. સુખ અને આનંદ ખરીદવાનો પ્રયાસ કરશો નહીં. વ્યક્તિ ગમે તેટલી રકમ ચૂકવવા તૈયાર હોય તોપણ આ બન્ને વસ્તુઓ ક્યાંય મળતી નથી.

જીવન સુંદર છે. આપણે જીવતા છીએ અને સુખ-અસુખની વાતો કરી રહ્યા છીએ એ જ હકીકત દર્શાવે છે કે આપણે ખુશી-સુખ અનુભવવાં જોઈએ. યાદ રાખો, “ચિંતા કરશો નહીં, ખુશ રહો.” ચિંતાઓથી છુટકારો મેળવશો તો સુખ આપોઆપ આવશે. ચિંતા અને સુખ બન્ને મનની વાતો છે. જીવનનો આનંદ માણો, યોગિક વેલ્થનો આનંદ માણો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)