નૈહેતાર્થાન્ પ્રસઙ્ગેન ન વિરુદ્ધેન કર્મણા ।
ન વિદ્યમાનેષ્વર્થેષુ નાર્ત્યામપિ યતસ્તતઃ ।।15।।
“ગાવા-બજાવવાની વૃત્તિથી કે વિરુદ્ધ કર્મથી ધન પ્રાપ્ત કરવું નહીં. પોતાની પાસે ધન હોય કે ન હોય, તકલીફના સમયે જેવા-તેવા પાસે અર્થાત્ નીતિભ્રષ્ટો પાસેથી દ્રવ્ય ન લેવું.”
આજના યુગમાં ખાસ લાગુ પડનારી વાતની ચર્ચા મનુસ્મૃતિના ચોથા અધ્યાયના પંદરમા શ્લોકમાં થયેલી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકો પોતાના શોખના વિષયને આજીવિકાનું સાધન બનાવવા લાગ્યા છે.
મારાં ક્લાયન્ટ અંજલિ ભટ્ટે એક દિવસ મને કહ્યું કે તેને કૉર્પોરેટ કેરિયર છોડીને ગાયનને કારકિર્દી ઘડવાનો વિચાર છે. તેણે આ નિર્ણય વિશે મારો મત પણ માગ્યો. અંજલિ ખરેખર અદભુત ગાયિકા છે અને તેણે અનેક કાર્યક્રમો પણ કર્યા છે.
આવા પ્રકારની સલાહ તો અનેક યુવાનોએ મારી પાસે માગી છે. મનુની સલાહ આજકાલની ઈચ્છાથી સદંતર વિરુદ્ધ જાય છે. અંગત રીતે હું પણ મનુ જોડે સહમત છું. કોઈ શોખ હોવો એક વાત છે અને તેમાંથી કારકિર્દી ઘડવી એ જુદી વાત છે.
મારા ફોટોગ્રાફર મિત્ર નિશિતે મને આવો જ એક સવાલ પૂછ્યો હતો. મેં તેને સામેથી પૂછ્યું, તારી પાસે જીએસટી નંબર, ટૅન નંબર છે? એણે મારી સામે એવી રીતે જોયું જાણે હું એલિયન હોઉં. મને ખબર જ હતી કે તેની પ્રતિક્રિયા આવી જ હશે. મેં ફોડ પાડતાં કહ્યું, તું એક વખત કોઈ બિઝનેસ કે વ્યવસાય શરૂ કરીશ ત્યારે ફોટોગ્રાફીનાં અસાઇનમેન્ટ લેવા લાગીશ. જો તને કોઈ ટ્રાવેલ મૅગેઝિન પાસેથી કોન્ટ્રેક્ટ મળશે તો તને પૅમેન્ટ કરતી વખતે તેઓ તારો જીએસટી નંબર માગશે. શરૂઆતમાં તારું બિલિંગ ઓછી રકમનું હશે, પરંતુ બિઝનેસ વધે ત્યારે જીએસટી લાગુ પડ્યા વગર રહે નહીં. વળી, જો શૂટિંગ માટે ઉપકરણની ખરીદી કરવાની આવશે તો તે વખતે મોટા પૅમેન્ટ કરતા સમયે ટીડીએસ કાપવાની જરૂર પડે છે. એ ટીડીએસ કાપ્યા પછી સરકારમાં જમા કરાવવો પડે, આવક વેરા ખાતામાં રિટર્ન ફાઇલ કરવાં પડે અને બીજી બધી અનેક ઔપચારિકતાઓ કરવી પડે.
આપણે પોતાની હૉબીને વ્યવસાયમાં પરિવર્તિત કરીએ કે તરત જ આવક વેરો, જીએસટી, પ્રોફેશનલ ટેક્સ, વગેરે ઔપચારિકતાઓ શરૂ થઈ જાય. કામકાજ વિસ્તરવા લાગે ત્યારે વધુ લોકોને નોકરીએ રાખવા પડે, પગાર ચૂકવવો પડે, વગેરે. વળી, સમયસર ઇનવોઇસ બનાવવાં પડે અને પૅમેન્ટ મેળવવા માટે ફોલો-અપ કરવું પડે. આવા વખતે હૉબી એક હૉબીના સ્વરૂપે રહી શકતી નથી. આથી, શક્ય હોય ત્યાં સુધી હૉબીને કારકિર્દી બનાવવી જોઈએ નહીં. માનસિક તાણ હળવી કરવા માટે જ હૉબીનો ઉપયોગ કરવો.
ઉપરોક્ત શ્લોકમાં બીજો મુદ્દો એ છે કે જરૂર પડ્યે કોની પાસે કરજ કે મદદ માગવાં જોઈએ?
થોડાં વર્ષો પહેલાં મારા બિલ્ડિંગમાં કામ કરતી યુવા વયની એક નોકરાણીએ મને કહ્યું કે તેના પિતાને કૅન્સર થયું છે. મારી ઓળખાણમાં કોઈ સારા ડૉક્ટર હોય તો તેનું નામ તેણે પૂછ્યું. તેની સાથે વાત કરતાં કરતાં મને જાણવા મળ્યું કે તેના પરિવારે તેમની ઝૂપડપટ્ટીના શાહુકાર પાસે 40 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેના પર તેઓ 36 ટકાના દરે વ્યાજ ચૂકવતા હતા. માંદગીને લીધે તેના પિતાએ નોકરીએ જવાનું બંધ કરી દેવું પડ્યું હતું. તેની માતાએ પણ લોકોનાં ઘરનાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ સ્થિતિમાં તેમણે દીકરીને પૈસાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. છેલ્લે, અમારા આખા બિલ્ડિંગના લોકોએ ભેગા મળીને તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી.
અહીં “થઈ જશે” ફિલ્મની વાર્તા યાદ આવે છે. આ ફિલ્મના હીરોને ઘર ખરીદવા માટે પૈસાની જરૂર હોય છે. બિલ્ડિંગ લાઇનની પ્રથા પ્રમાણે વ્હાઇટના પૈસાની વ્યવસ્થા તો લૉનથી થઈ ગઈ હતી. બ્લેકના પૈસા માટે તેમણે સ્થાનિક ગુંડા પાસે જવાનું નક્કી કર્યું. એ ગુંડો ઉંચા વ્યાજે પૈસા આપતો. સદનસીબે, તેના પિતાને આ વાતની ખબર પડી અને તેમણે તેને ગુંડા પાસે જતાં રોક્યો.
મનુએ આવા સંજોગોને ધ્યાનમાં રાખીને જ કહ્યું છે કે નઠારા માણસો પાસેથી નાણાં કે બીજી કોઈ મદદ લેવાં નહીં.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)