આર્થિક જવાબદારી અને ધાર્મિક અનુદાન વચ્ચે સંતુલન

શક્તિતોઽપચમાનેભ્યો દાતવ્યં ગૃહમેધિના ।

સંવિભાગશ્ચ ભૂતેભ્યઃ કર્તવ્યોઽનુપરોધતઃ ।।4.32।।

મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.32માં એક અત્યંત અગત્યની વાત કહેવામાં આવી છે. ખરું પૂછો તો એમાં એક સાથે બે બાબતોનો બોધ આપવામાં આવ્યો છે. પહેલી બાબત છે ગૃહસ્થની જવાબદારીની. જેઓ આ સંસારનો ત્યાગ કરી ચુક્યા છે એવા સંતો અને સાધુ-મહાત્માઓનું ભરણપોષણ કરવાની જવાબદારી ગૃહસ્થની છે. સાધુ-સંતો જ્ઞાનની પ્રાપ્તિ માટે આ જગતનો ત્યાગ કરે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કર્યા બાદ સમાજના લાભ માટે લોકોને બોધવચનો કહે છે. સાધુ-સંતો ચિંતન-મનન કરી શકે અને જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે તે માટે તેમને આજીવિકા રળવાની જંજાળ હોવી જોઈએ નહીં આથી જ એમના ભરણપોષણની જવાબદારી ગૃહસ્થો નિભાવી લે તે આવશ્યક છે. આમ, સામાજિક જીવનમાં ગૃહસ્થો સાધુ સંતોનું ભરણપોષણ કરે અને સાધુ-સંતો પોતે અર્જિત કરેલા જ્ઞાનનો લાભ ગૃહસ્થને આપે. આ રીતે બંને પક્ષે લાભની સ્થિતિનું નિર્માણ થાય છે.

સાધુ-સંતો ગૃહસ્થોને મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન આપે છે અને તેના બદલામાં ગૃહસ્થો એ લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાનું ધ્યાન રાખે છે. સાધુ સંતો અને મહાત્માઓની આવશ્યકતાઓનું ધ્યાન રાખતી વખતે ગૃહસ્થોએ એ વાતની તકેદારી લેવી જોઈએ કે પહેલાં પોતાની અને પોતાના પરિવારજનોની જરૂરિયાતો સંતોષાતી હોવી જોઈએ. આમ, ગૃહસ્થોએ પહેલા પોતાની તથા પરિવારજનોની જરૂરિયાતો સંતોષવાની અને પછી સાધુ-સંતો-મહાત્માઓની આવશ્યકતાઓનું ધ્યાન રાખવાની બેવડી જવાબદારી નિભાવવાની હોય છે. અહીં ખાસ જણાવવાનું કે એકના ભોગે બીજું કામ થવું જોઈએ નહીં.

અહીં મને થોડા વખત પહેલાં મારા પ્રવાસનો અનુભવ યાદ આવે છે. હું મારા વતનમાં જઈ રહ્યો હતો. રસ્તામાં કૉલેજકાળનો મારો મિત્ર મળ્યો. એ કોઈ જાત્રાએ જઇ રહ્યો હતો. તેની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેણે પોતાનો બિઝનેસ વેચીને હવે મોટાભાગનો સમય ધાર્મિક સ્થળોએ જઈને સાધુ-સંતોની સેવામાં ગાળવાનો નિર્ણય લીધો છે. એણે મને એમ પણ જણાવ્યું કે મંદિરો તથા અન્ય સખાવતી સંસ્થાઓના બાંધકામ માટે તેણે મોટી રકમનું દાન પણ કર્યું છે.

વાતચીત દરમ્યાન મેં તેને પોતાના પરિવાર માટે અલગથી રખાયેલી સંપત્તિ વિશે પૂછ્યું. તેણે જવાબ આપ્યો કે પરિવારજનો પોતાની વ્યવસ્થા કરવા સક્ષમ છે. તેણે પરિવારજનો માટે નાણાકીય વ્યવસ્થા કર્યા વગર જ પરિવારને છોડી દીધો છે અને એ ફક્ત સામાજિક કાર્ય કરશે એવું ધારી લેવું અનુચિત કહેવાશે. જોકે, વાચકોને તો અહીં એટલું જ કહેવાનો ઉદ્દેશ્ય છે કે “ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો” એવું ના થવું જોઈએ. ટૂંકમાં, વ્યક્તિએ પોતાની સંપૂર્ણ સંપત્તિ દાનમાં આપી દેવી જોઇએ નહીં. પોતાનું તથા પરિવારજનોનું ભરણપોષણ થતું રહે એ માટે આવશ્યક વ્યવસ્થા કરવામાં આવેલી હોવી જોઈએ. ગૃહસ્થને કહેવાયું છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ તેણે મદદ કરવી જોઈએ. આપણે ધાર્મિક કોને કહેવાય અને ધાર્મિક સિવાયની પ્રવૃત્તિ કોને કહેવાય એના વિશે પછીથી વાત કરીશું. અત્યારે તો એટલું જ કહેવાનું છે કે મનુએ જણાવ્યા મુજબ આપણે ઘરસંસાર અને સાધુ-સંતોની સેવા આ બન્નેને સરખું જ મહત્વ આપવું જોઈએ.

અહીં આપણે ઘણી જ સૂક્ષ્મ વાત કરી રહ્યા છીએ. કેટલીકવાર લોકો ધાર્મિક પ્રવૃતિઓ માટે દાન આપે છે, પરંતુ તેની પાછળનો સૂક્ષ્મ ભાવ પોતાનો અહમ્ સંતોષવાનો હોય છે. આવી સૂક્ષ્મ લાગણી ઘણી વખત બહાર દેખાઈ આવતી નથી. કેટલીકવાર સામાજિક દબાણને કારણે અથવા તો દેખાદેખીને કારણે પોતાનું નામ મોટું કરવા માટેની ઇચ્છાને વશ થઈને લોકો દાન આપતા હોય છે. ખરા અર્થમાં આવા દાનને ધાર્મિક પ્રવૃતિ કહી શકાય નહીં. જો ઘર-પરિવાર, બાળકો, વગેરેની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરીને આવી ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ પૈસા ખર્ચવામાં આવે તો શક્ય છે કે પછીથી એ જ બાળકો અને પરિવારજનોના મનમાં સમાજ, સમુદાય કે ધર્મ પ્રત્યે દુર્ભાવ નિર્માણ થઈ શકે છે. છેલ્લે એટલું જ કહેવાનું કે પારિવારિક જવાબદારીઓનું જતન કરવાની સાથે-સાથે સંતોની આવશ્યકતાઓ પૂરી કરવાની જવાબદારી નિભાવવી એ દોરડા પર ચાલવાની કસરત સમાન બાબત છે. તેમાં વ્યક્તિએ સંતુલન રાખવું અત્યંત આવશ્યક છે.

આ વાત પરથી કબીરજીનો દોહો યાદ આવે છેઃ સાંઈ ઇતના દિજિએ, જામે કુટુમ સમાય, મૈં ભી ભૂખા ના રહૂં, સાધુ ન ભૂખા જાય.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)