“જે મનુષ્યો સૂર્ય સમાન નિયમપૂર્વક પ્રવૃત્ત રહીને શરીરને નિરોગી અને આત્માને વિદ્વાન બનાવીને, પૂર્ણ બ્રહ્મચર્ય પાળીને, સ્વયં વરણ કરેલી પ્રિય સ્ત્રીનો સ્વીકાર-વિવાહ કરીને, તેમાં સંતાન ઉત્પન્ન કરીને તથા સુશિક્ષિત કરીને વિદુષી બનાવે છે તેઓ ધનના પતિ બને છે.” યજુર્વેદના 25મા સ્કંધની 46મી સંહિતામાં આ બોધ આપવામાં આવ્યો છે.
આ સંહિતામાં કુબેરપતિ બનવા માટેના વ્યક્તિના ગુણોની વાત કરવામાં આવી છે. કુબેરપતિનો અર્થ ફક્ત નાણાકીય સંપત્તિ ધરાવતી વ્યક્તિ નહીં, પણ સર્વાંગી સંપત્તિના માલિક હોવાનો છે. આપણા શાસ્ત્રો પ્રમાણે સંપત્તિના અનેક પ્રકાર છેઃ શારીરિક સંપત્તિ, સામાજિક સંપત્તિ, ભાવનાત્મક સંપત્તિ, નાણાકીય સંપત્તિ, વગેરે. આમ, સર્વાંગી સંપત્તિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પ્રસન્ન રહી શકે છે.
આપણી સૌથી મોટી સંપત્તિ આપણું આરોગ્ય છે. આથી જ કહેવાયું છે, “પહેલું સુખ તે જાતે નર્યા.” આપણે રોજિંદા જીવનમાં અનેક શ્રીમંત લોકો જોઈએ છીએ, જેમને દવાઓ લીધા વગર જરાય ચાલતું નથી. તેઓ ગોળીઓના સહારે જ જીવતા હોય છે.
અપાર ધન હોય, પરંતુ માણસ માઇગ્રેન કે એસિડિટીથી પિડાતો હોય તો એ શ્રીમંતાઈનો શું અર્થ? આપણું માથું દુખતું હોય કે છાતીમાં બળતરા થતી હોય ત્યારે ધનને કારણે કોઈ રાહત થાય છે અથવા આપણને ધનવાન હોવાની સ્થિતિનો આનંદ પ્રાપ્ત થાય છે? તો પછી અખૂટ પૈસો હોવાનો શું અર્થ?
આપણી બીજી એક કહેવત કહે છે, “મન ચંગા તો કથરોટ મેં ગંગા.” ઉક્ત સંહિતા મુજબ મન અને શરીર બન્ને તંદુરસ્ત-સ્વસ્થ હોય એ ઘણું જરૂરી છે. સંપત્તિ માણવા માટે એ સ્થિતિ આવશ્યક છે.
સમાજ પણ આપણી સંપત્તિ જ કહેવાય. બાળપણમાં મારા માસા અનેક વાર મજાકમાં કહેતા, “પૈસો મારો પરમેશ્વર બૈરી મારી ગુરુ; છોકરાં મારાં શાલિગ્રામ, પૂજા કોની કરું?” આ ઉક્તિ ભલે હળવાશમાં કહેવાઈ હોય, વાસ્તવમાં, જીવનસાથી, સંતાનો, પરિવારજનો અને મિત્રો આપણી સંપત્તિ હોય છે.
કોઈને છૂટાછેડા લીધા બાદ ભરણપોષણ પેટે ભલે મોટી રકમ મળી હોય, તેનો અર્થ એવો નથી થતો કે એ વ્યક્તિ એ ધનથી ખુશ રહી શકશે. પ્રોપર્ટીની બાબતે ઘરમાં ઝઘડા થતા હોય, વારસાની પ્રોપર્ટી માટે કૉર્ટમાં કેસ ચાલતા હોય અને પરિવારની અંદર રોજ કંકાશ ચાલતો હોય તો ગમે તેટલી સંપત્તિ પણ આપણને ખુશ રાખી નહીં શકે.
આપણા સામાજિક વર્તુળના લોકો પણ નિઃ સ્વાર્થ હોવા જોઈએ. આપણી પાસે પ્રસિદ્ધિ કે ધન ન હોય તોપણ તેઓ સાથ નિભાવે એવા હોવા જોઈએ. ઘણી ખ્યાતનામ હસ્તીઓ મરતી વખતે સાવ એકલવાસમાં કે તરછોડાયેલી હાલતમાં રહેતી હોય એવા અનેક કિસ્સા આપણે જોયા-વાંચ્યા-સાંભળ્યા છે. જ્યાં સુધી તેમની પાસે ધન હોય ત્યાં સુધી લોકો સાથ નિભાવે અને સંપત્તિ ખલાસ થવા લાગે ત્યારે બધા સાથ છોડી જાય.
મોટી હસ્તીઓ તો સમજ્યા, ઘણા સામાન્ય માણસોને પણ મેં એમ કહેતાં સાંભળ્યા છે, “મને બહાર બધા લોકો માનથી બોલાવે છે, પરંતુ ઘરમાં કોઈ માન આપતું નથી.” આવા લોકો એ વાત સમજતા નથી કે ઘરના લોકોને તમારી બધી આદતો, તમારા મિજાજ, તમારાં તરકટ, વગેરે બધી અંદરની વાતોની જાણ હોય છે અને એ બધું જાણતા હોવા છતાં સ્વજનો તમારી સાથે રહેતા હોય છે. આથી જ કહેવાનું કે જે પરિવારજનો અને મિત્રો નિઃ સ્વાર્થપણે તમારી સાથે રહે એ જ તમારી ખરી સામાજિક સંપત્તિ.
એક જાણીતા લેખકે જ્યારે મને કહ્યું કે તેમના ખાસ મિત્રે તેમનું એકેય પુસ્તક વાંચ્યું નથી ત્યારે મને ઘણું આશ્ચર્ય થયું. મેં તેમને પૂછ્યું કે આ બાબતે તેમને કેવું લાગે છે. તેમણે મને કહ્યું, “એ મારું લખાણ વાંચતો નથી એ વાત મને કઠે છે, પરંતુ મને એ પણ ખબર છે કે હું જાણીતો માણસ ન હોઉં તોપણ એ મારો સાથ છોડે એવો નથી. તેની દોસ્તી મારી કિર્તી કે કૌશલ્ય, વગેરે પર નિર્ભર નથી.”
છેલ્લે એટલું જ કહેવાનું કે મનુષ્યની શારીરિક સંપત્તિ, સામાજિક સંપત્તિ, ભાવનાત્મક સંપત્તિ અને નાણાકીય સંપત્તિનો પરસ્પર સુમેળ હોવો જોઈએ. જો એ ન હોય તો કોઈ સંપત્તિનો આનંદ લઈ શકાતો નથી. આ સુમેળને જ યોગિક સંપત્તિ કહેવાય છે અને આપણે એવી જ સંપત્તિની ચાહના રાખવી જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)