ફોટોગ્રાફીનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. વર્ષ 1837માં ફ્રાંસમાં ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યારથી 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ઊજવવામાં આવે છે. ગ્રીક શબ્દમાંથી આવેલ ફોટો અને ગ્રાફોસ પરથી બનેલ ફોટોગ્રાફી શબ્દ એક કલાને રજુ કરતું સબળ તેમજ આજનું ખુબ લોકપ્રિય માધ્યમ છે. વિશ્વનો પ્રથમ કેમેરો કેમેરા ઓબ્સ્ક્યુરા હતો. વૈજ્ઞાનિક લુઈસ ડાઉગર દ્વારા ફોટોને કેપ્ચર કરવાની પ્રથમ પ્રક્રિયાની શોધની યાદમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. સમય સાથે ફોટોગ્રાફીમાં પરિવર્તન આવ્યું અને ફિલ્મ સાથે ફોટોગ્રાફી સંકળાયા બાદ બ્લેક અને વ્હાઇટથી કલરમાં ફોટોગ્રાફીનું પરિવર્તન થયું. કેમેરામાં રંગોની મર્યાદાઓ, ખર્ચાળ અને સમય માગી લેતી પધ્ધતિ સામે ઝીંક ઝીલવા કોડોક, લીએકા, કાઈન એક્સકાંટા, નિકોન, ઓલમ્પસ, મીનોલ્ટા વગેરે જેવી અનેક કંપનીઓએ નાના અને હેન્ડી કેમેરા બનાવી લોકોને ફોટોગ્રાફી પ્રત્યે આકર્ષિત કર્યા. ત્યાર બાદ આવેલા ડિજિટલ કેમેરાએ “ડિજિટલ ફોટોગ્રાફીનો” નવો યુગ શરૂ કર્યો, જે મોબાઈલ ફોનમાં પણ જોડાવા લાગ્યા અને ત્યારથી કેમેરો જાણે દરેક વ્યક્તિ પાસે હાથવગો અને જીવનનો મહત્વનો હિસ્સો બન્યો.
સોશિયલ મીડિયાને લીધે ફોટાગ્રાફી જીવનનું અભિન્ન અંગ બની ગયું
રોજિંદા જીવનમાં બનતી ઘટનાને કેમેરામાં કંડારી ફોટોગ્રાફરના એંગલ, કેમેરાના લેન્સ, ઘટનાનું મહત્વ, શટર, સ્પીડ, ફ્રેમ રેટ, જેવી અનેક નાની પણ કેમેરાની ખૂબ મહત્વની બાબતોને ટેક્નોલોજી સાથે ક્લિક કરી માહિતીને જોડે છે. ફોટોગ્રાફર તેમજ મેન્ટર તરીકે કાર્યરત કેયુર પ્રદીપભાઈ ભટ્ટ જણાવે છે કે ‘‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’’ નિમિત્તે ફોટોગ્રાફીના અનેક એક્ઝિબિશનને લીધે સામાન્ય માણસો ફોટા અને ફોટોગ્રાફરનું સમજતા થયા છે. સોશિયલ મીડિયાને લીધે ફોટાગ્રાફી જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, ત્યારે ફોટોગ્રાફી લોકોની સંવેદનાઓને સીધી રીતે સ્પર્શે છે, અને એક ફોટો ૧૦૦૦ શબ્દોની ગરજ સારે છે.
ભારતના પહેલા મહિલા તસવીરકાર હોમાય વ્યારાવાલા
ભારતના પહેલા મહિલા તસવીરકાર હોમાય વ્યારાવાલાનો જન્મ નવસારીમાં એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો. પિતા નાટક મંડળી સાથે જોડાયેલા હતા. જેના પગલે તેમની સાથે અનેક સ્થાનોએ હરવા ફરવાનું થતું હતુ. પરિણામે તેમણે અભ્યાસ પણ અનેક જગ્યાએ કરવો પડ્યો. આખરે પિતા મુંબઈમાં સ્થાયી થતા ત્યાંની જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં ડિપ્લોમા થયા. પતિ અને મિત્રો પાસેથી તસવીરકળા શીખ્યા. 1938થી સામયિકમાં તસવીરકાર તરીકે કારકિર્દી શરૂ કરી. 1942માં તેઓ બ્રિટીશ માહિતી ખાતામાં જોડાયા તે પછી તેમની કળાની કદર રાષ્ટ્રીય કક્ષાએ થવા માંડી હતી. હોમાય વ્યારાવાલાને 2010માં માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી લાઈફ એચિવમેન્ટ અને 2011માં ભારતનું બીજા નંબરનું નાગરિક સન્માન પદ્મવિભુષણ એનાયત થયો હતો. ભારતમાં ફોટોગ્રાફીના ક્ષેત્રે સીમાસ્તંભરૂપે મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાય વ્યારાવાલાનું 15મી જાન્યુઆરી 2012એ 98 વર્ષની વયે વડોદરામાં અવસાન થયું હતું.
