અમુક દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળી શકે છે

દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે પોતે વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરે. વિદેશોમાં શિક્ષણ માટેનો અવકાશ તથા માળખાકીય ઢાંચો ઘણો વિકસીત છે અને ત્યાં વિદ્યાર્થીઓ માટે હજારોની સંખ્યામાં અભ્યાસક્રમો ઉપલબ્ધ હોય છે. પરંતુ ટ્યૂશન ફી ખૂબ જ ઊંચી હોય છે અને રહેવાનો ખર્ચ પણ તોતિંગ હોય છે તેથી મધ્યમ વર્ગના પરિવારના લોકોને એ પરવડે નહીં.

તે છતાં સારા સમાચાર એ છે કે અમુક એવા દેશો છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપે છે તો અમુક દેશો વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ફી લે છે, પણ પ્રમાણમાં ઓછી, પરવડી શકે એવી છે. આનો મતલબ એ કે તમે તમારો ઉચ્ચ અભ્યાસ એ દેશોમાં જઈને મફતમાં પ્રાપ્ત કરી શકો છો. માત્ર તમારે ત્યાં રહેવાનો ખર્ચ ભોગવવો પડે. જોકે આટલી સવલત પણ સારી કહેવાય.

આ છે એવા દેશો જ્યાં ભારતીય વિદ્યાર્થીઓને ફ્રીમાં અથવા સસ્તામાં ભણવાનું મળી શકે છે…

ચેક રિપબ્લિકઃ આ દેશે એવો નિયમ રાખ્યો છે કે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અહીંયા મફતમાં ભણવું હોય એમણે અહીંયાની સ્થાનિક ભાષા આવડતી હોવી જોઈએ. પરંતુ જો તમારે અંગ્રેજી ભાષામાં જ ભણવું હોય તો તમારે આશરે 70 હજાર રૂપિયા જેટલી ફી ચૂકવવી પડે.

ફ્રાન્સઃ અહીં ભણતર મોંઘું છે, પણ સરકારી યૂનિવર્સિટીઓને બાદ કરતાં હાયર એજ્યૂકેશન ફ્રી છે.

સ્પેનઃ યુરોપ ખંડના આ દેશમાં યુરોપીયન વિદ્યાર્થીઓ માટે એજ્યૂકેશન મફત છે. ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી ફીનાં પૈસા લેવામાં આવે છે, પણ પ્રમાણમાં ઓછા છે.

સ્વીડનઃ ભારતીયો માટે બિઝનેસ કરવા માટે આ દેશ ઉત્તમ ગણાય છે. અહીં જો કોઈ ભારતીય વિદ્યાર્થી પીએચડી કરે તો એની પાસેથી ફી લેવામાં આવતી નથી. સાથોસાથ અહીં પીએચડી કરનારાઓને સ્વીડિશ સરકાર તરફથી અમુક મહિનાઓ માટે પૈસા પણ મળે છે.

જર્મનીઃ ઉચ્ચાભ્યાસ માટે દુનિયામાં શ્રેષ્ઠ દેશોની યાદીમાં જર્મનીનું છે. આ દેશ હાયર એજ્યૂકેશન, ફ્રી એજ્યૂકેશન માટે જાણીતો છે. અહીં સરકારી યૂનિવર્સિટીઓમાં કોઈ પણ વિદ્યાર્થી પાસેથી ફી લેવામાં આવતી નથી. જોકે એડમિનિસ્ટ્રેશન રૂપે 20 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.

નોર્વેઃ અહીં યૂજી, પીજી અને પીએચડી સાવ મફત છે. તમે કોઈ પણ દેશમાંથી આવ્યા હો, અહીં શિક્ષણ મફત છે. માત્ર એટલું જ જોવામાં આવે છે કે તમને નોર્વેની ભાષા આવડે છે કે નહીં. જો તમને આવડતી ન હોય તો તમારે મફત શિક્ષણ મેળવવા માટે અહીંની ભાષા શીખવી પડે.

ઓસ્ટ્રિયાઃ આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવે છે, પરંતુ અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી છે. ભારતીય ચલણમાં એ આશરે 55 હજાર રૂપિયા થાય.

બેલ્જિયમઃ અહીં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને થિયોરેટિકલ, બંને પ્રકારના શિક્ષણમાં લાભ મળે છે. અહીં ફી લેવામાં આવે છે, પણ પ્રમાણમાં સસ્તું છે. વળી, કોર્સ પૂરો કરી લીધા બાદ સારી નોકરી પણ મળી જાય છે. યૂનિવર્સિટી ઓફ ઘેન્ટ અને યૂનિવર્સિટી ઓફ બ્રુસેલ્સ બેલ્જિયમની ટોપ યૂનિવર્સિટીઓમાં ગણાય છે.

ગ્રીસઃ અહીં રહેવાનો ખર્ચ પ્રમાણમાં સસ્તો છે. ટોચની કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરેટ ડિગ્રી માટે ભણી શકાય. અહીં મોટા ભાગના કોર્સ અંગ્રેજીમાં હોય છે.

ફિનલેન્ડઃ યૂરોપીયન વિદ્યાર્થીઓ માટે અહીં શિક્ષણ મફત છે. ડિઝાઈનિંગ, આર્કિટેક્ચર, કમ્યુનિકેશન વગેરે ક્ષેત્રોમાં અહીં ઓફર કરાતા કોર્સ પોપ્યૂલર છે.