સરપંચ યુવાને ગામને આપી નવી દિશા

જો ગ્રામ્ય કક્ષાએ સબળ નેતૃત્વ હોય તો વિકાસનાં ફળ છેવાડાના માનવી સુધી પહોંચે છે. આ બાબતનું ઉત્તમ ઉદાહરણ ઝાલોદ તાલુકાનું કારઠ ગામ છે. ઝાલોદ તાલુકાના કારઠ ગામનું નેતૃત્વ કરતા હર્ષદભાઈ નાયકે સરકારની યોજનાઓનો ઝડપથી અમલ કરાવી ગામના લોકોની સુવિધામાં વધારો કર્યો છે. બેંકની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને કારઠ ગામના વિકાસને નવી દિશા આપી છે.

સ્વચ્છ ભારત ચળવળનું પ્રતિબિંબ

ઝાલોદ તાલુકામાં લીમડી નજીક આવેલા કારઠ ગામમાં પ્રવેશીએ એટલે તરત તમને ગામમાં થયેલાં વિકાસ કામો ઊડીને આંખે વળગે છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વચ્છ ભારત ચળવળનું પ્રતિબિંબ આ ગામમાં ઝિલાય છે. ગામમાં સવારના સમયે ઘરેઘરેથી કચરાનું એકત્રીકરણ થતું જોવા મળે છે. કારઠ ગામના ૭૫ ટકા વિસ્તારને આરસીસી રસ્તાથી આવરી લેવામાં આવ્યા છે. ગામમાં રસ્તા સિમેન્ટના બનવાને કારણે ગ્રામજનોને સહુલિયત ઊભી થઈ છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પણ ગામમા ગંદકી જોવા મળતી નથી.

પાણી વિતરણનું સંચાલન

ગામમાં પહેલાં પાણી વિતરણમાં સમસ્યાઓ હતી. ગામનાં કેટલાંક ઘરોને અપૂરતા ફોર્સથી પાણી મળતું હતું. તે સમસ્યાને ધ્યાને લઇ પાણી વિતરણની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો. ડિસ્ટ્રિબ્યુશન વાલ્વનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. હવે માત્ર એક જ જગ્યાએથી પાણી વિતરણનું સંચાલન કરવામાં આવે છે. જેતે વિસ્તારનો વાલ્વ ખોલો એટલે પીવા માટે શુદ્ધ પાણી ઘર સુધી પહોંચી જાય છે.

ગામના વિકાસને નવી દિશા

પંચાયતોના વિકેન્દ્રીકરણ બાદ નવેક માસ પૂર્વે સરપંચ બનેલા હર્ષદભાઈ નાયકે નેતૃત્વ સંભાળતાની સાથે ગામના વિકાસને નવી દિશા આપી છે. તેમની વાત પણ રસપ્રદ છે. હર્ષદભાઈ પહેલાં બેંકમાં નોકરી કરતા હતા. સાથે, ટેન્ટનો કારોબાર કરતા હતા, પણ સરપંચ તરીકે ગામનો વિકાસ કરવાની તેમની પ્રબળ નેમને કારણે સહકારી બેંકની નોકરી છોડી દીધી.

સરપંચ બનતાંની સાથે જ હર્ષદભાઈએ ગામના યુવાનોને ધ્યાનમાં રાખીને ગામના રમતગમતના મેદાનનો વિકાસ કરવાનું નક્કી કર્યું. ગામના પાદરમાં સરસ મજાનું મેદાન બનાવ્યું છે. આ મેદાનમાં રજાના દિવસોમાં રમતગમતનો મેળવડો જામે છે. ક્રિકેટની મેચો જામે છે. એ સિવાયની અન્ય રમતો માટે પણ યુવાનો ઉત્સાહ દાખવે છે. આની પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાન પરિબળ સમાન છે.

આટલું જ નહીં, ગામની શાળાને હર્ષદભાઇએ પોતાના ખર્ચે રંગરોગાન કરાવી ઇમારતને સુંદરતા બક્ષી છે. શાળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ગામના બાળકોને ઉત્તમ વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ માટે તેઓ સતત સક્રિય છે. આંગણવાડીના બાળકો માટે પણ નવું બિલ્ડિંગ બનાવવા માટે ગ્રામ પંચાયતનું આયોજન છે.

રમતગમતના મેદાન પાસે જ આવેલા સ્મશાનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેની પાસે એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. સ્મશાનને અડીને સ્નાનઘાટ બનાવવામાં આવ્યો છે. હાલમાં ત્યાં ઉપવન બનાવવાની કામગીરી શરૂ છે. ફળફળાદિ સહિતના રોપા વાવવામાં આવ્યા છે. માત્ર વાવીને જવાબદારી પૂર્ણ ન કરી દેતાં ત્યાં ફેન્સિંગ કરવામાં આવ્યું છે. રોપાને પાણી માટે ઇરિગેશનની સુવિધા આપવામાં આવી છે.

ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત ગામના યુવાનો પણ હર્ષદભાઈની સાથે ખભેખભા મિલાવી કામ કરે છે. કોઈને સરકારી સહાય માટે કે સુખદુઃખના પ્રસંગે હર્ષદભાઈ તેમની સાથે ઊભા રહે છે.

 પ્રાથમિક શાળાને મોડેલ બનાવવાનું લક્ષ્ય

હર્ષદભાઇ કહે છે કે સરકારે ગામડાઓના વિકાસ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે. તેના કારણે ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે.

 

નલ સે જળ યોજના અંતર્ગત પૂર્ણ કરવાનું લક્ષ્ય

આગામી સમયમાં કરવાનાં મહત્વપૂર્ણ કામો, ગામની મૂળભૂત જરૂરિયાતો પૈકી બાકી રહેલા આખા ગામની ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપ લાઇન મુખ્ય પ્રધાનની નલ સે જળ યોજના અંતર્ગત પૂર્ણ કરવાનું લક્ષ્ય, બાકી રહેલા રસ્તાઓ, બાકી રહેલા સ્ટ્રીટ લાઈટોને આવરી લેવામાં આવ્યા છે. તેઓ ઉમેરે છે કે ચાલુ વર્ષે કરવાનાં કામોનું લક્ષ્ય જોઈએ તો સુંદરતામાં વધારો કરવા માટે ગામનો સાંસ્કૃતિક અતિ સુંદર પ્રવેશ દ્વાર, મંદિર, સીસીટીવી કેમેરાઓ, પંચાયતના તમામ પ્રકારની હિસાબ કિતાબ કોમ્પ્યુટરાઇઝ કરી લાઈટ બિલ ફોન બિલ વિગેરે જેવી સુવિધાઓ, પીવાના પાણીનો સ્ત્રોત વધારવા માટે કૂવો અને મૂળભૂત જરૂરિયાત પૈકીના ગટર, રસ્તા, વિગેરે પેન્ડિંગ કામોને આગળ વધારવાના કામનું આયોજન છે.

(દર્શન ત્રિવેદી)

(તસવીરોઃ જુજર ઝાબુઆવાલા)