ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન

 આપણું શરીર ‘સ્ટીમ એન્જિન’ જેવું છે.” લાંબું અને સારું જીવન જીવવું હોય તો હાંઠેકડા, ડૂચાની જેમ બધો કચરો શરીરમાં ખોસ-ખોસ ના કરાય.” બીજું,  ‘માણસને વાંચો એના  જીવનમાંથી જ હ્યુમન ઇન્ટ્રેસ્ટ સ્ટોરી મળે.’  ‘હું એવો જ ફોટો પાડું જેની પર હું લખી શકું’ … આ શબ્દો છે પદ્મશ્રી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના.

27 નવેમ્બર સોમવાર દેવ દિવાળીએ એમનું નિધન થયું છે. આ સાથે ગુજરાતને એક ઉત્તમ ફોટો જર્નાલિસ્ટની ખોટ પડશે. દાયકાઓ સુધી અગ્રણી અખબારમાં લોકજીવન અને સાંપ્રત ઘટનાઓને ઝવેરીલાલ મહેતાની કલમ અને કેમેરાએ વાચા આપી.

ગુજરાત સમાચારના વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ સુરેશ મિસ્ત્રી જે ઘટનાઓ, એસાઇનમેન્ટ, ડાર્કરૂમથી માંડી તમામ બાબતોમાં ઝવેરીલાલની સાથે રહ્યા. એમને નજીકથી કામ કરતા જોયા. સુરેશ મિસ્ત્રી ચિત્રલેખા.કોમને કહે છે, ઝવેરીલાલ દલપતરામ મહેતાનો જન્મ  7 ઓગસ્ટ, 1928, હળવદમાં થયો હતો.

ગુજરાતના આ પ્રતિષ્ઠત ફોટો જર્નાલિસ્ટે ધ્રાંગધ્રામાં મેટ્રિક સુધી શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં શિક્ષણ લીધું. ઝવેરીલાલ મહેતાનો મુંબઈ નિવાસ સંઘર્ષનો સમય બની રહ્યો. એ જમાનામાં મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું હતું

. વર્ષો પહેલાં અમદાવાદની અરવિંદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકેની નોકરી મળી એ પછી અમદાવાદને જ મુકામ બનાવ્યું. અરવિંદ મિલમાં 17 વર્ષ ફરજ બજાવી. મિલની નોકરી સાથે તેઓ સ્વતંત્ર છબીકાર તરીકે પણ કામ કરતા રહ્યા. ઝવેરીલાલ લાઇફ એટલે કે જીવન- માનવરસ વિષયને સ્પર્શતી તસવીરો પાડી એના પર લખતા હતા. ‘જનસત્તા’ દૈનિકમાં ‘મારે જીવવું છે’ શીર્ષક હેઠળ છપાતી અને વડોદરાના ‘લોકસત્તા’માં પુનર્મુદ્રિત આ કટારથી તેમની લોકપ્રિયતા વધતી ગઈ.

1972માં તેઓ ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં જોડાયા. ત્યારથી તેમની લોકપ્રિયતા નિરંતર વધતી જ રહી છે. ધારાવાહિક નવલકથાઓમાં આબેહૂબ પાત્રોના ઊભા ફોટા મૂકવાની પ્રથા શરૂ કરવાનું શ્રેય ઝવેરીલાલને ફાળે જાય છે. એમણે તસવીર કંડારતી ક્યારેય ફ્લેશનો ઉપયોગ કર્યો નથી. કારકિર્દીની શરૂઆતમાં તેઓ રોલીકોલ કેમેરા, પેન્ટૅક્સ K-1000, નિકોન કેમેરા વાપરતા ત્યાર બાદ ડિજિટલ યુગમાં પણ જુદા-જુદા કેમેરા સાથે કામ કર્યું.સુરેશ મિસ્ત્રી કહે છે, ફોટોગ્રાફીમાં ઝવેરીલાલ રઘુ રાય તથા કિશોર પારેખને ગુરુ અને પ્રેરણામૂર્તિ માનતા હતા. તેઓ કદી સ્પર્ધામાં ભાગ લેતા નહોતા. તસવીરોનાં પ્રદર્શનો કરવાનું ટાળતા. ઝવેરીલાલ કહેતા કે મારી ફોટો સ્ટોરી રોજ સવારે લાખો લોકો વાંચે છે તો પછી બંધ ઓરડામાં ગણ્યાગાંઠ્યા લોકો માટે પ્રદર્શન શું કામ કરવાનું?  બીજું ઝવેરીલાલનો સ્વભાવ બહિર્મુખી હતો..એ મોટા નેતા હોય કે સેલિબ્રિટી નીડરતાથી રોકડું પરખાવી દેતા.

 માણસનો ચહેરો વાંચવાની એમની કળાને કારણે અમરસિંહ ચૌધરીથી માંડી હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કંઈક હળવી ટકોર કરી સલાહ આપતા તો સૌ માની પણ લે. દિલ્હી જેવી રાજધાનીમાં ફરજ બજાવતા ત્યારે કોઈ પણ ભોગે પોતાની તસવીરો,  કેમેરા રોલ ગુજરાત સુધી પહોંચાડતા. દિલ્હીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈંદીરા ગાંધી જોડે રાખડી બંધાવતા. રઘુરાય , ભવાનસિંહ જેવા અનેક દિગ્ગજો સાથે એમને કામ કરવાની તક મળી.સોશિયલ મીડિયા પહેલાંના યુગમાં છાપાની રાહ જોતા લોકો ઝવેરીલાલના ફોટા અને લખાણને માણવા આતુર રહેતા. વહેલી સવારે  છાપા સાથે ઝવેરીલાલની ઉત્તમ ફોટો સ્ટોરીની લોકોને ખૂબ જ અપેક્ષાઓ રહેતી. એક કલાકાર હોવાથી ઝવેરીલાલ તસવીરોમાં લાઇટ, એન્ગલ અને કમ્પોઝિશનનું ધ્યાન રાખતા. અખબારના માલિકો પણ એમની સાથે હળવી મજાક કરી લેતા અને માન-સન્માન આપતા.

તસવીર-પત્રકારત્વ માટે 1998માં રાજ્ય સરકારે તેમને એવૉર્ડ આપ્યો હતો. ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માન આપવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)