હું તો મારા વિદ્યાર્થીઓના હાથે ટોંચાઈ ટોંચાઈને ઘડાયો છું: નગીનદાસ સંઘવી

જાણીતા રાજકીય સમીક્ષક, પ્રખર વિદ્વાન, ઇતિહાસના અધ્યાપક, પદમશ્રી અને વજુ કોટક સુવર્ણચંદ્રક જેવા સમ્માનોથી સમ્માનિત અને પોતાની કલમથી દાયકાઓ સુધી ગુજરાતી વાચકોનો પ્રેમ અને આદર મેળવનાર, નગીનદાસ સંઘવી, ના, આપણા સૌના નગીનબાપાએ શતાયુ વર્ષે જ વિદાય લીધી છે. ગુજરાતી પત્રકારત્વને ખરા અર્થમાં ન પૂરી શકાય એવી ખોટ પડી છે. હજુ થોડાક સમય પહેલાં જ ચિત્રલેખાએ એમનો વિશેષ ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો. 

એમને અંજલિરૂપે એ મુલાકાત અહીં પુનઃ પ્રકાશિત કરીએ છીએ….

(હીરેન મહેતા)


રાજકીય પંડિતોનાય ગુરુ કહી શકાય એવા પ્રખર સમીક્ષક-કટારલેખક નગીનદાસ સંઘવી ખરેખર ત્રણ દાયકા સુધી કૉલેજમાં પ્રોફેસર રહ્યા છે. હમણાં આયુષ્યના એકસોમા વર્ષમાં પ્રવેશનારા નગીનભાઈ પોતે કોઈને રોલમોડેલ કે ગુરુ માનતા નથી. એ તો કહે છે કે મને તો મારા સજાગ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો છે.

* હજારો વર્ષે ગાંધી જેવો એકાદ વિરલ યુગપુરુષ પ્રગટ થાય. જો કે એવુંય નથી કે ગાંધીમાં દોષ નહોતો કે એમણે કોઈ ભૂલ કરી નહોતી. બ્રહ્મચર્યના એમના આગ્રહને કારણે ગાંધીએ કેટલા લોકોની જિંદગી ખરાબ કરી છે એનું લિસ્ટ બનાવીએ તો એ બહુ મોટું બને

* હું આસ્તિક બિલકુલ નથી. ધર્મ એ મારા માટે અધ્યાત્મનો વિષય નથી, પણ હું માનું છું કે ધર્મ વગર કોઈ સમાજ ટક્યો નથી અને ટકી શકે પણ નહીં…

* કશ્મીરને આપણે ભારતનું અવિભાજ્ય અંગ ગણીએ છીએ, પરંતુ કશ્મીરી પ્રજાને ભારત સાથે રહેવું નથી એ હકીકત આપણે સ્વીકારી શકતા નથી…

* આપણે લાગણીના પ્રવાહમાં ખેંચાઈ જનારી પ્રજા છીએ. બૌદ્ધિક રીતે શું સાચું-ખોટું છે એ ઠેરવવાની તકલીફ આપણે લેતા નથી…

* ગુજરાતી સમાજ પરાપૂર્વથી વિભાજિત રહ્યો છે. ગુજરાત જેટલી જ્ઞાતિઓ દેશમાં બીજે ક્યાંય નથી…

ધોળા દૂધ જેવા ઝભ્ભા-લેંઘામાં એકદમ ટટ્ટાર ઊભા રહીને આ માણસ દોઢ-બે કલાક સુધી જુદા જુદા વિષય પર અવિરત બોલતો હોય ત્યારે વિશાળ શ્રોતાગણમાંથી ભાગ્યે જ કોઈ પગ છૂટો કરવાના  બહાનેય બહાર નીકળે.

આ માત્ર એ માણસની તડ ને ફડ  વાણીનો જ પ્રભાવ નથી, પરંતુ એમના જ્ઞાન અને ઊંડા અનુભવનો સાદી-સરળ ભાષામાં ઝરતો નિચોડ પણ છે, જે સામેવાળાને બાંધી રાખે છે. નગીનદાસ સંઘવી સાથે તમે સોએ સો ટકા અસહમત હો તો પણ એમના સ્વતંત્ર વિચાર, સામાન્ય માણસનેય આસાનીથી ગળે ઊતરે એ રીતની રજૂઆત અને એ પાછળના તર્કને તો તમે સલામ કર્યા વગર રહી જ ન શકો.

– અને મોટે ભાગે એવું બને કે એમને સાંભળ્યા પછી તમે એમના વિચાર સ્વીકારી લો, કમ સે કમ તમારા મગજમાં જામેલા ખોટા વિચારોનાં બાવાંજાળાં તો એ દૂર કરી જ નાખે.

આ છે નગીનદાસ સંઘવી…

રામાયણી કથાકાર મોરારિબાપુ જેમને આદર અને પ્રેમ સાથે બાપા કહીને સંબોધે છે એવા નગીનભાઈ હમણાં આયુષ્યના એકસોમા વર્ષમાં પ્રવેશ્યા. ૧૦ માર્ચ, ૨૦૧૯ એ હતો નગીનબાપાના જન્મશતાબ્દી વર્ષના પ્રવેશનો દિન.

નગીનદાસ સંઘવી એટલે પ્રખર રાજકીય સમીક્ષક. ધર્મ અને સમાજકારણમાં પણ એમનું ઘણું ખેડાણ. ‘ચિત્રલેખા’ સહિત અનેક પ્રકાશનોમાં એ વર્ષોથી નહીં, દાયકાઓથી લખતા આવ્યા છે. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી વિશેનાં પુસ્તક એમણે જેટલા અધિકારપૂર્વક લખ્યાં છે એટલા જ ગહન અભ્યાસ પછી એમણે  યોગનો ઈતિહાસથી માંડી ગીતાવિમર્શ, મહામાનવ શ્રીકૃષ્ણ  સહિતના ગ્રંથ આપણને આપ્યા છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી અઢાર પુસ્તક અને એક વિક્રમ ગણી શકાય એટલી સંખ્યામાં (૨૯) પરિચય પુસ્તિકા નગીનભાઈએ લખી છે.

નગીનભાઈ પોતે જ કહે છે એમ ધર્મ, વિજ્ઞાન, ઈતિહાસ, સમાજશાસ્ત્ર અને રાજકારણ વિશેનાં લખાણોએ એમને ઘણા આજીવન દુશ્મન આપ્યા છે તો પ્રગાઢ દોસ્તો પણ આપ્યા છે.

અત્યારે ‘ચિત્રલેખા’  ઉપરાંત બીજાં પ્રકાશનમાં એમની રાજકારણને લગતી કટાર નિયમિત પ્રસિદ્ધ થાય છે. એ માટે સજ્જ રહેવા નગીનભાઈ ભરપૂર વાંચે છે અને અનેક લોકો સાથે ગોઠડી પણ યોજે છે. આ ઉંમરે એમની આંખ થોડી કાચી પડી છે, પણ દૃષ્ટિ (અથવા તો દીર્ઘદૃષ્ટિ!) હજી સાબૂત છે. આ ઉંમરે શ્રવણશક્તિ પણ થોડી ઘટી છે, પરંતુ એમની ગ્રહણશક્તિ તથા યાદશક્તિ હજી ટકોરાબંધ જળવાઈ રહી છે.

નગીનભાઈ એટલે સાદગીના માણસ. એ સાદગી એમનાં સફેદ વસ્ત્રોમાં જ નહીં, એમનાં વાણી, વર્તન, વ્યવહાર અને લેખનમાં પણ ઝળકે. જો કે લેખનમાં એમની સાદગી તલવારની ધાર પર બિરાજે છે. એમની કલમ કોઈની સાડીબારી રાખતી નથી. પોતાના શબ્દોથી નગીનભાઈ અચ્છેઅચ્છા ચમરબંધીનેય એનું ખરું મૂલ્ય સમજાવી દે છે.

જુદા જુદા વિષયનું એમનું જ્ઞાન અગાધ છે, પરંતુ એ જ્ઞાનનો ભાર નગીનભાઈ માથે લઈને ફરતા નથી અને એટલે જ આજે ૯૯ની ઉંમર વળોટી ગયા પછી પણ એ કમ્મરેથી બેવડ વળી ગયા નથી. દરેક ગુજરાતીનું માથું ઊંચું રહે એ રીતે નગીનભાઈ ટટ્ટાર ચાલે છે.

ગુજરાતી પત્રકારત્વમાં નર્મદનું નામ એક વીર તરીકે લેવામાં આવે છે અને યોગાનુયોગ જુઓ, આયુષ્યના ૯૯મા વર્ષે નગીનભાઈ વીર નર્મદની ભૂમિ સુરત રહેવા આવ્યા છે…

નગીનભાઈના જન્મશતાબ્દી વર્ષના પ્રારંભે ‘ચિત્રલેખા’ મળે છે વિશ્ર્વભરના ગુજરાતીઓમાંના આ એક મુઠ્ઠીઊંચેરા માનવીને. પ્રસ્તુત છે એમની સાથેના વાર્તાલાપના અંશ…


‘ચિત્રલેખા’: નગીનભાઈ, ભાવનગર તમારી જન્મભૂમિ અને મુંબઈ તમારી હમણાં સુધીની કર્મભૂમિ. ૧૯૪૪માં ભણવાનું પૂરું કરી તમે એક કંપનીમાં ટાઈપિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. ઔર એક-બે જગ્યાએ કામ કર્યા પછી ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષ કટારલેખન…

૧૯૪૪થી ૨૦૧૯ એટલે કે ૭૫ વર્ષની આ યાત્રાની વાત કરીએ. આટલું લાંબું જીવન, આટલું પ્રવૃત્ત જીવન. શું કહેશો એ વિશે?

નગીનભાઈ: હું લાંબું જીવ્યો છું અને ખાતરીપૂર્વક કહું છું કે બહુ આનંદથી જીવ્યો છું. જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. વેઠ્યું પણ ઘણું છે, પરંતુ એવું તો અનેક લોકો સાથે થાય છે. મને એની ફરિયાદ નથી.

૧૯૪૪માં એક ઍડ્વર્ટાઈઝિંગ કંપનીમાં મહિને ૩૦ રૂપિયાના પગારે મેં ટાઈપિસ્ટની નોકરીથી રોજી રળવાનું શરૂ કર્યું. પછી એક ઈન્સ્યોરન્સ કંપનીમાં જોડાયો. વચ્ચે બે વાર મુંબઈથી ભાવનગર પાછો ગયો અને આવ્યો. છેવટે ૧૯૫૦ના વર્ષમાં મુંબઈની ભવન્સ કૉલેજમાં પ્રોફેસર બન્યો. એ પછીનાં બત્રીસ વર્ષ મુંબઈની જ બીજી બે (રૂપારેલ તથા મીઠીબાઈ) કૉલેજમાં ભણાવ્યું. હું રાજકારણ અને ઈતિહાસના વિષય શીખવતો. એ બન્નેની તાત્ત્વિક ભૂમિકાનો મને લેખનમાં ખૂબ લાભ મળ્યો. ખરું કહું તો એ મારા ઘડતરનાં વર્ષો હતાં.

કૉલેજમાં ભણાવતો હતો ત્યારથી જ મેં અખબારોમાં લખવાનું શરૂ કર્યું હતું અને નિવૃત્તિ પછી તો લખવાનું ચાલુ રાખ્યા સિવાય મારા પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. ૧૯૮૨માં મહિને ૭૦૦ રૂપિયાનું પેન્શન મળતું થયું, પણ એમાં ઘર ચાલે એમ નહોતું એટલે…

‘ચિત્રલેખા’: એ હિસાબે તમે અકસ્માતે કટારલેખન તરફ વળ્યા એમ કહી શકાય… એક્સિડેન્ટલ રાઈટર?

નગીનભાઈ: નિવૃત્તિ પછી ઘરનું ગાડું ચલાવવા કંઈક તો કરવું જ પડે એમ હતું. કૉલેજમાં ભણાવતો ત્યારથી હું અખબારોમાં લખતો હતો અને એ પછી બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે એ રીતે કહી શકાય કે ભૂલમાં તો નહીં, પણ અકસ્માતે હું આ રસ્તે ફંટાયો છું.

‘ચિત્રલેખા’: અને એવું કયું પ્રેરક બળ છે, જે તમને આ ઉંમરેય હાલતા-ચાલતા-દોડતા રાખે છે?

નગીનભાઈ: ઘણા લોકો આને ઈશ્ર્વરની કૃપા ગણે છે. હું મલ્લ કે પહેલવાન નથી, પણ એટલું તો નક્કી કે બીજા સામાન્ય માણસો કરતાં મારી તબિયત બહુ સારી રહી છે. મને કોઈ લાંબી માંદગી આવી નથી. હૉસ્પિટલમાં લાંબું રોકાવાનું આવ્યું નથી. અત્યારેય હું આપબળે ચાલી-ફરી-લખી શકું છું. પરદેશમાં મુસાફરી કરી શકું છું. ઘણાં બધાં કામ આ ઉંમરેય હું કરી શકું છું.

આ બધા વચ્ચે મને લાગે છે કે મારા વિચાર બીજા સુધી પહોંચાડવાની અને સામેવાળાની વાત સ્વીકારવાની મથામણ મારી જિંદગીનું પ્રેરક બળ છે.

‘ચિત્રલેખા’: તમે આસ્તિક તો નથી જ, પણ તમારું જીવન કુદરતની એક ચમત્કૃતિ છે એમ તમે માનો ખરા?

નગીનભાઈ: ના, આ કોઈ ચમત્કૃતિ તો નથી. આ ઉંમરેય હું એકલો એવો શતાયુ નથી, જે પ્રવૃત્ત હોય. કેરળમાં ૧૦૮ વર્ષનાં એક મહિલા ખેતીકામ સંભાળે છે.

મારા એક ડૉક્ટરમિત્ર કહેતા કે માણસ સરખી રીતે જીવે તો આપણું શરીર લાંબું જીવવા માટે સર્જાયું છે. સમજો કે આશરે સવા સો વર્ષ. જો કે અકુદરતી રીતનું જીવન, આખા દહાડાની હાયવોય, વધારે પડતી અપેક્ષા, એ માટેનો સંઘર્ષ, વગેરે શરીરને નુકસાન પહોંચાડે છે.

આપણું શરીર અનેક સ્વતંત્ર વિભાગનું બન્યું છે અને શરીર એક ટીમની જેમ કામ કરે છે. મારા શરીરનાં બધાં અંગ એકમેક સાથે સરખો સંવાદ સાધીને રહે છે એટલે હું લાંબું જીવી શક્યો છું.

– અને તમને ઔર એક વાત કરું. અમેરિકાના એક ડૉક્ટરે મારું શરીર ચેક કરી મને કહ્યું હતું કે મિસ્ટર, તમને હજી દસ વર્ષ વાંધો નહીં આવે… આ વાત બે વર્ષ પહેલાંની છે. એ હિસાબે હું હજી આઠ વર્ષ તો જીવવાનો જ!

‘ચિત્રલેખા’: ૧૯૪૦ના દાયકાથી તમે રાજકારણના અધ્યાપક અને એથીય વિશેષ તો અભ્યાસુ રહ્યા છો. દેશના ભાગલા પહેલાંનું અને એ પછીનું તથા નેહરુથી માંડી નરેન્દ્ર મોદી સુધીનું રાજકારણ તમે જોયું છે. આ ગાળામાં આવેલા રાજકીય પરિવર્તનને તમે કઈ રીતે મૂલવશો? અને અત્યારની પ્રજા રાજકારણને ધિક્કારની નજરે કેમ જુએ છે?

નગીનભાઈ: આઝાદી મળી ત્યારની આપણી રાજકીય નેતાગીરી એ અગાઉના (સ્વતંત્રતા પહેલાંના) યુગનો પરિપાક હતો. નેહરુ, પટેલ, મૌલાના આઝાદ, આચાર્ય કૃપલાણી, વગેરે બધા આઝાદી પહેલાંના સંઘર્ષમાં ઘડાયેલા હતા. એ વખતના રાજકારણમાં નેતાઓને શું મળે?: અ‘ગ્રેજોની લાઠી, ગાળ અને એથી આગળ જેલની સજા એટલે ખરેખર તો એમણે પોતાની પાસે જે હતું એ દેશને આપવાનું હતું.

આ સામે આઝાદી પછીના રાજકારણીઓ તો કંઈક લેવાવાળા  છે. પછી એ કોઈ હોદ્દો હોય કે બીજા લાભ હોય.

રહી વાત આજની પેઢીના રાજકારણ વિશેના અભિગમની. ગાંધીજીના વિચારોને કારણે આઝાદીની લડત દરમિયાન રાજકીય ચર્ચાને જે આદર્શવાદી ઓપ મળ્યો હતો એ આજની પ્રજા માટે નુકસાનકારક છે. આપણે એ હકીકત સ્વીકારી લેવાની જરૂર છે કે રાજકારણ કંઈ ધર્મક્ષેત્ર નથી. હવે રાજકારણમાં જોડાનારો માણસ કંઈક લેવા, સત્તા ભોગવવા, એનો ઉપયોગ કરવા જ આવે છે. મતલબ કે રાજકારણમાં સત્તા માટે ખટપટ કરવી, ખોટું બોલવું, સમાજના જુદા જુદા વર્ગ વચ્ચે અંટસ ઊભી કરવી, વગેરે બધું સ્વીકાર્ય બનવા લાગ્યું છે.

ચીમનભાઈ પટેલ કહેતા કે અમે કંઈ પોલિટિક્સમાં મંજિરાં વગાડવા નથી આવ્યા… ટૂંકમાં, રાજકારણની વ્યાખ્યા બદલાઈ છે. ગાંધીજીના આદર્શવાદી વિચારોના પ્રભાવને લીધે અત્યારે પણ આપણે રાજકારણને ખોટી રીતે સમજીએ છીએ. આપણે વાસ્તવિકતા જોતા નથી. આપણા સમાજમાં પણ આટલાં વર્ષોમાં ભારે ફેરફાર થયા છે, જેને રાજકારણથી છૂટા ન પાડી શકાય. સમાજમાં બધું બદલાય છે એમ રાજકારણમાં પણ પરિવર્તન આવવાનું જ છે.

‘ચિત્રલેખા’: આ વર્ષોમાં આપણા સમાજમાં કેવા ફેરફાર આવ્યા છે?

નગીનભાઈ: જવાબ વિચિત્ર લાગશે, પણ દુનિયાના ઈતિહાસ સાથે સરખામણી કરીએ તો ૭૦ વર્ષમાં જેટલી ઝડપથી ભારતીય સમાજ બદલાયો છે એ રીતે બીજો કોઈ સમાજ બદલાયો નથી. ૧૯૪૭ના સમાજની તો અત્યારે કલ્પના પણ થઈ શકે એમ નથી. સ્ત્રીઓ જાહેરસભામાં જાય, ચપ્પલ પહેરે, નાટક કે નૃત્યમાં ભાગ લે એવું ભાગ્યે જ જોવા મળતું. એવી જ હાલત દલિતો-આદિવાસીઓની હતી.

આપણો સમાજ એ વખતે બહુ પછાત હતો, પણ દુનિયાની સાથે થઈ જવાની બધાની હોંશ હતી, આકાંક્ષા હતી. બીજા દેશોને આંબવા આપણે દોટ મૂકવી પડે એમ હતી અને એ દોટ આપણે મૂકી. ઝડપથી આગળ વધવું હોય તો અમુક બદલાવ લાવવા-સ્વીકારવા જ પડે. બસ, આપણે ત્યાં એ જ થયું છે.

‘ચિત્રલેખા’: આ ગાળામાં દેશનું ભવિષ્ય ઘડે કે બદલી નાખે એવી પાંચેક ઘટના કઈ?

નગીનભાઈ: એવી સૌથી પહેલી ઘટના એટલે આઝાદી. ૧૯૪૬ના અંત સુધી તો દેશને આઝાદી મળશે એવું જ કોઈ માનવા તૈયાર નહોતું. બીજી એવી ઘટના એટલે ૧૯૫૬માં પંડિત નેહરુએ હિંદુ સમાજમાં ક્રા‘તિકારી કહી શકાય એવા ફેરફાર લાવનારા ચાર કાયદા ઘડ્યા એ.

૧૯૭૫ની કટોકટી પણ આવી એક ઘટના, કહો કે દુર્ઘટના હતી. ઈન્દિરા ગાંધીએ અંગત લાભ ખાતર દેશની લોકશાહી પ્રણાલી પર જબરદસ્ત પ્રહાર કર્યો. આપણી લોકશાહીમાં લોકો બહુ સક્રિય નથી. એમ છતાં ઈન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવીને ચૂંટણી યોજી ત્યારે આપણી પ્રજાએ કોંગ્રેસને કારમી હાર આપી ઈન્દિરા જેવાં જિદ્દી આગેવાનને નમાવ્યાં અને એવો સંદેશો પણ આપી દીધો કે પ્રજા બીજા કોઈ પ્રકારનું રાજ્યતંત્ર સ્વીકારવા તૈયાર નથી.

૧૯૮૧-૮૨માં શીખ સમાજે હિંદુસ્તાનથી વિખૂટા થવાનો પ્રયાસ કર્યો. ભીંદરાણવાલે જેવા આતંકીને શીખ સમાજના સર્વોચ્ચ ધર્મસ્થાન (અમૃતસરનું સુવર્ણમંદિર)માં સંરક્ષણ મળે એનાથી ખરાબ બીજું શું હોઈ શકે? પરંતુ ૧૯૮૪ની ચૂંટણી દ્વારા ભારતની પ્રજાએ પંજાબના એ આતંકવાદને પણ ખાળ્યો.

– અને હા, આ બધા વચ્ચે ઔર એક મહત્ત્વની ઘટના એટલે ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન મોરચે થયેલા યુદ્ધમાં ભારતે મેળવેલી જીત. બાંગ્લાદેશ નામના એક અલગ રાષ્ટ્રની પ્રસૂતિ આપણે સુયાણી તરીકે કરાવી પાકિસ્તાનને કમરતોડ ફટકો માર્યો અને ૧૯૪૭ના ભાગલાને કારણે આપણને જે નુકસાન થયેલું એ પણ આંશિક રીતે ભરપાઈ કર્યું.

આપણને ગમે કે ન ગમે, પણ એટલું કબૂલ કરવું રહ્યું કે કોમવાદ એ હિંદુસ્તાનમાં એક જીવંત પ્રવાહ રહ્યો છે. કોંગ્રેસના પ્રભાવને લીધે એ પ્રવાહ લાંબો સમય દબાયેલો રહ્યો, પરંતુ દરેક ચૂંટણીમાં કોમ અને જ્ઞાતિ ભાગ ભજવતાં રહ્યાં છે અને કોમવાદી વાતાવરણ પણ દેશમાં હંમેશાં રહ્યું છે.

એ કોમવાદને નબળા પડેલા રાજકારણને લીધે પ્રોત્સાહન મળ્યું, જેનું પરિણામ હતું બાબરીધ્વંસ. હિંદુસ્તાની સમાજના બે ટુકડા કરે એવો એ બનાવ હતો. હિંદુ ધર્મસ્થાનકોને તોડવા માટે આપણે જૂના જમાનાના મુસ્લિમ શાસકોને દોષ દઈએ છીએ તો એક ઈસ્લામી ધર્મસ્થાન તોડવા માટે હિંદુઓને દોષ કેમ ન દઈ શકાય? પણ હું જ્યારે બાબરી મસ્જિદના ધ્વંસ વિશે લખું છું ત્યારે ત્યારે મારે ગાળ સાંભળવી પડે છે.

‘ચિત્રલેખા’: દેશના રાજકારણની વાત નીકળે ત્યારે એક સવાલ હંમેશાં પૂછવામાં આવે કે નેહરુની જગ્યાએ સરદાર પટેલ દેશના પહેલા વડા પ્રધાન બન્યા હોત તો?

નગીનભાઈ: ૧૯૪૬માં કોંગ્રેસપ્રમુખની ચૂંટણી થવાની હતી ત્યારે પક્ષમાં સરદાર વધુ લોકપ્રિય હોવા છતાં ગા‘ધીજીએ એ હોદ્દા માટે નેહરુને પસંદ કર્યા હતા. અહીં જો કે એક વાત સમજવી જોઈએ કે ૧૯૪૬ના આ ગાળામાં કોઈને અંદાજ નહોતો કે દેશ હવે થોડા મહિનામાં આઝાદ થઈ જવાનો છે એટલે ગાંધીજીએ નેહરુની પસંદગી કોંગ્રેસપ્રમુખ તરીકે કરી હતી, ભાવિ વડા પ્રધાન તરીકે નહીં.

ગાંધીએ પટેલ કરતાં નેહરુને કેમ પસંદ કર્યા હોઈ શકે એ વિશે મેં જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ (દેસાઈ), કનૈયાલાલ મુનશી અને આચાર્ય કૃપલાણી સાથે ચર્ચા કરી હતી, પણ એમાંથી કોઈને એ વિશે લગીરે ખયાલ નહોતો. ટૂંકમાં, ગાંધીજીના એ નિર્ણય વિશે એ વખતના નેતા-રાજકારણી સહિત આપણે કશું જાણતા નથી.

૧૯૪૬નો એ ગાળો એવો હતો કે સરદાર લાંબું જીવશે એમ કોઈને લાગતું નહોતું. એ જ વરસ દરમિયાન અહમદનગરની જેલમાં બે વખત સરદારના મૃત્યુની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. નિશ્ર્ચિતપણે વહીવટકર્તા તરીકે નેહરુ કરતાં પટેલ ચડિયાતા હતા. સ્થિતિ સમજીને તાત્કાલિક એનો નિર્ણય લેવાની, નિર્ણાયક પગલાં લેવાની એમની ક્ષમતા પણ વધારે હતી. એ સામે નેહરુ એક સ્વપ્નદૃષ્ટા હતા. રાજકારણના પ્રવાહો સમજવાની અને વૈશ્ર્વિક રાજકીય પ્રવાહ સાથે ભારતને જોડવાની ક્ષમતા માત્ર નેહરુમાં હતી. આ એક કારણ હોઈ શકે કે ગાંધીએ પટેલને બદલે નેહરુને આગળ કર્યા. ગાંધીજી ભૂલ ન કરે એવું નથી, પણ એ જાણીજોઈને પક્ષપાત તો ન જ કરે. ભલે, વૈચારિક રીતે સરદાર કરતાં નેહરુ હંમેશાં બાપુથી નજીક હતા તો પણ.

‘ચિત્રલેખા’: નરેન્દ્ર મોદીની સરખામણી અનેક વખત ઈન્દિરા ગાંધી સાથે કરવામાં આવે છે…

નગીનભાઈ: એનું કારણ છે કે બન્ને વચ્ચે ઘણી સમાનતા છે. બન્ને અત્યંત કાર્યક્ષમ રાજકારણી છે. સત્તાનો ઉપયોગ કરતાં એમને આવડે છે અને ધાર્યું કરવાની જીદ પણ બન્નેમાં એકસમાન લાગે છે. બન્નેમાં પરિસ્થિતિને પારખીને એનો લાભ લેવાની આવડત છે. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનની અવદશાનો લાભ લઈ ઈન્દિરાએ એ વિસ્તાર જ પાકિસ્તાનથી વિખૂટો કરી નાખ્યો અને પરિણામે એ દુર્ગા  તરીકે પૂજાયાં તો આજે નરેન્દ્ર મોદી પણ એમના જેટલી જ લોકપ્રિયતાના ધણી બન્યા છે.

‘ચિત્રલેખા’: ભારત અને પાકિસ્તાન બન્ને એક ધરતીના ટુકડા છે તો બન્ને દેશની પ્રજાની તાસીર કેમ જુદી છે?

નગીનભાઈ: પ્રજાની નહીં, બન્ને દેશની સરકારોની-રાજકારણીઓની તાસીર જુદી છે અને એના મૂળમાં છે ભાગલા વખતથી આપણને મળેલી કશ્મીરની સમસ્યા. કશ્મીરનો સવાલ ઉકેલી શકીએ તો બન્ને દેશ વચ્ચેના મોટા ઝઘડાનું નિરાકરણ આવી જાય, પણ પાછલાં વર્ષોમાં આ મુદ્દો એટલો ગૂંચવાઈ ગયો છે અને એમાં એટલાં નવાં સમીકરણ ઉમેરાઈ ગયાં છે કે નજીકના ભવિષ્યમાં તો આ સમસ્યાનો કોઈ હલ નીકળે એમ લાગતું નથી.

કશ્મીરની બહુમતી પ્રજાને ભારત સાથે રહેવું નથી એ હકીકત છે, જે સ્વીકારવા આપણે તૈયાર નથી. ત્યાંની પ્રજાને તો પાકિસ્તાન સાથેય જવું નથી અને હવે તો આઝાદ રહેવા કે થવા વિશેય કશ્મીરી પ્રજામાં એકમત નથી.

‘ચિત્રલેખા’: એક પ્રજા તરીકે ભારતીયોની ઊડીને આંખે વળગે એવી લાક્ષણિકતા કઈ?

નગીનભાઈ: આપણી પ્રજા વિભક્ત છે-જાતજાતના વાડામાં વહેંચાયેલી છે એ. આપણો ઈતિહાસ રાજવંશી ઈતિહાસ છે. મતલબ કે એ પ્રજાની નજરે, સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને લખાયેલો નથી. ભારત પહેલાં વિશ્ર્વ વેપારનું મોટું મથક હતું એ કબૂલ, પણ ભારતની બહુમતી પ્રજા એ વખતેય સુખી કે સમૃદ્ધ હતી ખરી? એનો જવાબ છે: ના, કારણ કે આપણી પ્રજા વર્ષો સુધી દબાયેલી-કચડાયેલી રહી છે. કોઈ સમૃદ્ધ પ્રજા શા માટે એ અવસ્થામાં રહે?

દેશની પ્રજા સમૃદ્ધ હોય, સંતુષ્ટ હોય તો એ પ્રજામાં એકતા હોય. એવી એકતા આપણી પ્રજામાં હોત તો આપણે દરેક આક્રમણ વખતે હાર્યા કેમ? ગ્રીકથી માંડી શક, હુણ, મુસલમાન, ખ્રિસ્તી એમ દરેક પ્રજા આપણને હરાવી ગઈ છે. કેમ એમ? એનું કારણ એ છે કે આપણે એક થઈને રહી શક્યા નથી. ઊંચ-નીચના ભેદ બધા સમાજમાં હશે, પણ આપણા જેવી જ્ઞાતિપ્રથા બીજે ક્યાંય નથી. મુઠ્ઠીભર માણસો પોતાના જ્ઞાનથી, પોતાના બાહુબળથી, પૈસાથી બધાને દબાવેલા રાખે છે.

‘ચિત્રલેખા’: સમાજમાં કોઈ એક પરિવર્તન લાવવું હોય તો એ કયું હોઈ શકે?

નગીનભાઈ: દેશની પ્રજામાં બૌદ્ધિક અભિગમ કેળવાય એ બહુ જરૂરી છે. આજે આપણે દરેક વાતને લાગણી સાથે જોડીએ છીએ, બુદ્ધિ સાથે નહીં. પરિણામે આપણે લાગણીના પ્રવાહમાં ખેંચાઈએ છીએ અને બૌદ્ધિક રીતે સાચું-ખોટું ઠેરવવાની તકલીફ લેતા નથી. એ તાલીમ લેવાની આપણે જરૂર છે.

‘ચિત્રલેખા’: તમે ક્યારેય કોઈને ગુરુ કે તમારા રોલમોડેલ માન્યા છે ખરા?

નગીનભાઈ: કોઈ એક માણસ બીજાનો આદર્શ કઈ રીતે હોઈ શકે? આપણે દરેક ક્ષેત્રના આદર્શ સ્વીકારવા જોઈએ. દત્તાત્રેયે પણ એક નહીં, પૂરા ચોવીસ ગુરુ સ્વીકાર્યા હતા. ગાંધીજીને હું એક અદભુત યુગપુરુષ ગણું, પણ એમનામાં દોષ નથી એ હું ન માનું.

– અને એક શિક્ષક માટે તો એના ખરા ગુરુ એના વિદ્યાર્થી જ હોય ને?! વિદ્યાર્થી એટલે જેને વિદ્યાની ભૂખ હોય, ચાહના હોય એ. આખા ક્લાસમાં બધા એવા વિદ્યાર્થી ન હોય, પણ ચાર-પાંચ પણ એવા મળી જાય, જે તમને ટોંચી ટોંચીને સજાગ રાખે, ક્યાંયથી ખોળી ખોળીને સવાલ પૂછે, જવાબ શોધવા મજબૂર કરે તો શિક્ષકનો જન્મ સાર્થક થાય. મને એવા વિદ્યાર્થી મળ્યા-મળતા રહ્યા એટલે હું પોતે આટલો સજાગ રહ્યો છું.

(લેખક ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર છે. આ લેખ ‘ચિત્રલેખા’ના ૧-૪-૨૦૧૯ અંકમાં પ્રકાશિત થયો હતો.)

વિશેષઃ

નગીનદાસ સંઘવીએ ‘ચિત્રલેખા’ને આપેલી વિશેષ મુલાકાતનો જુઓ વિડિયો…