પિતાની યાદમાં વતન ગામમાં પુસ્તકાલય બંધાવ્યું

પુસ્તકો આપણા સાચા મિત્ર છે. સારા પુસ્તક જીવનના કઠિન સવાલોનો સરળતાથી  ઉકેલ આપે છે. જ્ઞાન, સંસ્કાર અને સંસ્કૃતિના ભંડારથી ભરેલા પુસ્તકો માણસના આખાય જીવનમાં પરિવર્તન લાવી શકે છે. પણ સમાજમાં દરેક વ્યક્તિ પુસ્તકો ખરીદવા કે એના સુધી પહોંચવા સક્ષમ હોતા નથી. કેટલાક ગામ હજુય સારા પુસ્તકો અને પુસ્તકાલયથી વંચિત છે. પરંતુ સમાજમાં કેટલાક લોકો એવા છે જે પરિવારના સ્વજનોની યાદમાં પુસ્તકાલય પણ  બનાવે છે. તાજેતરમાં જ અમદાવાદના  હિમાંશુ વ્યાસે પિતા ચિમનલાલ મકનજી વ્યાસની યાદમાં વતન કોંઢ-ધાંગધ્રા ખાતે આધુનિક પુસ્તકાલય તૈયાર કરાવી લોકાર્પણ કરાવ્યું.

કોંઢમાં પુસ્તકાલય લોકાર્પણ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રી કિરીટસિંહ, ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ, કોંઢ સરપંચ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકીય ક્ષેત્રે , શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય એવા હિમાંશુ વ્યાસ ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, મારા પિતા ચિમનલાલ મકનજી વ્યાસનો જન્મ ધાંગધ્રા પાસેના કોંઢ ગામમાં થયો હતો. સાત ધોરણ સુધી ગામની શાળામાં ભણ્યા. ગામમાં અંગ્રેજી વિષય નહોતો એટલે સર અજીતસિંહ શાળા, ધાંગધ્રા ખાતે ભણવા ગયા. ત્યાં સાતમું ધોરણ પાસ ચિમનલાલને અંગ્રેજીના કારણે પાંચમા ધોરણમાં બેસાડ્યા. એમણે ધાંગધ્રામાં શાળાની જગ્યાએ મહાદેવ મંદિરમાં બેસી વાંચન અભ્યાસ વધાર્યો. એ સમયે શિક્ષક થવા માટેના અભ્યાસ માટે પસંદગી થઇ. ભાવનગરના ત્રાપજમાં અભ્યાસ કર્યો. જે ગામની શાળામાં નોકરી મળી ત્યાં સરકારમાં પત્રો લખી શાળાની જગ્યા, ઇમારત અપાવી. એમના વાંચન અને અભ્યાસ પ્રત્યેના પ્રેમના કારણે એ એક સારા શિક્ષકની સાથે શાળાના સારા સંચાલક થઇ શક્યા. અમદાવાદની સાધના, દિવાન બલ્લુભાઇ, પાલડી જેવી શાળાઓમાં ફરજ બજાવી. અમૃતજ્યોતિ જેવી શાળામાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી. આખુંય જીવન શિક્ષણ, શિક્ષકો વચ્ચે રહી એ પોતે એક વિદ્યાર્થી તરીકે રહ્યા. સતત કંઇક શીખવાનો પ્રયાસ કર્યો. જ્ઞાન વૃદ્ધિ માટે સતત વાંચતા રહ્યા.

હિમાંશુ વ્યાસ વધુમાં કહે છે, પિતાજીની આ વાંચનની ટેવના કારણે શિક્ષણમાં સારી નામના મેળવી શક્યા. એ વાતને ધ્યાનમાં રાખી એમના જ ગામ કોંઢમાં એક પુસ્તકાલય બનાવવાનું નક્કી કર્યું. ગામના સરપંચથી માંડી પરિવારના સૌ સભ્યોએ ખૂબજ સહકાર આપ્યો. કોંઢમાં પુસ્તકાલય તૈયાર થયું. ઇન્ટરનેટ સુવિધા, સાહિત્યથી સાયન્સ જેવા લગભગ તમામ વિષયો સાથેના પુસ્તકો પુસ્તકાલયમાં મુકવામાં આવ્યા છે. ગામ અને આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે, આગળ વધે એ માટે આ પુસ્તકાલયમાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. જ્ઞાન સાથે ગમ્મત થાય એવા કાર્યક્રમોનું આયોજન  પણ પુસ્તકાલયના પ્રાંગણમાં સતત કરવામાં આવશે. એટલે કોંઢ ગામનું આ પુસ્તકાલય જીવંત રહે.

પુસ્તકાલયના પ્રોજેક્ટ વિશે કુસુમ વ્યાસ કહે છે, એમનાં સસરા ચિમનલાલ ગામની વાત નીકળે એટલે ભાવુક થઇ જતા. શિક્ષણ અને પુસ્તકો મેળવવા એમને પડેલી તકલીફો યાદ કરતાં હતાં. હિમાંશુ અને પરિવારે નક્કી કર્યું કે કોંઢમાં વાંચન સાથે શિક્ષણ મળે એવું પુસ્તકાલય તૈયાર કરવું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)