મુગલ ગાર્ડનઃ રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્યાનોત્સવ…

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ખુલ્લો મૂકવામાં આવતો ઐતિહાસિક મુગલ ગાર્ડન આ વખતે પણ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દુર્લભ અને રંગબેરંગી એવા ફૂલોથી સજ્જ આ ગાર્ડન 10 માર્ચ સુધી ખુલ્લો રહેશે. 15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં આ વખતે જુદા જુદા આઠ પ્રકારનાં 10 હજાર જેટલા ટ્યૂલીપ ફૂલો ખીલ્યા છે. તો 135 પ્રકારનાં ગુલાબનાં ફૂલ ઉપરાંત બીજાં અનેક છોડ, પાણીનાં ફૂવારા-ઝરણાં જોવાની મજા લેવા જેવી છે. ગાર્ડનની મુલાકાત માટે કોઈ ફી રાખવામાં આવી નથી. પ્રવેશ મફત છે. સોમવાર સિવાય મંગળવારથી રવિવાર સુધી આ ગાર્ડનની મુલાકાત લઈ શકાય છે. સમય છે સવારે 9.30 થી સાંજે 4 સુધી. નવી દિલ્હીમાં નોર્થ એવેન્યૂ નજીક રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર-35માંથી મુગલ ગાર્ડન માટેની એન્ટ્રી છે.

ગાર્ડનમાં ફોટોગ્રાફી માટે સ્માર્ટ મોબાઈલ ફોન લઈ જવાની પરવાનગી છે. ઉપરાંત પીવાનાં પાણીની બોટલ અને નાનકડું પર્સ પણ લઈ જઈ શકાય. પરંતુ, કેમેરા, બેગ કે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ જવાની પરવાનગી નથી.

મુગલ ગાર્ડન (રાષ્ટ્રપતિ ભવન)ની સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન છે સેન્ટ્રલ સેક્રેટરિએટ. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પાલમ એરપોર્ટથી રાષ્ટ્રપતિ ભવન 11.2 કિ.મી. દૂર આવેલું છે. તો નવી દિલ્હી રેલવે સ્ટેશનથી 6 કિ.મી., જૂના દિલ્હી રેલવે સ્ટેશનથી 10.2 કિ.મી., નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી 7.5 કિ.મી., આનંદ વિહાર રેલવે સ્ટેશનથી 17.1 કિ.મી. દૂર આવેલું છે.

આ વખતે પહેલી જ વાર મુગલ ગાર્ડન જોવા માટે એડવાન્સ બુકિંગ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. એ માટે રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટની નીચેની લિન્ક પર ક્લિક કરો.

httpss://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx