એર ઈન્ડિયાનાં પ્રવાસીઓ માટે દહીં-ભાત, જલજીરા

કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના પ્રવાસીઓ માટેનું મેન્યૂ આવતી 1 એપ્રિલથી ધરખમપણે બદલાવાનું છે. મોંઘેરાં પ્રવાસીઓને એમની સફર દરમિયાન વિમાનમાં કર્ડ-રાઈસ (દહીં-ભાત), જલજીરા, મિઠાઈ મળશે.

અહેવાલ અનુસાર, અમેરિકા જતી ફ્લાઈટ્સમાં ઉનાળાની મોસમ દરમિયાન ગ્રીન સલાડની જગ્યાએ કર્ડ-રાઈસ (દહીં-ભાત), બિઝનેસ ક્લાસના પ્રવાસીઓને કોઈ પણ સમયે કોફી, ભારતના અગ્રગણ્ય કંદોઈઓ દ્વારા બનાવાયેલી મિઠાઈ તથા મીઠા ફ્રૂટ જ્યુસને બદલે કેરી પન્ને (આમ-પન્ના) અને જલજીરા જેવા પરંપરાગત વેલકમ ડ્રિન્ક્સ આપવામાં આવશે.

એર ઈન્ડિયાએ આ ઉપરાંત બીજા પણ અમુક મહત્ત્વનાં નિર્ણયો લીધા છે. જેમ કે, પ્રવાસીઓને તળેલી ચીજવસ્તુઓ પીરસવાને બદલે ઉપમા કે પૌઆ – સાથે ચા, આપવામાં આવશે.

પ્રવાસીઓનાં આરોગ્યને ધ્યાનમાં લઈને તેમજ મેન્યૂમાં પરંપરાગત ભારતીય વાનગીઓનો સ્પર્શ ઉમેરવાના ઉદ્દેશ્ય સાથે આ ફેરફારો કરવામાં આવનાર છે.

એક સિનિયર અધિકારીનું કહેવું છે કે ખાદ્યપદાર્થોની વધુ સારી ગુણવત્તા, સ્વાદ, પીરસવાની પદ્ધતિ તથા પસંદગી પર અમે ખાસ કેન્દ્રીત કરીશું. તળેલી (ફ્રાઈડ) ચીજવસ્તુઓ ટાળવામાં આવશે અને બ્રેકફાસ્ટ, લંચ/ડિનર, હાઈ ટી, વેલકમ ડ્રિન્ક્સમાં ફેરફારો કરવામાં આવશે.

આ ફેરફારો વિશે એરલાઈનમાં એક ઈન્ટરનલ નોંધ સર્ક્યૂલેટ કરવામાં આવી છે.

એર ઈન્ડિયા કેટરિંગ સેવાઓ માટે દર વર્ષે રૂ. 800 કરોડ ખર્ચે છે. છેલ્લા બે વર્ષથી એર ઈન્ડિયા તેના મેન્યૂમાં ફેરફારો કરતી આવી છે.

ઉનાળાની મોસમને ધ્યાનમાં લઈને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરના પ્રવાસીઓને સ્વીટ ફ્રૂટ જ્યૂસને બદલે આમ પન્ના, જલજીરા, મસાલા લસ્સી, છાશ જેવાં પીણાંઓ પીરસવામાં આવશે.

એવી જ રીતે, બ્રેકફાસ્ટમાં, સુધારેલાં ફળને બદલે ચિલ્ડ ફ્લેવર્ડ યોગર્ટ (દહીં), બ્રેડ રોલ આપવામાં આવશે. પ્લેઈન સોફ્ટ રોલ્સને બદલે પ્રવાસીઓને મસાલા બ્રેડ આપવામાં આવશે.

લંચ/ડિનરમાં, ત્રણને બદલે બે કોર્સ સર્વ કરશે. ગ્રીન સલાડની જગ્યાએ ફૂદીના (મિન્ટ) અને આદુમિશ્રિત ટોમેટો ચટની આપવામાં આવશે. તળેલી અને પેક્ડ ફૂડ આઈટમ્સને બદલે એરલાઈન પાવ-ભાજી, કટલેટ્સ/પફ્સ, રગડા પેટીસ, વેજિટેબલ ઉપમા કે વેજિટેબલ પૌઆ પીરસશે.

એર ઈન્ડિયાએ કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં તો મેન્યૂમાં આ ફેરફારોને અમલમાં મૂકી પણ દીધાં છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર આ ફેરફારો 1 એપ્રિલથી અમલમાં આવશે.

એક આહારનિષ્ણાતનું કહેવું છે કે દહીં-ભાત આઈટમ સારી છે. કર્ડ-રાઈસ પેટ માટે હળવું ફૂડ છે અને લાંબી ફ્લાઈટ્સ દરમિયાન પ્રવાસીઓને કમ્ફર્ટેબલ રહેવામાં મદદરૂપ થઈ શકે છે. એવી જ રીતે, કેરી-પન્ને, છાશ જેવી ચીજ પણ આરોગ્ય માટે હંમેશાં સારી જ હોય છે. ટીન કે પેકેજ્ડ જ્યૂસ કરતાં આ ચીજો સ્વાસ્થ્ય માટે સારી ગણાય. પેકેજ્ડ જ્યૂસીસમાં સાકરનું પ્રમાણ વધારે રહેતું હોય છે.