આવતી કાલે સૂર્ય, પૃથ્વી અને મંગળ સીધી લાઇનમાં

ખગોળ વિજ્ઞાન માટે 13 ઓક્ટોબર એટલે કે આવતી કાલની રાત ખૂબ જ વિશેષ રહેશે. આવતી કાલે રાત્રે લાલ ગ્રહ મંગળ પૂર્વ દિશામાં સરળતાથી જોવા મળશે. આ દિવસે મંગળ એટ ઓપોઝિશનની ઘટના પણ બની રહી છે. તેનો અર્થ એવો છે કે મંગળવારે સૂર્ય, પૃથ્વી અને મંગળ આ ત્રણેય ગ્રહ એકસાથે સીધી એક લાઇનમાં આવી જશે.

ભોપાલનાં વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારુએ જણાવ્યું હતું કે હાલના દિવસોમાં સૂર્યાસ્ત પછી પૂર્વ દિશામાં લાલ ગ્રહ મંગળ સરળતાથી જોવા મળી રહ્યો છે. મંગળવારે મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું રહેશે. એ દિવસે મંગળ ગ્રહ 6.20 કરોડ  કિમીના અંતરે સ્થિત રહેશે. જેને કારણે મંગળવારની રાત્રે મંગળ ગ્રહ વધુ મોટો અને લાલ જોવા મળશે. 2020 પછી 11 સપ્ટેમ્બર, 2035એ મંગળ ગ્રહ વધારે નજીક આવી જશે. એ સમયે મંગળ અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘટીને 5.69 કરોડ કિમી રહી જશે. એ સમયે પણ મંગળ વધુ મોટો અને લાલ જોવા મળશે.દર 26 મહિનામાં મંગળ-પૃથ્વી એકબીજાની નજીક
મંગળ અને પૃથ્વી બંનેની વચ્ચેનું અંતર દર 26 મહિનામાં સામાન્ય અંતરથી ખૂબ જ ઓછું થઈ જાય છે. એવું એટલા માટે થાય છે કે આ બંને ગ્રહ અંડાકાર માર્ગ પર સૂર્યની પરિક્રમા કરે છે. આ બંને ગ્રહ પોતાની કક્ષામાં થોડી ડિગ્રી નમેલા હોય છે. જેના કારણે બંને ગ્રહોની વચ્ચેનું અંતર વધઘટ થતું રહે છે.

20 વર્ષ પછી ગુરુ અને શનિ પણ એકમેકની પાસે
આ સમયે ગુરુ અને શનિની વચ્ચેનું અંતર પણ ઘટી ગયું છે. આ બંને ગ્રહ આકાશમાં આપણા માથા ઉપર જોવા મળી રહ્યા છે. ટેલિસ્કોપ અને કોઇ ખગોળ નિષ્ણાતની મદદથી આ બંને ગ્રહોને સરળતાથી જોઈ શકાય છે. હાલ ચંદ્ર ઉદય ખૂબ જ મોડો થાય છે એટલે મંગળ, ગુરુ અને શનિને ઓળખવા વધારે મુશ્કેલ નથી.

મંગળ ગ્રહની જાણી-અજાણી વાતો

મંગળ એ પૃથ્વી જેવી જ સપાટી ધરાવતો ગ્રહ છે, તેના પર જ્વાળામુખીથી માંડીને ખીણો, રણ અને ધ્રુવીય બર્ફીલા શિખરો આવેલાં છે, પરંતુ મનુષ્યનું આ ગ્રહ ઉપર રહેવું અશક્ય છે.

પૃથ્વી 365 દિવસ અને છ કલાકમાં સૂર્યની ફરતે એક પરિક્રમા પૂરી કરે છે, જ્યારે મંગળને સૂર્યની એક પરિક્રમા પૂરી કરવા માટે 687 દિવસ લાગે છે. આ પૃથ્વી કરતાં લગભગ બમણો સમય છે. તેથી મંગળ પર એક વર્ષ 687 દિવસનું હોય છે.

મંગળ પર ધ્રુજાવી દેતી ઠંડી અને ધૂળવાળા વાવાઝોડા પૃથ્વી કરતાં ઘણાં વધારે છે. ઉનાળામાં અહીંનું તાપમાન 30 ડિગ્રીની આસપાસ હોય છે, પરંતુ શિયાળામાં એ માઈનસ 140 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જાય છે. આવી ઠંડીમાં તો માણસ જામીને બરફ થઈ જાય.

 મંગળ અને પૃથ્વી પર એક સામ્યતા

મંગળ અને પૃથ્વી પર એક સામ્યતા છે. પૃથ્વીની જેમ મંગળ ઉપર પણ વર્ષમાં ચાર ઋતુઓ હોય છે – પાનખર, ઉનાળો, શરદ અને શિયાળો. જોકે મંગળ ઉપરની દરેક ઋતુઓ પૃથ્વીની સરખામણીમાં લગભગ બમણી હોય છે.

પૃથ્વી અને મંગળ પરના ગુરુત્વાકર્ષણનું બળ અલગ-અલગ છે. જેના કારણે કોઈ વ્યક્તિનું પૃથ્વી ઉપર 100 કિલોગ્રામ વજન છે, તો મંગળ ઉપર જવાથી તેનું વજન 38 કિલોગ્રામ થઈ જશે.

પૃથ્વીને એક જ ચંદ્ર છે ત્યાં મંગળ ઉપર ફોબોસ અને ડેમિયોસ નામના બે ચંદ્ર છે. ફોબોસનો વ્યાસ 13.8 માઇલ છે, જ્યારે ડેમિયોસનો વ્યાસ 7.8 માઇલ છે.

પૃથ્વી અને મંગળ લગભગ દર બે વર્ષે એકબીજાની સૌથી નજીક આવે છે. આ સમય દરમિયાન મંગળ પૃથ્વી પરથી નરી આંખે પણ જોઇ શકાય છે.

ફેબ્રુઆરી, 2021એ મંગળ ઉપર નાસાનું રોવર ઊતરશે
દર અઢી વર્ષે મંગળ અને પૃથ્વીની વચ્ચેનું અંતર ઘટી જાય છે, એવામાં આ સમયે મંગળ મિશન માટે સૌથી સારું રહે છે. ફેબ્રુઆરી 2021માં નાસાનું પર્સેવેરેન્સ રોવર મંગળ ઉપર ઉતરશે. આ સિવાય ચીન અને યુએઈના અંતરિક્ષ યાન પણ મંગળની યાત્રા કરી રહ્યાં છે.