ટ્વિટર પર સ્ત્રીઓને ટ્વિટર છોડવાનો અનુરોધ કેમ?

સ્ત્રીઓ એક દિવસ માટે ટ્વિટર છોડવાની વાત કેમ કરી રહી છે? #WomenBoycottTwitter નો ટ્રેન્ડ હૉટ છે. આવું કેમ બન્યું? શું આ ટ્રેન્ડ ભારતનો છે? કારણકે ભારતમાં આજકાલ ફેમિનિઝમની ચળવળ ચાલી રહી છે પરંતુ આ ટ્રેન્ડ પાછળની કહાણી કંઈક જુદી જ છે. આ ટ્રેન્ડ ભારતની મહિલાએ નહીં, પણ અમેરિકાની એક મહિલાએ શરૂ કર્યો છે.

આ મહિલા પાછી બીજી કોઈ નહીં પણ અભિનેત્રી છે. રોઝ મેકગૉવન નામ છે એનું. એનું ટ્વિટર ખાતું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એના પર ટ્વિટરની નીતિનિયમોનો ભંગ કરવાનો આક્ષેપ છે.પ્રશ્ન એ થાય કે એક અભિનેત્રીએ એવું શું કર્યું કે જે ટ્વિટરની નીતિનિયમોનું ઉલ્લંઘન થઈ ગયું? મેકગોવનનું કહેવું છે કે તે ટ્વિટરનો સીમિત ઉપયોગ જ કરી શકે છે. તે ટ્વીટ વાંચી શકે છે અને ડાયરેક્ટ મેસેજ કરી પણ શકે છે પરંતુ કોઈ ટ્વીટ કરી શકતી નથી, ટ્વીટના જવાબ આપી શકતી નથી કે રિટ્વીટ કરી શકતી નથી. આવું કેમ થયું?
હકીકતે વાત એવી છે કે ‘સેક્સ લાઇઝ એન્ડ વિડિયોટેપ્સ ફેમ હૉલિવૂડના નિર્માતા હાર્વે વેઇનસ્ટેઇન સામે કેટલીક મહિલાઓએ જાતીય શોષણ કરવાનો આક્ષેપ કર્યો છે. અને રોઝ મેકગૉવન ટ્વિટર પર તેમનું સમર્થન કરી રહી હતી. રોઝે માત્ર હાર્વે જ નહીં પણ આવા બીજા પુરુષ શોષણકર્તાઓ સામે અવાજ બુલંદ કર્યો છે. પ્રશ્ન એ થાય કે રોઝ તો સારું કામ કરી રહી હતી તો પછી ટ્વિટરે તેનું ખાતું સસ્પેન્ડ કેમ કરી નાખ્યું? ટ્વિટરની દલીલ અથવા તો બચાવ છે કે રોઝે એક પર્સનલ નંબર ટ્વિટર પર જાહેર કરી દીધો છે જેનાથી ટ્વિટરના નીતિનિયમોનો ભંગ થાય છે.

જોકે ટ્વિટરવાસીઓને લાગી રહ્યું છે કે સિસ્ટમિક હેરેસમેન્ટ સામે અવાજ ઉઠાવનાર રોઝનો અવાજ દબાવવા માટે રોઝની સામે ટ્વિટરે આ પગલું ભર્યું છે. ટ્વિટરનો બહિષ્કાર કરવાની સૌ પ્રથમ અપીલ સૉફ્ટવેર એન્જિનિયર કેલી એલીસે કરી હતી. તેને લાગ્યું કે રોઝની પડખે ઊભો રહેવાનો આ એક ઉપાય છે. ટ્વિટરવાસીઓને લાગે છે કે ટ્વિટર પારદર્શક નથી અને સતામણી વિરોધી પ્રયાસો પૂરતા નથી. ડેઇલી ડૉટના લેખક એના વલેન્સ મુજબ, “ટ્રૉલ અને જમણેરી લોકોના કારણે સ્ત્રીઓ ટ્વિટરથી ભાગી રહી છે.” જોકે આ વાત અહીં લાગુ પડતી નથી લાગતી.

ટ્વિટર પર પૂર્વગ્રહયુક્ત વલણ અપનાવવાનો આક્ષેપ લાગતો રહ્યો છે. મિડિયા પૂર્વગ્રહયુક્ત હતું તેવા આક્ષેપો થતાં રહ્યાં છે ત્યારે સોશિયલ મિડિયા એક સ્વતંત્ર મિડિયા તરીકે ઉભરી રહ્યું હતું પણ હવે ટ્વિટર પણ પક્ષપાતી બની રહ્યું હોવાના આક્ષેપ થવા લાગ્યા છે. ભારતમાં રાષ્ટ્રવાદી વિચારો વ્યક્ત કરનાર પર ટ્વિટર આકરું થઈ રહ્યું છે.

રાષ્ટ્રવિરોધી બેફામ વિચારો વ્યક્ત કરનારા સામે કોઈ પગલાં લેવાતાં નથી. ગાયક અભિજીત ભટ્ટાચાર્ય, સોનુ નિગમ અને સાંસદ-અભિનેતા પરેશ રાવલનાં ખાતાં બંધ કરાવવા કાશ્મીર સહિતના મુદ્દે રાષ્ટ્રવિરોધી વિચારો વ્યક્ત કરનાર અરુંધતી રોય અને જેએનયુની ડાબેરી ગેંગ સક્રિય છે. જેએનયુની ડાબેરી અને ઘોર ભાજપ વિરોધી શેહલા રશીદ સામે અભિજીતે તેની જ ભાષામાં જવાબ આપતાં ટ્વિટરે તેમનું ખાતું સસ્પેન્ડ કરી નાખ્યું હતું. અભિજિતના સમર્થનમાં ગાયક સોનુ નિગમે ટ્વિટર છોડી દીધું હતું.

અરુંધતી રોયે કહ્યું હતું કે ભારત તેની સેના સાત લાખથી વધારી સિત્તેર લાખ કરે તો પણ કાશ્મીર ભારતના હાથમાં આવવાનું નથી. તેના જવાબમાં સાંસદ પરેશ રાવલે કંઈક એવું લખ્યું હતું કે અરુંધતી રોયને જીપ સાથે બાંધીને પથ્થરબાજો સામે સેનાએ લડવું જોઈએ. આના જવાબમાં ટ્વિટરે પરેશ રાવલને આ ટ્વીટ પાછું ખેંચવા ફરજ પાડી હતી. પરેશ રાવલે ટ્વીટ તો પાછું ખેંચી લીધું પણ લખ્યું કે તેમને આમ કરવા ફરજ પડાઈ રહી છે.