ધિસ વૉટ્સઍપ ઍપ મીન્સ બિઝનેસ!

વૉટ્સઍપ હવે આપણા માટે વ્યસન બની ગયું છે. તેના વગર ચાલે જ નહીં!  અનેક મેસેન્જર ઍપ વૉટ્સઍપ જેવી આવી ગઈ, પરંતુ વૉટ્સઍપનું સ્થાન ડગમગ્યું નથી. સવાર પડે ને વૉટ્સઍપ, બપોર પડે ને વૉટ્સઍપ, રાત પડે ને વૉટ્સઍપ! આપણે ત્રિકાળ સંધ્યા નથી કરતા, પરંતુ વૉટ્સઍપ જરૂર કરીએ છીએ!

પરંતુ કોઈ પણ ગણતરીબાજ અને એટલે ગુજરાતીને પ્રશ્ન થાય કે વૉટ્સઍપ ઍપ મફતમાં આપણને આટલો સંદેશાવ્યવહાર કરવાની છૂટ કેમ આપે છે? તેમાંથી તેને શું મળે છે? પરંતુ હવે વૉટ્સઍપની જે નવી યોજના બહાર આવી છે તે બતાવે છે કે ધીમે ધીમે વૉટ્સઍપ બિઝનેસ તરફ વળી રહી છે.

વૉટ્સઍપ હવે તો ફેસબૂક કંપનીની માલિકીની ઍપ બની ગઈ છે. ફેસબૂક પર માર્કેટિંગ બહુ જ થાય છે. વૉટ્સઍપ દ્વારા વેપાર કરવા અને વેપાર કરાવવા માટે ફેસબૂક કંપનીએ એક નવી ઍૅપ તરતી મૂકી છે. આ ઍપનું નામ છે વૉટ્સઍપ બિઝનેસ. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ ઍપ સામાન્ય ચિટચેટ કે મેસેજ પાસ કરવા નથી, પરંતુ સિરિયસ બિઝનેસ કરવા માટે છે. જે લોકો વેપારીઓ છે તેમના માટે આ ઍપ છે જેના વડે તેઓ તેમના વપરાશકારો સાથે સંદેશાવ્યવહાર કરી શકશે.

આ ઍપ વડે ફેસબૂક કંપની આવક શરૂ કરવા વિચારે છે. વૉટ્સઍપ બિઝનેસ ઍપ ત્રાહિત (થર્ડ પાર્ટી) વેબસાઇટ પરથી પણ ડાઉનલૉડ થઈ શકે છે અને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી તો ખરી જ.

વૉટ્સઍપ બિઝનેસથી વેપારીઓને શું ફાયદો થશે તેની જો વાત કરીએ તો, વેપારીઓને વિશ્લેષણના આંકડા મળશે. તેમના વપરાશકારો તેમની સાથે કેટલી વાર સંદેશાવ્યવહાર કરે છે, તેમના (વેપારીઓના) સંદેશા કેટલા લોકપ્રિય છે, વગેરે. આ ઍપ આવશે એટલે એવું નથી કે અત્યાર સુધી વૉટ્સએપમાં તમે જે તમારું ખાતું ધરાવતા હતા તે બંધ થઈ જશે. વેપારીઓ આનંદપ્રમોદ, ટાઇમ પાસ અને કેટલીક ગંભીર વાતો માટે પોતાનું અંગત ખાતું એટલે કે વૉટ્સએપ તો ચાલુ રાખી જ શકશે. વૉટ્સએપ બિઝનેસ પર તેમને વધારાનું ખાતું મળશે.

જોકે અત્યારે તમારે ગૂગલ પ્લે સ્ટૉરમાંથી આ ઍપ ડાઉનલૉડ કરવી હશે તો એક તકલીફ એ છે કે તેઓ તેને તો જ જોઈ શકશે જો તેઓ ખાનગી બૅટા પ્રૉગ્રામનો ભાગ હોય. જો વપરાશકારો એક સર્વેક્ષણનો જવાબ આપે અને તે સ્વીકારાય તો જ આ પ્રૉગ્રામમાં તેમને દાખલો મળે છે. ઍપની APK ફાઇલ ડાઉનલૉડ કરી શકાય પરંતુ તેના માટે પણ વપરાશકારોએ ખાનગી બૅટા પ્રૉગ્રામનો ભાગ હોવો જરૂરી છે.

ફેસબૂકની કંપનીની આ ઍપ માટે વેપારીઓ-ઉદ્યોગોને તેમના બિઝનેસ નંબરને વૉટ્સએપ બિઝનેસમાં માઇગ્રેટ થવાનો વિકલ્પ પણ આપે છે. વપરાશકારોને માટે ત્રણ વિકલ્પો રહેલા છેઃ તેઓ જે ફોન પર વૉટ્સઍપ હોય તેમાં જ વૉટ્સઍપ બિઝનેસ પણ ઇન્સ્ટૉલ કરી શકે છે, પરંતુ બિઝનેસ ખાતા સાથે બીજો નંબર જોડાશે.

આ સિવાય વપરાશકારો વૉટ્સઍપ બિઝનેસ માટે તેમનો લેન્ડલાઇન નંબર પણ નોંધાવી શકે છે. આ કિસ્સામાં પણ વેપારીઓ-ઉદ્યોગપતિઓ એ જ ફૉન પર વૉટ્સઍપ બિઝનેસ ઇન્સ્ટૉલ કરી શકે છે જેમાંથી તેઓ અંગત વૉટ્સઍપ વાપરતા હતા. ત્રીજો વિકલ્પ એ છે કે વપરાશકારો બે અલગ ફૉન રાખે અને તેમનાં અંગત અને બિઝનેસ ખાતાં અલગઅલગ રાખે.

તમે જ્યારે વૉટ્સૅઍપ બિઝનેસમાં સાઇન અપ કરશો, ત્યારે તમને તમારો વેપાર પસંદ કરવાની શ્રેણી મળશે જેમ કે વસ્ત્રો, મનોરંજન, નાણાં ધીરધાર અને બૅન્કિંગ, જાહેર અને સરકારી સેવાઓ વગેરે. આ તો ઠીક, પણ વ્યસ્ત વેપારીઓ-ઉદ્યોગપતિઓને ગમે તેવી એક સુવિધા એ છે કે જો તમે વેપારધંધાથી પરવારી ઘરે કુટુંબ સાથે સમય ગુજારતા હો અને ગ્રાહક વૉટ્સએપ બિઝનેસ મારફતે તમારો સંપર્ક કરે તો તેમાં સ્વયંભૂ પ્રતિભાવ આપી શકાશે જેને ‘અવે મેસેજિસ’ કહે છે. આનાથી તમારા ગ્રાહકોને તરત જ જાણ થશે કે તમે અત્યારે વેપારધંધા પર નથી. આ ‘અવે મેસેજિસ’નો સમય પણ તમે ગોઠવી શકો છો. એટલે કે, કોઈ દિવસે તમારે નિર્ધારિત સમય કરતાં વહેલું નીકળવું પડે તેમ હોય તો તમે આ મેસેજોનો સમય વહેલો ગોઠવી દો, જેથી જો નિર્ધારિત સમયમાં પણ ગ્રાહક તમારો સંપર્ક કરે તો તેને ખ્યાલ આવે કે તમે તે સમયે ઉપલબ્ધ નથી.