#UnemployedDoctors નો હેશટેગ કેમ ચાલી રહ્યો છે?

જકાલ ટ્વિટર પર #UnemployedDoctors ટ્રેન્ડ છવાયેલું છે. ના, ના, ગુજરાતની ચૂંટણીના કારણે નહીં. આ વાત તો દક્ષિણ આફ્રિકાની છે.

દક્ષિણ આફ્રિકામાં હતાશ મેડિકલ વિદ્યાર્થીઓ તેમના અનિશ્ચિત ભાવિ વિશે ફરિયાદ કરવા હેશટેગ #UnemployedDoctors સાથે સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરી રહ્યાં છે. આ વર્ષે લગભગ અંતિમ વર્ષના 300 વિદ્યાર્થીઓને હજુ ઇન્ટર્નશિપ માટે જગ્યા મળી નથી. આ બાબતમાં રાજકારણ પણ ભળ્યું છે. આરોગ્યપ્રધાન એરોન મોટ્સોઅલેદી તેમનું સમર્થન કરી રહ્યાં છે. તેઓ ત્રણ મોટા પ્રાંતો પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. આ ત્રણ પ્રાંતો ઇન્ટર્નશિપ માટે નાણાં આપવામાં નિષ્ફળ ગયાં છે.મેડિકલ વિદ્યાર્થીઓને લાગે છે કે તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે; જેમ કે રયાન જેકોબ્સ ન્યૂરૉસર્જન બનવા માગે છે, પરંતુ તેનું ભાવિ અનિશ્ચિત છે. મેડિકલનું ભણવાનું અઘરું હોય છે. તેમાં ઘણો પરિશ્રમ કરવો પડે છે અને તે પછી જો ભાવિ અનિશ્ચિત બને તો દુઃખ થાય તે સ્વાભાવિક છે. રયાન જેકોબ્સ કહે છે, “મેં સ્કેલેનબોસ્કમાં સાત વર્ષ અભ્યાસ કર્યો. આથી ઘણું બધું લોહી, પરસેવો અને આંસું વહેવડાવ્યાં. રાતે ઉજાગરા કર્યા. ઘણી વાર મને લાગતું કે હું આ પૂરું જ નહીં કરી શકું.”

જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન પણ માને છે કે ઇન્ટર્નશિપની તંગી એ કટોકટી છે. તેના મહાસચિવ માઇકલ વાન નિએકર્ક કહે છે, “અમે અંતિમ વર્ષના 600 મેડિકલ વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના ઇન્ટર્ન સાથે બેઠાં છીએ. આનો અર્થ એ થાય કે દક્ષિણ આફ્રિકામાં અમારા સમુદાય કે જ્યાં દર્દી દીઠ ડૉક્ટરનો ગુણોત્તર ઊંચો છે તેમાં ૬૦૦ જુનિયર તબીબોની તંગી છે.

મોટ્સોએલ્દીએ કહ્યું કે હોદ્દા માટે ભંડોળ પૂરું પાડવું એ પ્રાંતોની કાયદેસરની જવાબદારી છે. “દક્ષિણ આફ્રિકાની હૅલ્થ પ્રૉફેશનલ કાઉન્સિલની એક્રેડિટેશન સંખ્યાના આધારે આ હૉસ્પિટલોમાં પ્રાંતોએ નોકરીઓ સર્જવી જ જોઈએ કારણકે ઇન્ટર્નશિપના લોકો હજુ તાલીમ લઈ રહ્યાં છે.” આરોગ્યપ્રધાન વૅસ્ટર્ન કૅપ, ક્વાઝુલુનાતાલ અને ગુએતાંગની વાત કરે છે. તેઓ કહે છે કે “જો આ પ્રાંતો ભંડોળ નહીં આપે તો તમે મુશ્કેલીમાં મૂકાશો. હું તેમને કહી રહ્યો છું કે તેમણે આ પદો ભરવાં જ જોઈએ.” આરોગ્યપ્રધાને તો જો આ પ્રાંતો પદો ન સર્જે તો કાયદેસરનાં પગલાં લેવાની ધમકી આપી છે. “જો કેટલાક પ્રાંતોને કૉર્ટમાં લઈ જવા પડશે તો હું તેમ પણ કરીશ, ભલે તે શરમમાં મૂકનારું પગલું હોય. જો પ્રાંત તેની બંધારણીય જવાબદારી નિભાવવાનો ઈનકાર જ કરે તો, મારે શું કરવું? પણ મને આશા છે કે (કૉર્ટે જવાનો) એવો વારો નહીં આવે.

વૅસ્ટર્ન કૅપના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે તેણે સાત વધુ પદો ફાળવ્યાં છે પરંતુ નાણાં મંત્રાલય તરફથી વધુ ભંડોળની તે રાહ જુએ છે.

જ્યાં સુધી તબીબી વિદ્યાર્થીઓ સરકારી સંસ્થાઓમાં ઇન્ટર્નશિપ અને કમ્યૂનિટી સર્વિસ ન કરે ત્યાં સુધી તેઓ કાયદેસર કામ શરૂ કરી શકતા નથી. ૨૦૧૬માં ઇન્ટર્નશિપ અને કમ્યૂનિટી સર્વિસ પદો માટેની અરજીની પ્રક્રિયા ઑનલાઇન બનાવી દેવાઈ હતી. તે વખતે પહેલા અખતરામાં ખબર પડી હતી કે ડિસેમ્બરમાં અરજી-નોકરીની વિધિ પૂરી થયા પછી ૧૫૦ ડૉક્ટરો બેરોજગાર રહી ગયાં હતાં.

દક્ષિણ આફ્રિકામાં આરોગ્ય ક્ષેત્ર સારી સ્થિતિમાં નથી. સરકારી હૉસ્પિટલોમાં બરાબર સારવાર મળતી નથી. સાધનોની પણ તંગી છે. દક્ષિણ આફ્રિકાના લોકોની એ પણ ફરિયાદ છે કે ત્યાંના ડૉક્ટરો દેશ છોડી વિદેશ ચાલ્યાં જાય છે. તેમની એ પણ રાવ છે કે આપણે ત્યાં મેડિકલ કૉલેજો તો નવી નવી બનતી જાય છે પરંતુ તેમાંથી જે સ્નાતકો બહાર પડે તેમને સમાવવા માટેની જગ્યાઓ ક્યાં છે? દક્ષિણ આફ્રિકાના પ્રાંતોની આર્થિક સ્થિતિ નબળી છે. પરિણામે તેમણે ઔપચારિક કે અનૌપચારિક રીતે હમણાં ભરતી બંધ કરી છે. વિશ્વ બૅન્કના અંદાજ પ્રમાણે, દક્ષિણ આફ્રિકામાં દર હજાર નાગરિકે એક ડૉક્ટર છે!