જળ છે તો જીવન છે…

ધરતી પરથી જળનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે એ ગંભીર સમસ્યાથી દુનિયાનાં તમામ દેશો વાકેફ છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા 30-40 વર્ષો પછી એક એવો સમય પણ આવશે કે જ્યારે આપણી પેઢી માટે ધરતીના 150 ફૂટ ઊંડે પણ પીવાનું પાણી નહીં મળે.

એટલે સાચું જ કહેવાયું છે કે જળ છે તો જીવન છે. આવતીકાલ જીવવી હોય તો આજે પાણીને બચાવવું આવશ્યક છે.

આ કામ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક દેશ કે કોઈ એક સમાજે નહીં, પરંતુ તમામ પૃથ્વીવાસીઓએ સાથે મળીને કરવાનું છે.

(વિશ્વ જળ દિવસ નિમિત્તે લોકોને પાણીનું મૂલ્ય સમજાવવા માટે જગવિખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી શહેરના દરિયાકિનારે આ રેતશિલ્પ બનાવ્યા છે)

જળસ્તરમાં થઈ રહેલા ઘટાડાની ચિંતાને ધ્યાનમાં લઈને જ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની મહાસભાએ દુનિયાભરના દેશો માટે દર વર્ષે 22 માર્ચ વિશ્વ જળ દિવસ એટલે કે World Water Day ઘોષિત કર્યો છે. આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને પાણીના મહત્વથી સતર્ક રાખવાનો છે. જળ બચાવો નારાની સાથે જ જિંદગી બચાવો નારો ઉમેરી દેવામાં આવ્યું છે.

દુનિયામાં જે જળ સંસાધનો ઉપલબ્ધ છે એની જાળવણી કરવા તમામ સભ્ય દેશો પોતપોતાને ત્યાં નક્કર પગલાં લે અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની ભલામણોનો અમલ કરીને વિશ્વ જળ દિવસ માટે સમર્પિત બને એવો વિશ્વ સંસ્થાનો હેતુ છે.

પાણીને લગતા મુદ્દાઓ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે.

વર્ષમાં દર 22 માર્ચે વિશ્વ જળ દિવસે પાણીના મૂલ્યને લોકો સમજે અને પાણીનું એક એક ટીપું સૃષ્ટિ પરના જીવન માટે કેટલું કિંમતી અને મહત્વનું છે એ સમજે અને આખું વર્ષ પાણીની બચત કરે, એનો સંભાળપૂર્વક વપરાશ કરે એવો ઉદ્દેશ્ય સર્વત્ર હંમેશ માટે સફળતા અપાવે એવી આશા.